Gujarat

રાજ્યમાં 6થી 15 માર્ચ સુધી હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવશો તો પોલીસ છોડશે નહી

અમદાવાદ: રાજ્યમાં હેલ્મેટ (Helmet) અને સીટબેલ્ટ (Seat Belt) ન પહેરીને નિયમનો ભંગ કરનારા નાગરિકો સામે પોલીસ (Police) કડક કાર્યવાહી કરશે. રાજ્યના સ્ટેટ ટ્રાફિક બ્રિગેડના (State Traffic Brigade) આઇજીપી પીયુષ પટેલે એક પરિપત્ર બહાર પાડીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવનું (Traffic drive) આયોજન કરવાનું જણાવ્યું છે. જેમાં નાગરિકોને ચુસ્ત રીતે કાયદાનું પાલન કરાવવા તમામ શહેરોના પોલીસ કમિશનરો, આઇજીપી અને જિલ્લાના વડાઓને સુચન કર્યું છે.

રાજ્યમાં નાગરિકોને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત કરવા અને સુરક્ષિત વાહન વ્યવહાર માટે ગુજરાતભરમાં 9 દિવસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું છે. કોરોનાકાળ દરમિયાન જેમ માસ્ક નહીં પહેરનારા પાસે દંડ લેવામાં આવતો હતો તેવી જ રીતે રોડ અકસ્માતોને અટકાવવા માટે પોલીસ હવે હેલ્મેટ અને સીટબેલ્ટ નહીં પહેરનારા પાસેથી પણ દંડ વસૂલશે. રાજ્યમાં નાગરિકો હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરતા ન હોવાથી ઘણા રોડ અકસ્માતો થાય છે. જેથી રાજ્યની રોડ સેફ્ટીની સમયાંતરે થતી બેઠકોમાં સમીક્ષામાં આ વાત બહાર આવી છે, જેના ભાગરૂપે રાજ્યભરમાં 6 માર્ચથી 15 માર્ચ 2022 સુધી ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી છે. તેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગ બાબતે વધુમાં વધુ દંડનીય કાર્યવાહી કરવાની વાત ઉપર ભાર મૂકવામા આવ્યો છે.

6માર્ચથી 15 માર્ચ સુધી પોલીસની કડકાઈ રહેશે
પરિપત્રના જણાવ્યા અનુસાર નાગરિકો નિયમનો ભંગ કરે છે હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરવાથી રોડ અકસ્માતનો ભોગ બને છે અને ગંભીર ઈજાઓ પહોંચે છે. તેથી રાજ્યભરમાં 6 માર્ચથી 15 માર્ચ 2022 સુધી ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી છે. આ મામલે 15 માર્ચ સુધીમાં વધુમાં વધુ લોકોને ટ્રાફિક, સીટ બેલ્ટ અને હેલ્મેટના નિયમોથી વાકેફ કરવા તેમજ કાર્યવાહી કરવા પોલીસ મહાનિદેશક દ્વારા જણાવાયું છે.

હેલ્મેટ અને સીટ બેલ્ટ નહીં પહેરનારાને જવા દેવામાં આવશે નહીં
ઉચ્ચ અધિકારીઓએ 40થી50 મેમો વસુલવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તેમજ રોજે-રોજ કેટલો દંડ કર્યો તેની તમામ માહિતી બીજા જ દિવસે આપી દેવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડીજીપી સ્ટેટ બ્રિગેડના ઇમેલ આઇ.ડી ઉપર સવારે 8 વાગ્યા સુધીમાં રિપોર્ટ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. શહેર અને જિલ્લા કક્ષાએ રોજેરોજની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે.

Most Popular

To Top