Halol

કંજરી ગામે સર્વ સમાજનો ત્રીજો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો

32 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા, ધારાસભ્ય અને સંત-મહંતોની ઉપસ્થિતિથી પ્રસંગ ગૌરવપૂર્ણ બન્યો
હાલોલ |

હાલોલ તાલુકાના કંજરી ગામે સર્વ સમાજનો ત્રીજો સમૂહ લગ્નોત્સવ ગુરુવારના રોજ કુમાર શાળાના પટાંગણમાં ભવ્ય અને ધાર્મિક માહોલમાં યોજાયો હતો. હાલોલ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 32 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

આ પાવન પ્રસંગે નેપાળના અનંત શ્રી વિભૂષિત જગતગુરુ રામાનંદાચાર્ય સ્વામી શ્રી રામકૃષ્ણચાર્યજી મહારાજ, વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય ધર્માચાર્ય પ.પુ. અખિલેશ્વર દાસજી મહારાજ, કંજરી રામજી મંદિરના મહંત શ્રી રામશરણ દાસજી મહારાજ સહિત અનેક સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સંતોના આશીર્વાદ અને શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી.
સમૂહ લગ્નોત્સવના આયોજનમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો હાજર રહ્યા હતા. કંજરી ગામના રામજી મંદિરના મહંત શ્રી રામશરણ દાસજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ રાજવી પરિવારના યોગેન્દ્રસિંહજી પરમાર (મુન્ના દાદા) અને મયૂરધ્વજસિંહજી પરમાર દ્વારા સતત ત્રીજી વખત આ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

સવારે ગણેશ સ્થાપના, ગ્રહશાંતિ અને મંડપ મુહૂર્ત સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો. બાદમાં 32 વરરાજાઓના આગમન પ્રસંગે ઢોલ-નગારા અને કંકુ-તિલકથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સવારે 11 વાગ્યે ડીજેના તાલે વાજતે-ગાજતે 32 વરરાજાઓનો ભવ્ય સમૂહ વરઘોડો નીકળ્યો, જેમાં કંજરી ગામ તેમજ હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકાના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
કુમાર શાળાના વિશાળ સામિયાણામાં અલગ-અલગ 32 ચૌરીઓમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નવિધિ સંપન્ન કરાઈ હતી. લગ્નોત્સવ દરમિયાન હાજર સંતો-મહંતોએ નવદંપતીઓને સુખમય દાંપત્ય જીવન માટે આશીર્વાદ આપ્યા. કન્યાવિદાય સમયે રાજવી પરિવારના ઇલાબા સહિત મહાનુભાવો દ્વારા દરેક કન્યાને 51 વસ્તુઓની કરિયાવર આપવામાં આવી હતી. આ ક્ષણે સમગ્ર મંડપ ભાવુક બની ગયો હતો અને ઉપસ્થિત લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.
આ સમૂહ લગ્નોત્સવ સમાજમાં એકતા, સહકાર અને સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top