SURAT

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટમાં આયોજનનો અભાવ : હવે આ કારણોસર કામ ડીલે થઈ રહ્યું છે

સુરતઃ શહેર માટે ડ્રીમ પ્રોજેક્ટ એવો મેટ્રો રેલ પ્રોજેક્ટ તેના નિર્ધારીત સમયથી એક વર્ષ મોડો ચાલી રહ્યો છે. ત્યારે હવે ઇજારદાર અને મેટ્રો રેલ કોર્પોરેશન વચ્ચે નાણાંકીય ચૂકવણા બાબતે વધી રહેલા પ્રશ્નો વચ્ચે જુદા જુદા કારણો આગળ ધરીને ઇજારદાર એજન્સીઓ દ્વારા કામ વિલંબમાં પાડવામાં આવી રહ્યું હોવાની પ્રતિતી થઇ રહી છે. કામગીરી મોડી થવાના લીધે શહેરીજનો પરેશાન થઈ રહ્યાં છે. ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં મેટ્રોની કામગીરીના લીધે ઠેરઠેર ખાડા ખોદી નાંખવામાં આવ્યા છે તેના લીધે વાહનચાલકો, દુકાનદારો હેરાન થઈ રહ્યાં છે.

હવે સર્વિસ લાઇનના શિફ્ટિંગની સમસ્યા આગળ ધરીને કામ મોડું કરાયું હોવાની ચર્ચા છે. કેમકે નવેમ્બરના અંતમાં પીલરના કામ શરૂ થવાના હતા તે હજુ સુધી થઇ શક્યા નથી. મળતી વિગત મુજબ મેટ્રોના પ્રથમ ફેઇઝ હેઠળના કાદરશાની નાળથી ડ્રીમ સીટી સુધીના રૂટ પર પીલર ઊભા કરવાની કામગીરી નવેમ્બર માસમાં શરૂ થવાની હતી. જે હજુ હજુ સુધી કરાઇ નથી કેમકે ફાઉન્ડેશનના કામમાં નડતરરૂપ સર્વિસ લાઇનનું શિફ્ટિંગ સમયસર થયું નથી. અમુક ખાનગી જમીનો મામલે હજુ નકકર નિર્ણય નહીં લેવાતા આ કામ ચાલુ થઇ શક્યું નથી. જો કે આ તમામ કામગીરી અને તેના સોલ્યુશન માટે ડીપીઆરમાં બતાવાયેલા આયોજનો મુજબ આગળ નહીં વધતી હોવાથી આ પ્રોજેક્ટ લંબાઇ જવાની ભીંતિ જણાઇ રહી છે.

સુરત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં અંદાજે 12 રૂટ પર મેટ્રોની (Metro Train) કામગીરી શરૂ કરવાના કારણે વાહનવવહારને ડાયવર્ટ કરવામાં આવ્યા છે તેમજ જે તે વિસ્તારોમાં વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા માટે બેરીકેડ લગાવાયા છે. જેના કારણે આ રૂટ પર આવેલા તમામ દુકાનદારો (Shop Keeper), ગોડાઉનવાળા, વિવિધ ઓફિસ સંચાલકો, આરોગ્યકીય સેવાઓ તથા જીવન જરૂરિયાતની સેવા પુરી પાડતા તમામ ધંધાર્થીઓને એક વર્ષ જેટલા લાંબાગાળા માટે ધંધો વ્યવસાયમાં (Business occupation) ખુબ જ મોટી ખોટ ભોગવવાનો વારો આવશે, જેથી તેઓને મનપા દ્વારા યોગ્ય વળતર (Compensation) આપવામાં આવે તેમજ એક વર્ષ માટે મનપાના મિલકત વેરાઓ તેમજ વિવિધ યુટિલિટી ચાર્જીસ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે રૂા. 12,114 કરોડના મહત્વાકાંક્ષી સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે પ્રથમ ફેઝની કામગીરી ચાલી રહી છે. પ્રથમ ફેઝના 40.35 કિ.મી ના રૂટ માટે 72 કોચ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (Gujrat Metro Rail Corporation) દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. જેમાં ડ્રીમસિટીથી સરથાણાના રૂટ પર શરૂઆતના તબક્કામાં કુલ 15 મેટ્રો રેલ દોડશે અને સારોલીથી ભેંસાણના રૂટ પર કુલ 9 મેટ્રો રેલ દોડશે તેમ જીએમઆરસીના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Most Popular

To Top