Dakshin Gujarat

પલસાણા: ફરિયાદ પાછી લેવા માટે બે ભાઈઓએ LLMમાં અભ્યાસ કરતી યુવતીને રસ્તામાં ઘેરી લીધી અને..

પલસાણા: (Palsana) કડોદરા નગરમાં રહેતી યુવતીના (Girl) પરિવાર સાથે સામે રહેતા ઈસમોનો રિક્ષા પાર્કિંગ (Parking) બાબતે ઝઘડો થતાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી. જેની અદાવતમાં ફરિયાદ રિટર્ન લેવા માટે બે ભાઈએ ગાડી પર જતી યુવતીને ઘેરી વળી ધમકીઓ (Threat) આપવાના આક્ષેપ સાથે યુવતીએ પોલીસ ઉચ્ચ અધિકારીને અરજી કરતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

  • ‘તુમ્હારી છોટી બહેન કા વો હાલ કરેંગે, જો તુમ સપને મેં ભી નહીં સોચ સકતે’
  • કડોદરામાં અગાઉ રિક્ષા પાર્કિંગ બાબતે થયેલી મારમારીમાં સામસામે પોલીસ ફરિયાદ થઈ હતી
  • LLMમાં અભ્યાસ કરતી યુવતીનો રસ્તો આંતરી ધમકી, બે ભાઈ સામે ફરિયાદ

પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરા પોલીસમથક વિસ્તારમાં આવેલા અમૃતનગરમાં પ્લોટ નં.60 પરના મકાનમાં રહેતા જેનફબાનુ ભીખુભાઈ કુરેશી (ઉં.વ.23) LLMમાં અભ્યાસ કરે છે. તેમણે સુરત જિલ્લા પોલીસ વડાને કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, ગત 15 ડિસેમ્બરે તેઓ પોતામાં ઘરેથી કોર્ટ જવા માટે નીકળ્યાં હતાં. દરમિયાન રસ્તામાં તેમની સોસાયટીમાં રહેતા ફિરોઝખાન નઝીમખાન પઠાણ તેમજ તેમનો ભાઈ જાવેદ પઠાણ બંને મોટરસાઇકલ પર મળ્યા હતા અને રસ્તામાં જેનફબાનુની બાઇક રોકીને ફિરોઝ પઠાણે યુવતીને ધમકી આપી હતી.

તેણે કહ્યું કે, ‘તુમને જો હમ પર કેસ કિયા હૈ વો રિટર્ન લે લે. ઔર તું પોલીસ સ્ટેશન બહોત આતી જાતી હૈ ના, ગાડી સે ટક્કર મારકે ખતમ કરી કર દુંગા’. તેમજ તેના ભાઈ જાવેદ પઠાણે કહ્યું હતું કે, ‘તુમ્હારી છોટી બહેન કા વો હાલ કરેંગે, જો તુમ સપને મેં ભી નહીં સોચ સકતે, તેરે ભાઈ ઔર બાપ કો બીચ બજાર મેં મારા થા, જિન કા વિડીયો હમારે પાસ હૈ, પોલીસવાલે ભી હમારા કુછ નહીં ઉખાડ સકતે, હમ યુપીવાલે હૈ, હમ પૈસેવાલે હૈ, હમ છૂટ જાયેંગે’ એવી ધમકી હતી. આમ ધમકીના આક્ષેપ સાથે જેનફબાનુએ સુરત જિલ્લા પોલીસ વડાને અરજીઓ કરી હતી. જે સંદર્ભે કડોદરા પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પો.કો.મિતેષભાઈ અનિલભાઈ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

કડોદરામાં પાંચ વર્ષ અગાઉ મહિલાના ગળામાં ચપ્પુ મારનાર વોન્ટેડ આરોપી ઝડપાયો
પલસાણા: કડોદરામાં રહેતી એક મહિલા તેના જ ઘરમાં કરિયાણાની દુકાન ચલાવતી હતી. જેને પાંચ વર્ષ અગાઉ એક ઇસમ નજીવી બાબતે ગળાના ભાગે ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી ભાગી છૂટ્યો હતો. જેને ગુરુવારે કડોદરા પોલીસે ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કડોદરાની હરિધામ સોસાયટીના ઘર નં.૪૮૭માં રહેતાં માધુરી સિકંદર શર્મા તેમના ઘરમાં જ કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. પાંચ વર્ષ અગાઉ મનીષસીંગ રાજદેવસીંગ રાજપૂત (ઉં.વ.૩૭) (રહે., હરિદર્શન સોસાયટી, શેખપુર, તા.કામરેજ, મૂળ રહે., બિહાર) તેના ભાઈને મળવા કડોદરા આવ્યો હતો. ત્યારે તેના સગા ભાઇ સુધીરકુમાર રાજદેવસીંગના ગળા ઉપર અજાણ્યા ઇસમોએ ચપ્પુના ઘા કર્યા હતા. આથી સુધીર ત્યાંથી દોડતો દોડતો તેના ઘર તરફ જઇ રહ્યો હતો. અને માધુરીબેનની દુકાન આગળ આવીને ઢળી પડતાં મોત નીપજ્યું હતું. મરનાર સુધીરના ભાઇ મનીષસીંગના મનમાં શંકા હતી કે મારા ભાઇને મારનાર ઇસમને માધુરી ઓળખે છે.

જેથી મનીષ તેના ભાઇની હત્યા કરનાર ઇસમ વિશે વારંવાર માધુરીને પૂછતો હતો. જો કે, માધુરી કંઈ જાણતી ના હોવાથી મનીષને કંઇ પણ જણાવ્યું નહોતું. ત્યારે મનીષ ઉશ્કેરાઇ જઇ ચપ્પુ વડે માધુરીના ગળામાં હુમલો કરી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આથી માધુરીએ પાંચ વર્ષ અગાઉ કડોદરા પોલીસમથકે મનીષસીંગ રાજપૂત સામે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન કડોદરા પોલીસને ગત બુધવારે બાતમી મળી હતી કે જીવલેણ હુમલો કરનાર મનીષસીંગ રાજપૂત હાલ પીપોદરાની શુભમ ટેક્સટાઇલ્સમાં આવેલી કોઇ ફેક્ટરીમાં કામ કરે છે અને આજરોજ તેના કોઇ ઓળખીતાને મળવા કડોદરા નૂરી મીડિયા પાસે આવનાર છે. આ બાતમીના આધારે કડોદરા પોલીસે તેને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top