Dakshin Gujarat

ખેરગામમાં ભાજપના બીજા ગ્રુપમાં સતત બીજા દિવસે અશ્લીલ ફોટા ફરતા થયા, કાર્યવાહીના નામે મિંડુ

ખેરગામ: (Khergam) ખેરગામ તાલુકા ભાજપમાં (BJP) રંગીન મિજાજી કાર્યકરોને કારણે પક્ષની સરેઆમ બદનામી થઇ રહી છે. તેમ છતાં ટોચના ગણાતા ભાજપના નેતાઓ આવા બેશરમ કાર્યકરો સામે પગલાં ભરતા અચકાઈ રહ્યા છે. ખેરગામ તાલુકા ભાજપના ગ્રુપમાં (Group) અશ્લીલ ફોટા ફરતા થયા બાદ તાલુકાના આવા જ બીજાએક ગ્રુપમાં અશ્લીલ ફોટા (Photo) ફરતા થતા ભાજપના આવા બદનામ કાર્યકરો સામે લોકો થૂ થૂ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મન કી બાત કહી દેશમાં સારો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે, પરંતુ ભાજપના કાર્યકરોની પ્રચાર-પ્રસારની રીત કંઈક નોખી જ છે. ચૂંટણી પ્રચાર-પ્રસાર માટે તો સોશિયલ મીડિયાને ભાજપે હથિયાર બનાવી દીધું હોય એવો ટ્રેન્ડ છેલ્લાં થોડા વર્ષોમાં આપણને જોવા મળી રહ્યો છે. ત્યારે તેના દુરુપયોગથી સમાજમાં દુરોગામી અસર થઇ રહી છે એ વાતનું ભાન ભાજપના કાર્યકરો ભૂલી ગયા છે.

છેલ્લા બે દિવસથી ખેરગામ તાલુકા ભાજપના એક ગ્રુપમાં ભાજપના કાર્યકરે નીચકક્ષાની માનસિકતાનો પરચો બતાવતા ભાજપી મહિલાઓ શરમમાં મુકાઇ ગઇ હતી. પોતાને સંનિષ્ઠ કાર્યકર ગણાવતા આ ભાજપીએ ખેરગામ તાલુકા ભાજપના ગ્રુપમાં અશ્લીલ ફોટા મૂકી દીધા હતા. અહીંથી નહીં અટકતા ખેરગામ તાલુકા ભાજપના અન્ય એક કાર્યકરે બીજા ગ્રુપમાં પણ આવા જ અશ્લીલ ફોટા ફરતા કરી ફરી વિવાદને જન્મ આપ્યો હતો. ખેરગામ તાલુકા ભાજપના આ બીજા ગ્રુપમાં અનેક મહિલાઓ છે. ઉપરાંત આ ગ્રુપમાં ધારાસભ્ય અને હાલના કેબિનેટ મંત્રી નરેશ પટેલ, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીર પણ છે. આ ગ્રુપના એડમીન પ્રશાંત પટેલ છે.

ભૂપેન્દ્ર પટેલ નામની વ્યક્તિના નામથી ફોટા ફરતા થયા
કોંગ્રેસ સહિતના પક્ષના સરાજાહેર અવગુણ ઓકતો ભાજપ આ રીતે કઈ સંસ્કારિતાનાં દર્શન કરાવી રહ્યો છે, એ સમજની બહાર છે. ભાજપમાં અશ્લિલ ફોટા મૂકી તહેલકા મચાવનાર આ કાર્યકર ભૂપેન્દ્ર પટેલ હોવાની વિગતો જાણવા મળી છે.

સાઇબર ક્રાઇમ હેઠળ ફરિયાદ કરવા કાર્યકરોની માંગ
અંકુર શુકલા નામના કાર્યકરે જણાવ્યું હતું કે, આવા કાર્યકર સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી છ મહિના સુધી નોનજામીનપાત્ર ગુનો દાખલ કરી ત્રણથી ચાર વર્ષ સુધીની જેલની સજા કરાવો. અન્ય એક કાર્યકરે જણાવ્યું હતું કે, ગ્રુપ એડમિને પોલીસ ફરિયાદ કરવી જોઈએ.

કાર્યકરને 10 દિવસ માટે ગ્રુપમાંથી રિમુવ કરી દીધો
ખેરગામ તાલુકા ભાજપના ગ્રુપના એડમીન પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, ગ્રુપમાં અશ્લીલ ફોટા મુકનાર ભાજપના કાર્યકર ભૂપેન્દ્ર પટેલને બોલાવ્યો હતો. તેને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, મેં ભગવાનના ફોટા સેન્ડ કરતા અશ્લીલ ફોટો પણ સેન્ડ થઈ ગયો હતો. સાથે આ કાર્યકરને 10 દિવસ માટે ગ્રુપમાંથી રિમુવ પણ કરી દીધો છે.

Most Popular

To Top