Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: કોરોનાના (Corona) લીધે છેલ્લાં બે વર્ષથી લગ્નપ્રસંગો (Wedding celebration) મૌકૂફ રહ્યા હોય આ વર્ષે ઓછા શુભમુહૂર્તમાં વધુ લગ્ન સમારંભો જેવી સ્થિતિ ઉદ્દભવી છે. કમૂરતા બેસે તે પહેલાં શહેરમાં 2000થી વધુ યુગલો લગ્નગ્રંથિથી બંધાવા જઈ રહ્યાં છે, જેના લીધે શહેરમાં છેલ્લાં પાંચેક દિવસથી લગ્નોની ધૂમધામ જોવા મળી રહી છે અને હજુ આગામી 4 દિવસ સુધી એટલે કે 14 ડિસેમ્બરને મંગળવાર સુધી શહેરમાં ધૂમ લગ્નો યોજાનારા હોવાનું જાણવા મળ્યું છે. ઠેરઠેર રસ્તાઓ પર બેન્ડવાજા સાથે જાનૈયાઓની જાન નીકળી રહી છે. પાર્ટીપ્લોટ, કમ્યૂનિટી હોલ, ખાનગી હોલ ફૂલ થઈ ગયા છે.

લગ્નની આ સીઝનમાં હવે માત્ર 4 શુભ લગ્નના દિવસ બાકી રહ્યા છે. તેમાં 14 ડિસેમ્બરના રોજ આ વર્ષનું છેલ્લું લગ્ન મુહૂર્ત રહેશે. તે પછી 15 ડિસેમ્બરના રોજ કમુરતા શરૂ થઈ જશે. જેથી લગ્ન માટે મુહૂર્ત રહેશે નહીં. કમુરતામાં લગ્ન અને અન્ય કોઈપણ શુભ માંગલિક કાર્યો કરવામાં આવતાં નથી. કમુરતા 15 જાન્યુઆરી 2022 મી એ પૂર્ણ થશે. ત્યાર બાદ આ દિવસથી ફરીથી લગ્નની શરણાઇ ગુંજશે.

જ્યોતિષાચાર્ય ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે, કમુરતા ને ખરમાસ માસ પણ કહેવામાં આવે છે. આ મહિનામાં શુભ,મંગળ કાર્યે કરવાનો નિષેધ ગણાય છે. જેને પગલે લગ્ન, ઉદ્વાટન, નવી ખરીદી સહિતના શુભ કાર્યો કરવામાં આવશે નહીં. આ સમયમાં ધાર્મિક આયોજનો યજ્ઞ, હવન, તપ, જપ , પૂજા,આરાધના આદિ કરવાનો વિશેષ મહિમાં છે. કારણ કે, આ સમયમાં કરેલી પૂજા, સાધના ઝડપથી સિદ્વ થાય છે અને સફળતા મળે છે. જ્યોતિષમાં શુભ મુહૂર્ત કાઢવા માટે ગ્રહ નક્ષત્રોની ગણતરી કરવામાં આવે છે. આ ગણતરી પ્રમાણે થોડો સમય એવો પણ હોય છે, જેને લગ્ન વગેરે માટે શુભ માનવામાં આવતો નથી. તેમાં જુલાઈથી નવેમ્બર સુધી આવતા ચાતુર્માસ સાથે જ ખર અને મીન માસને પણ ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે આ દિવસોમાં શુભ મુહૂર્ત નહીં હોવાથી લગ્ન અને અન્ય માંગલિક કાર્યો બંધ થઈ જાય છે. આગામી 11, 12, 13 અને 14 તારીખના રોજ રહેશે. સાથે જ લગ્ન માટે શુભ માગશર મહિનાનું સુદ પક્ષ પણ રહેશે. આ પ્રકારે લગ્ન માટે માત્ર 4 દિવસ બાકી રહેશે. 15 મી થી કમુરતા શરૂ થશે તે 15 મી જાન્યુઆરીએ કમુરતા પૂર્ણ થશે ત્યાર બાદ ફરીથી માંગલિક કાર્યો શરૂ થશે.

To Top