Dakshin Gujarat

ભરૂચમાં સામે આવ્યું જોશીમઠ જેવું સંકટ: જમીનમાં અને મકાનોમાં તિરાડો પડી

ભરૂચ: (Bharuch) ઉત્તરાખંડના જોષીમઠ જેવું સંકટ ભરૂચ જિલ્લાના ઝઘડિયાના નર્મદા કાંઠે (Bank Of Narmada River) સર્જાયું છે. નર્મદા નદીમાં દક્ષિણ કિનારે ભેખડોના ભૂસ્ખલનથી ભરપાય ના થાય તેવડું નુકસાન સ્થાનિકોને થઈ રહ્યું છે. જિલ્લામાં નર્મદાના દક્ષિણ તટે કેટલાંય પૌરાણિક મંદિરોને (Temple) કિનારો ફાટવાથી અસલામતી સર્જાઈ છે. હાલમાં શ્રી ઉદાસીન કાર્ષણી કુટિયા મંદિરની નીચે 50 ફૂટ ઉંડી તિરાડો (Cracks) પડતાં મંદિર તૂટી પડ્યું હતું. જેથી કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સરકાર આ નુકસાનનો સરવે કરી સહાય કરે તેવી લોકોની માંગ છે.

  • ભરૂચમાં જોશીમઠ જેવું સંકટ: નર્મદા નદીએ વહેણ બદલતાં મકાનો અને જમીનોમાં તિરાડ
  • નર્મદા તટે ભેખડ આશરે 100 ફૂટ ધસી ગઈ છે અને હજુ પણ ગામ બાજુ ધસી રહી છે
  • નર્મદાના દક્ષિણ તટે કેટલાંય પૌરાણિક મંદિરો કિનારો ફાટવાથી અસલામત
  • હાલમાં શ્રી ઉદાસીન કાર્ષણી કુટિયા મંદિરની નીચે 50 ફૂટ ઉંડી તિરાડો પડતાં મંદિર તૂટી પડ્યું હતું

35 વર્ષ પહેલાં ઝઘડિયા જીઆઇડીસીને પાણી પહોંચાડવા પંપ હાઉસ બનાવાયું હતું અને પાંચ વર્ષ પહેલાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા 70 ગામને પીવાનું પાણી 96 હજાર લોકોને આપવા પંપ હાઉસ બનાવાયું છે. પાણી પુરવઠાના પમ્પ હાઉસ અને કૂવાના છેલ્લા કોલમ અને કૂવો ઉત્તર દિશા નદી બાજુ ત્રાંસા થઈ ગયા છે. જેથી પંપ હાઉસ પણ 20 ફૂટ પાછળ લેવાયું છે. જે ક્યારે તૂટી પડશે તેનું નક્કી નથી. ભેખડ આશરે 100 ફૂટ ધસી ગઈ છે અને હજુ પણ ગામ બાજુ ધસી રહી છે. ઘણી વખત પશુપાલકોના પશુ ચરતાં હોય ત્યારે ભેખડ ધસી જવાથી પશુ પણ નદીમાં જતાં રહ્યાં છે. જેને કારણે અત્યાર સુધીમાં ઘણાં પશુનાં મોત થયાં છે.

શ્રી ગૌતમેશ્વર મહાદેવ મંદિર 300 વર્ષ પૌરાણિક છે. જેનો ઉલ્લેખ નર્મદા પુરાણમાં પણ છે. સો વર્ષ પહેલાં મંદિરની બાજુમાં મોટું ફળિયું વસેલું હતું. ધીમે ધીમે કિનારો ધોવાતાં લોકો મંદિરની પાછળ જતા રહ્યા છે. આ મંદિરની 35 વર્ષથી સાધુ રામદાસ શિવજીની સેવા અને પૂજા કરે છે. અત્યારે શિવજીના મંદિરની નીચેથી આખી માટી ધોવાઈ ગઈ છે. આ ગૌતમેશ્વર લિંગની સ્થાપના ગૌતમ ઋષિએ કરી હતી અને તેની સામે તેમનાં પત્ની અહલ્યાબાઈએ અહેલેશ્વર લિંગની સ્થાપના કરી હતી. મંદિર જેટલો જ ભાગ ધોવાણથી બચેલો છે, બાકીનો ફરતે નદીમાં ધસી ગયો છે.

Most Popular

To Top