Sports

વર્કલોડ મેનેજ કરવા રાષ્ટ્રીય ટીમનો કોઇપણ ખેલાડી IPL મેચ છોડે તેવું લાગતું નથી : રોહિત શર્મા

ચેન્નાઈ : ભારતીય ટીમમાં (Indian Team) ઈજાગ્રસ્ત ખેલાડીઓની (Injured player) વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. પરંતુ કેપ્ટન રોહિત શર્માને નથી લાગતું કે રાષ્ટ્રીય ટીમનો કોઈપણ ખેલાડી વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે 31 માર્ચથી શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેચો છોડવા માગશે. જસપ્રીત બુમરાહથી લઈને શ્રેયસ ઐયર સુધી, રાષ્ટ્રીય ટીમમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યા સતત વધી રહી છે અને રોહિતે કહ્યું કે ઓક્ટોબર-નવેમ્બરમાં ઘરઆંગણે વર્લ્ડ કપ પહેલા વર્કલોડ મેનેજમેન્ટની જવાબદારી આઇપીએલ ફ્રેન્ચાઈઝી માલિકો અને ખેલાડીઓની પોતાની રહેશે.

ઓસ્ટ્રેલિયા સામેના સીરિઝ પરાજય પછી રોહિતે મીડિયાને કહ્યું હતું કે ખેલાડીઓની ઇજા ચિંતાજનક છે. અમને એવા ખેલાડીઓની ખોટ છે જેઓ ખરેખર પ્લેઈંગ ઈલેવનમાં હોવા જોઈએ. તેઓ બધા પુખ્ત છે. તેથી તેઓ તેમના શરીરની સારી કાળજી લઈ શકે છે અને જો તેઓને લાગે છે કે ક્રિકેટ વધુ પડતું થઈ રહ્યું છે, તો તેઓ તેના વિશે વાત કરી શકે છે અને એક અથવા બે મેચ છોડી શકે છે. પણ મને શંકા છે કે એમ થશે.

તેણે કહ્યું હતું કે આ બધું હવે ફ્રેન્ચાઈઝી પર નિર્ભર છે. ખેલાડીઓ હવે ફ્રેન્ચાઈઝીની માલિકીના છે, તેથી અમે તેમને અમુક અંશે સંકેતો આપ્યા છે. આખરે તે ફ્રેન્ચાઇઝીનો નિર્ણય હશે અને સૌથી અગત્યની બાબત એ છે કે એ ખેલાડીઓની પોતાની જવાબદારી છે કે તેઓ તેમના શરીરની સંભાળ જાતે રાખે. સાચું કહું તો ખેલાડીઓને ફિટ રાખવા માટે દરેક જણ પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. અમે પ્લેયર મેનેજમેન્ટ પર ઘણું ધ્યાન આપી રહ્યા છીએ અને એટલા માટે અમે કેટલાક ખેલાડીઓને વચ્ચે આરામ આપ્યો છે. અમે તેમના વર્કલોડને મેનેજ કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. હું એવો નિષ્ણાત નથી કે જે તમને કહી શકે કે ઇજાઓ શા માટે ફરી રહી છે. અમારી મેડિકલ ટીમ તેની તપાસ કરી રહી છે અને એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે અમારા શ્રેષ્ઠ 15 ખેલાડીઓ વર્લ્ડ કપ માટે તૈયાર છે.

Most Popular

To Top