Gujarat

અમદાવાદના સરદારનગરમાં 7.97 કરોડનો હાઈબ્રિડ ગાંજાનો જથ્થા સાથે બેની ધરપકડ

અમદાવાદ : અમદાવાદ શહેરના સરદારનગર નોબેલનગર વિસ્તારમાં પોલીસે 22 કિલો 780 ગ્રામ હાઈબ્રિડ ગાંજો અંદાજિત કિંમત રૂ. 7 કરોડ 97 લાખનો જથ્થા સાથે બે પેડલરોની ધરપકડ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં આ હાઈબ્રિડ ગાંજો બેંગકોકથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
એસઓજી પોલીસે 22 કિલો 780 ગ્રામ હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે પેડલર ચેતન પ્રજાપતિ અને જિયા ઉર્ફે જેસિકાની ધરપકડ કરી છે, જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય 6 આરોપીઓ ફરાર છે. આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

અમદાવાદની જેસિકા પ્રજાપતિએ ગાંજાનું નેટવર્ક ઊભું કર્યુ

અમદાવાદ SOGએ બેંગકોકથી અમદાવાદ સુધી ગાંજાની સિન્ડીકેટ ચલાવતી ચેનલનો પર્દાફાશ કર્યો છે. SOGએ 7.97 કરોડના હાઈબ્રીડ ગાંજા સાથે ભાઈ-બહેનની ધરપકડ કરી હતી. યુવતીએ ડ્રગ્સ માફીયાના કહેવાથી ગાંજાની તસ્કરી માટે ચાર રાજસ્થાનના યુવકોની ફૌજ તૈયાર કરી હતી અને જાન્યુઆરીમાં તેમને ગાંજો લેવા માટે પણ મોકલ્યા હતા. ગાંજાની ખેપમાં મુંબઈ એરપોર્ટ પરથી એક યુવક ઝડપાયો હતો જ્યારે ત્રણ લોકો કરોડો રુપિયાનો માલ લઈને બહાર નીકળી ગયા હતા.

SOGના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહને બાતમી મળી હતી કે જીયા ઉર્ફે જેશીકા પ્રજાપતિ અને ચેતન પ્રજાપતિએ મીલન અને અમરાન જોશી નામના શખ્સો પાસેથી થાઈલેન્ડથી ગાંજો મંગાવ્યો છે. બંને શખ્સોએ ગાંજો લઈને જીયા અને ચેતનને આપ્યો હતો અને તે વેગેનાર કારમાં ચિલોડાથી એરપોર્ટ તરફ જવાના છે. બાતમીના આધારે SOGની ટીમ વોચમાં હતી ત્યારે એક વેગેનાર કાર આવી હતી. SOGએ તેને કોર્ડન કરી લીધી હતી અને યુવક અને યુવતીને બહાર ઉતરવા માટે કહ્યું હતું.

કાર ચલાવનાર યુવકનું નામ ચેતન સુભાષચંદ્ર પ્રજાપતિ છે અને તે મુળ રાજસ્થાનના રાજસમદ જીલ્લા નાથદ્વારા તાલુકાના ગુંજોલ ગામનો રહેવાસી છે. ચેતનની બાજુમાં જીયા ઉર્ફે જેશીકા કાલુરામ પ્રજાપતિ બેઠી હતી, જે ગાંજાની હેરફેરની માસ્ટરમાઈન્ડ છે. જીયા નોબલનગર કોતરપુર વોટર વર્કસની પાસે આવેલા ઘનશ્યામનગરમાં રહે છે. SOGએ જીયા અને ચેતનની અંગજડતી કરી હતી, પરંતુ તેમની પાસે માત્ર મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

આ બાદ SOGએ કારની ઝડતી કરતા તેમાથી ત્રણ થેલા મળી આવ્યા હતા જેને વારાફરથી ખોલીને જોતા કેટલાક પાર્સલ હતા. પાર્સલમાં ભુખરા રંગની વનસ્પતિ હતી. SOGએ બંનેને વનસ્પતિ મામલે પૂછતા તેમણે હાઈબ્રીડ ગાંજો હોવાની કબૂલાત કરી હતી. બંનેની અટકાયત કરીને તેમને SOGની વડી કચેરીએ લઈને આવ્યા હતા.SOGએ તરત જ એફએસએલના અધિકારીઓને જાણ કરી દીધી હતી. FSLએ આવીને વનસ્પતિનું પરિક્ષણ કર્યુ હતું અને બાદમાં તે હાઈબ્રીડ ગાંજો હોવાનું સામે આવ્યુ હતું. SOGએ વજનકાંટાથી વનસ્પતિનું વજન કરતા તે 22.780 કિલો હોવાનું સામે આવ્યુ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ગાંજાની કિંમત 7.97 કરોડ રૂપિયા થાય છે. FSLના રીપોર્ટ બાદ SOGએ બંનેની પૂછપરછ શરુ કરી હતી.

અરમાને જીયાને બેંગકોકથી હાઈબ્રીડ ગાંજાની તસ્કરીની ઓફર આપી હતી

જીયા પ્રજાપતિ નવેમ્બર 2025માં બેંગકોક ગઈ હતી જ્યા તેની મુલાકાત મિલન વઘાસિયા (રહે, સુરત) સાથે થઈ હતી. બંને વચ્ચે મિત્રતા થયા બાદ જીયા બેંગકોકથી અમદાવાદ આવવા માટે નીકળી હતી ત્યારે મિલને તેની મુલાકાત અરમાન જોશી સાથે કરાવી હતી. અમરાન જોશી અમદાવાદનો જ રહેવાસી છે. અરમાને જીયાને બેંગકોકથી હાઈબ્રીડ ગાંજાની તસ્કરી કરવાની ઓફર આપી હતી, પરંતુ જીયાએ ઓફરને ફગાવી દીધી હતી.

જીયાએ કૌટુંબીક ભાઈને ડ્રગ્સની હેરફેરમાં સામેલ કર્યો

અરમાને જીયાને કહ્યુ હતું કે તું મને એવા માણસો આપ કે બેંગકોકથી ગાંજો લઈને આવી શકે. અમરાને જીયાને માણસો ગોઠવી આપવાના બદલામાં કમીશન આપવાની પણ વાત કરી હતી. જીયા અરમાનની લાલચમાં આવી ગઈ હતી અને તેણે પોતાના કૌટુંબીક ભાઈ ચેતન પ્રજાપતિને ડ્રગ્સની હેરફેર માટે સામેલ કર્યો હતો.

નાથદ્વારામાં રહેતા 4 લોકોને બેંગકોક જવા તૈયાર કર્યા

જીયા અને ચેતને મળીને રાજસ્થાનના નાથદ્વારામાં રહેતા ગોપાલ સોલંકી, ઉમેશ સોલંકી તથા પ્રશાંત કલાલ અને ભુવનેશ બુનકરને બેંગકોક જવા માટે તૈયાર કર્યા હતા. ચારેય જણા ગાંજો લઈને આવે તો જીયાને કમીશન મળશે તેવી વાત અરમાને કરી હતી.

એક શખ્સ મુંબઈ એરપોર્ટ પર ઝડપાયો

જાન્યુઆરી 2026માં ચારેયને બેંગકોક મોકલ્યા હતા જ્યારે મુંબઈ એરપોર્ટ ખાતે ભુવનેશ ગાંજા સાથે ઝડપાયો હતો. આ સિવાય બીજા ત્રણેય મિત્રો ગાંજો એરપોર્ટની બહાર લાવવામાં સફળ થઈ ગયા હતા. ભુવનેશ જેલમાં હોવાથી જીયા અને ચેતને ગાંજાનો જથ્થો તેમની પાસે રાખ્યો હતો. બંને આ ગાંજો વેચવા માટે નીકળ્યા હતા ત્યારે SOGએ બાતમીના આધારે તેમની ધરપકડ કરી છે. SOGએ 7.97 કરોડના જથ્થા સાથે ભાઈ-બહેનની ધરપકડ કરી છે જ્યારે બીજા લોકોની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરી છે. SOGએ ચેતન, જીયા, મિલ, અરમાન, ગોપાલ, ઉમેશ, પ્રશાંત અને ભુવનેશ વિરૂદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ગુનો દાખલ કર્યો છે.

Most Popular

To Top