Top News

More Posts

   The Latest

Most Popular

મંદી-મોંઘવારી-બેરોજગારી જેવી સમસ્‍યાનો માર સહન કરી રહેલા રાજ્‍યના નાગરિકો કોરોના મહામારીમાં વધુ આર્થિક મુશ્‍કેલીમાં મુકાઈ ગયા છે. ખાનગી શાળા-કોલેજોના સંચાલકો વિદ્યાર્થી-વાલીઓ પાસેથી બેફામ ફી વસુલે છે. રાજ્‍યની ખાનગી શાળાઓના મોટાભાગના સંચાલકો રાજ્‍ય સરકારના આશીર્વાદથી શિક્ષણને વ્‍યાપારીકરણમાં ધકેલી રહ્યા છે.

રાજ્‍ય સરકારે ગત શૈક્ષણિક વર્ષમાં કોરોના મહામારીને ધ્‍યાનમાં રાખીને ૨૫ ટકા ફી માફીનો નિર્ણય કરાયો હતો, તેવી રીતે ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ ૨૫ ટકા ફી માફ કરવાનો નિર્ણય તાત્‍કાલિક જાહેર કરવો જોઈએ તેવી કોંગ્રેસના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી.

તેમણે રજૂઆતમાં જણાવ્યું હતુ કે કોરોનાના કારણે રાજ્‍યમાં મોટી સંખ્‍યામાં નાગરિકો મૃત્‍યુ પામ્‍યા છે. અનેક પરિવારો કોરોનાના કારણે આર્થિક, માનસિક અને સામાજીક રીતે પડી ભાંગ્યા છે, અનેક બાળકો અનાથ થયા છે. કોરોના મહામારીમાં નાગરિકોની પડખે રહી નાગરિકોને મદદ કરવા માટે ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ ૨૫ ટકા ફી માફ કરવાનો નિર્ણય તાત્‍કાલિક જાહેર કરવો જોઈએ.

કોંગ્રેસ દ્વારા આ માંગણીઓ કરાઈ
ગ્‍યાસુદ્દીન શેખે વધુમાં જણાવ્‍યું હતું કે, કોરોનાથી મૃત્‍યુ પામેલા મૃતકના વારસદારને રૂ. ૪ લાખની વળતર સહાય ચૂકવવામાં આવે. રાજ્‍યમાં કોરોનાના કારણે અવસાન પામેલા સરકારી કર્મચારીઓ અને કોરોના વોરીયર્સના વારસદારો પૈકી કોઈ એકને સત્‍વરે સરકારી નોકરી આપવામાં આવે.

કોરોનામાં સરકારી ખર્ચે સારવાર ન મળી શકી હોય અને ખાનગી હોસ્‍પિટલમાં સારવાર લીધી હોય તેવા ગરીબ અને મધ્‍યમ વર્ગના પરિવારના લોકોએ ખાનગી હોસ્‍પિટલમાં લીધેલી સારવારના બિલની ચૂકવણી રાજ્‍ય સરકાર દ્વારા કરવામાં આવે. કોરોના કાળમાં સરકારી તંત્રની ઘોર નિષ્‍ફળતાની ન્‍યાયિક તપાસ કરવામાં આવે. સરકારે કોરોનામાં મૃતકોના આંકડા છુપાવવા માટે મૃત્‍યુના પ્રમાણપત્રમાં મૃત્‍યુનું કારણ અન્‍ય રોગ કે માંદગી દર્શાવી છે, જે સુધારી મૃત્‍યુનું કારણ કોવિડ-૧૯ દર્શાવી તેમને વળતર આપવું.

To Top