સુરત: સ્માર્ટ સિટીનો ખિતાબ ધરાવતા સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ સુરત મહાનગરપાલિકાની ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા ફરી એકવાર ખુલ્લી પડી છે. શનિવારે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે શહેરના રિંગ રોડ, લિંબાયત અને ડિંડોલી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
- વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને પગલે લિંબાયત અને ડિંડોલી વિસ્તાર તેમજ ગરનાળાંમાં પણ પાણી ભરાયા
- આ વરસે સતત વધી રહેલા નવા વોટર લોગિંગ પોઇન્ટમાં નવા વહીવટી ભવન સામેના રોડનો પણ સમાવેશ
આ વરસે વીઆઈપી રોડ અને રાંદેર ઝોનમાં પાલ ગૌરવ પથ પર પહેલીવાર પાણી ભરાયા બાદ હવે મહાપાલિકાના નવા આઇકોનિક વહીવટી ભવનની સામેનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો હતો. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ સ્થિતિને કારણે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. તેમજ મનપાની ડ્રેનેજ સિસ્ટમ અને તેના મેઇન્ટેનન્સ બાબતે તર્કવિતર્ક ઊઠી રહ્યા છે.
શુક્રવારે સવારથી શરૂ થયેલા વરસાદે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ કર્યું હતું. ત્યારે રિંગ રોડ પર સબજેલ ખાતે નિર્માણાધીન આઇકોનિક વહીવટી ભવન અને મેટ્રો પ્રોજેક્ટની કામગીરીની આસપાસના રસ્તા પર પાણીનો ભારે ભરાવો જોવા મળ્યો હતો. આ રસ્તા દિવસભર ટ્રાફિકથી ધમધમતા હોવા છતાં જળભરાવને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી.
લિંબાયત અને ડિંડોલીના ગરનાળામાં પણ પાણી ભરાયું હતું. જેના કારણે હજારો નોકરી-ધંધે જતા લોકોને અટવાવું પડ્યું હતું. કેટલાક ચાલકોનાં વાહનો પાણીમાં બંધ પડી જતાં સ્થિતિ વધુ ગંભીર બની હતી. આ વર્ષે ચોમાસા પહેલાં પાલિકાએ ડ્રેનેજ નેટવર્કની સફાઈ અને સુધારણાના મોટા દાવા કર્યા હતા, પરંતુ આજના વરસાદે આ તૈયારીઓની પોલ ખોલી નાંખી હતી. ગત વર્ષે પણ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી.
