ગાંધીનગર: સનાતન સંસ્કૃતિના પ્રતીક સમાન ભવનાથ મહાશિવરાત્રિ મેળો ૨૦૨૬નો ભવ્ય પ્રારંભ પૂર્વ સંધ્યાએ જ ભક્તિમય વાતાવરણ વચ્ચે થયો હતો. ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના સાડા ત્રણ કિલોમીટર માર્ગને પ્રથમ વખત વિશેષ થીમ આધારિત શણગારથી સજાવવામાં આવતા હજારો શહેરીજનો અને શિવભક્તો ભવનાથ મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
રાત્રે ૧૦ વાગ્યા બાદથી જ ભવનાથ વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી હતી. ગિરનાર દરવાજા-ભરડા વાવથી લઈને ભવનાથ મંદિર સુધીના માર્ગ પર શિવ આરાધના આધારિત પેઇન્ટિંગ, લાઇટિંગ અને સુશોભન ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભારે ભીડને કારણે બે કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી હતી, તેમ છતાં જૂનાગઢ શહેર પોલીસે સુચારું ટ્રાફિક મેનેજમેન્ટ કરીને ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેની તકેદારી લીધી હતી. આગામી દિવસોમાં ૧૦થી ૧૨ લાખથી વધુ ભાવિકો મેળામાં હાજરી આપશે તે અનુમાન સાથે તમામ સુવિધાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રી ૩.૫ કિ.મી. ખુલ્લા પગે ચાલીને ભવનાથ પહોંચ્યા
મહાશિવરાત્રિ મેળાના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગિરનાર દરવાજાથી ૩.૫ કિલોમીટર ખુલ્લા પગે ચાલીને ભવનાથ મંદિર સુધી પહોંચ્યા હતા. પદયાત્રા દરમિયાન “હર હર મહાદેવ” અને “ઓમ નમઃ શિવાય”ના જયઘોષથી ગિરનાર તળેટી ગુંજી ઊઠી હતી. માર્ગ દરમિયાન વિવિધ સંસ્થાઓ, અગ્રણીઓ અને નાગરિકોએ પુષ્પવર્ષાથી સ્વાગત અભિવાદન કર્યું હતું.
મેળામાંથી વીઆઈપી કલ્ચર દૂર કરીને શિવભક્તો માટે સુવિધામય બનાવ્યો: હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષઈ સંઘવીએ જણાવ્યું હતું કે ભવનાથના મહાશિવરાત્રિ મેળામાં દર વર્ષે સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. આ વર્ષે પ્રથમ જ દિવસે વિશાળ સંખ્યામાં શિવભક્તો આવ્યા છે. અમે મેળામાંથી વીઆઈપી કલ્ચર દૂર કરીને તેને સંપૂર્ણપણે શિવભક્તો માટે સુવિધામય બનાવ્યો છે,” એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગિરનારની પવિત્ર ભૂમિ પર ખુલ્લા પગે ચાલીને ભવનાથ પહોંચવાની અનુભૂતિ તેમના જીવનની યાદગાર પળોમાંની એક છે. “આ દિવ્યભૂમિ પર આવતાં એક અલૌકિક અનુભૂતિ થાય છે,” એમ તેમણે કહ્યું.