Dakshin Gujarat

બગવાડા ટોલનાકા પર પાછળથી ટક્કર લાગતા કાર ડિવાઇડર પર ચડી રેટ બોર્ડમાં ઘૂસી ગઇ

વલસાડ : બગવાડા ટોલનાકા ઉપર એક કારને અન્ય વાહની ટક્કર લાગતા તે ડિવાઇડર ઉપર ચડી રેટબોર્ડમાં ઘૂસી ગઇ હતી. સદનસીબે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

પારડી નેશનલ હાઇવે નં. 48 ના બગવાડા ટોલનાકા સ્થિત રજવાડી હોટલ પાસે આજે બપોરના સમયે વાપીથી વલસાડ જતા ટ્રેક પર પારડી પોણિયામાં રહેતો પ્રિતેશ લાડ કાર નં. જીજે.15 સીજી. 5644 લઇને વાપી કામ માટે ગયો હતો અને તે પારડી પરત થઇ રહ્યો હતો તે વખતે બગવાડા ટોલનાકા પાસે પાછળથી અજાણ્યા વાહનની ટક્કર કારને લાગી હતી.

જેને લીધે કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટોલના ડિવાઈડર વચ્ચે મૂકેલા રેટ બોર્ડમાં કાર ઘૂસી ગઇ હતી. ડિવાઈડર પર ચઢી જઈ રેટ બોર્ડમાં કાર ફસાઈ જતા ટાયર પણ ફાટી ગયું હતું અને બોર્ડ ઉખડી ગયુ હતું. ઘટનાને પગલે ટોલનાકાના કર્મચારીઓ આવી પહોંચી ક્રેઈનની મદદ લઈ બોર્ડને હટાવી કાર ડિવાઈડર પરથી ઉતારી હતી. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી અને કારચાલકનો બચાવ થયો હતો.

વિજલપોર-એરુ રોડ પર મોપેડ સ્લીપ થતા વિજલપોરના આધેડનું મોત
નવસારી : વિજલપોર-એરુ રોડ પર મોપેડ સ્લીપ થતા વિજલપોરના આધેડનું મોત નીપજ્યાનો બનાવ જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાન પાલી જિલ્લાના રાણી તાલુકાના પબુજીગામના સેશારામ પકારામ ચૌધરી (ઉ.વ. 41) હાલ વિજલપોરના મહારાજા એપાર્ટમેન્ટમાં તેમના પરિવાર સાથે રહેતા હતાં. ગત 18મીએ તેઓ તેમની મોપેડ લઈને કામ અર્થે ક્યાંક જઈ રહ્યા હતાં. દરમિયાન એરુ તરફ જતી વખતે પેટ્રોલ પંપ પાસે તેમની મોપેડ સ્લીપ થઈ ગઈ હતી. જેના કારણે તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

ત્યાંથી વધુ સારવાર માટે તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતાં. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલના ડોકટરે ખટોદરા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાગળો જલાલપોર પોલીસ મથકે મોકલતા આગળની તપાસ પી.એસ.આઈ. આર.એસ. ગોહિલે હાથ ધરી છે.

Most Popular

To Top