Dakshin Gujarat

રક્તદાન કર્યા બાદ ચોથા દિવસે હાર્ટ એટેક આવતા પારડીના યુવકનું મોત

પારડી : પારડીમાં આઘાતજનક ઘટના બની છે. અહીં સોની સમાજના એક તંદુરસ્ત યુવાનનું હાર્ટ એટેકના લીધે મોત નિપજ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ યુવાને ચાર દિવસ પહેલાં જ સ્વૈચ્છાએ રક્તદાન કર્યું હતું.

પારડીના વાણિયાવાડમાં રહેતા સોની સમાજના આશાસ્પદ યુવાનનું ગઇકાલે હાર્ટ એટેકથી મોત નિપજતા પંથકમાં શોક છવાઈ ગયો હતો. તેમના પરિવારે બંસી પારેખની આંખોનું દાન કરી સમાજમાં સંદેશો પાઠવ્યો હતો. વાણિયાવાડ વિસ્તારમાં રહેતા બંસી દિપકભાઈ પારેખ તેમની પારિવારિક જ્વલરી શોપ ચલાવતાં હતાં. ગતરોજ 22 મી માર્ચના રોજ રાત્રિના નવ કલાકે તેઓ તેમના ઘરે હતા ત્યારે હાર્ટ એટેક આવતા તેમનું મોત થઇ ગયું હતું.

4 દિવસ અગાઉ જ યોજાયેલા રક્તદાન કેમ્પમાં તેમણે રક્તદાન કર્યું હતું. બંસી પારેખની ઈચ્છા હતી કે તેમની આંખોનું દાન કરવામાં આવે. જેથી તેમના પરિવારજનોએ ડોક્ટર લતેશ પટેલનો સંપર્ક કરી ચક્ષુદાન કરી માનવતા મહેંકાવી હતી અને સમાજમાં માનવહિત સંદેશો પાઠવ્યો હતો. બંસી પારેખના નિવાસ્થાનેથી નીકળેલી અંતિમયાત્રામાં મિત્રો, પરિવાર, સાથે મોટી સંખ્યામાં લોકો જોડાઈ શ્રદ્ધાંજલિ આપી હતી. આશાસ્પદ યુવાનના મૃત્યુને લઇ પારડી નગરમાં શોકની લાગણી છવાઈ હતી. યુવાનોના હાર્ટએટેકના હુમલામાં મૃત્યુ પામવાના કિસ્સા વધુ બનતા લોકોમાં ચિંતા થઈ રહી છે.

કામરેજના નવાગામના આધેડ અચાનક બેભાન થઈ મૃત્યુ પામ્યા
કામરેજ: મૂળ મહિસાગરના બાલાસિનોરના ફીકરી ગામના વતની અને હાલ પલસાણાના હરિપુરા ગામે વિધાતા ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-1માં ચેઈન બનાવવાની ફેક્ટરીમાં રહીને કામ કરતા મનહર પ્રતાપ ચૌહાણ(ઉં.વ.49) બુધવારે સવારે 8 કલાકે કામરેજના નવાગામ ખાતે અમૃત ઉદ્યોગનગર ખાતે મશીન ફિટિંગ કરવા માટે જવાનું પરિવારના સભ્યોને કહીને નીકળ્યા હતા. સવારના 10.30 કલાકે કામ કરતા છાતીમાં દુ:ખાવો થતાં અચાનક નીચે પડીને બેભાન થઈ જતાં સારવાર માટે કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જતાં મોત નીપજ્યું હતું. જે અંગે કામરેજ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top