Dakshin Gujarat

પાર-તાપી-નર્મદા રિવરલિંક યોજના સામે આદિવાસીઓનું આંદોલન

વ્યારા: તાપી (Tapi ) જિલ્લા આદિવાસી એકતા (Adivasi Ekta) મંચના નેજા હેઠળ વ્યારામાં આદિવાસીઓએ ભગવાન બિરસામુંડાની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચાર સાથે નગરમાં વિશાળ રેલી (Rail) નીકળી હતી. જે જિલ્લા સેવા સદન સામે મહાસભામાં ફેરફાઇ હતી. જેમાં “પાર-તાપી-નર્મદા રિવર લિંક યોજના”ને (Par Tapi Narmada river link Yojana) લઈ ભારે વિરોધ (Protest) વ્યક્ત કરાયો હતો. રાજ્યમાં આદિવાસીઓના સંવૈધાનિક અધિકારો તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોનું સરકાર દ્વારા હનન કરનારી તેમજ પ્રકૃતિ અને આદિવાસીઓના અસ્તિત્વ સામે જોખમી ગણાવી દક્ષિણ ગુજરાતની નદીઓને જોડવાની આ યોજનાને રદ કરી તેને સંલગ્ન તમામ પ્રવૃત્તિઓ બંધ કરવાના હુંકાર સાથે રાજ્યપાલને સંબોધી કલેક્ટરને આવેદન આપ્યું હતું. ઉમેર્યુ હતું કે, આ સમસ્યા માત્ર સંભવિત વિસ્થાપિત થઈ રહેલાં ગામડાં પૂરતી મર્યાદિત નથી. પરંતુ ”પાર-તાપી-નર્મદા રિવર લિંક યોજના” એ સંવિધાનની પાંચમી અનુસૂચિ, લોકોના મૂળભૂત તથા મૌલિક અધિકારી, લોકશાહી રાજ્ય વ્યવસ્થા તેમજ ભવિષ્યની પેઢી માટેનાં પ્રાકૃતિક સંસાધનોના અધિકારોનું હનન અને પર્યાવરણીય સંકટ છે. જેથી “ પાર-તાપી-નર્મદા રિવર લિંક યોજના” રદ કરવામાં આવે તેમજ તેના અમલીકરણ માટેની તમામ આનુસંગિક પ્રવૃત્તિઓ તુરંત બંધ કરાવવા હુકમ કરવાની માંગ કરી છે.

આવેદનમાં જણાવ્યું હતું કે, આદિવાસીઓનું શોષણ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. જેનું તાજેતરનું ઉદાહરણ એટલે સૌથી પહેલો હુમલો આદિવાસીઓ અને પ્રકૃતિ (પર્યાવરણ) પર થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતની નદીઓ જોડી પાણીને નર્મદા યોજના સુધી લઈ જવાની “પાર-તાપી-નર્મદા રિંવર લિંક યોજના” સંવિધાનની અનુસૂચિ ૫, પેસા તેમજ જમીન સંપાદન કાયદોનું ઉલ્લંઘનકર્તા છે. સરકાર દ્વારા સંભવિત નુકસાનની કિંમત ઓછી આંકીને થનાર સંભવિત લાભોની કિંમત વધારે દર્શાવી સદર યોજનાનાં આંકડા મૂકવામાં આવ્યા છે. ખોટા આંકડા દર્શાવીને આ યોજના પાછળ સંભવિત ૨૫ હજાર કરોડ રૂપિયાનું જે ખર્ચ કરવામાં આવશે તે દેશની તિજોરી ઉપરનું ખૂબ મોટું નુકસાન હશે. હાલ તાપી નદી પરનાં ઉકાઈ તેમજ કાકરાપાર ડેમ થકી દક્ષિણ ગુજરાતની ૫.૭૦ લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી મળે છે. દક્ષિણ ગુજરાતની બારેમાસ વહેતી નદીઓથી બીજી હજારો હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળે છે. પરંતુ પાર-તાપી-નર્મદા રિવરલિંક યોજનાથી પાણીની તંગી ઊભી થશે.

દક્ષિણ ગુજરાતની નદીઓનું વહેણ બંધ થવાથી નદીઓ ગટરમાં રૂપાંતરીત થશે. પાણી પીવાલાયક રહેશે નહીં. સરકારના દાવા મુજબ નર્મદા યોજનાનાં લાભ ક્ષેત્રની ૧.૧૭ લાખ હેક્ટર તથા નવી બીજી પર હજાર હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી મળશે. આમ, દક્ષિણ ગુજરાતની ૫.૭૦ લાખ હેક્ટર જમીનની નહેરોથી થતી સિંચાઈ તથા બારેમાસ વહેતી નદીઓના પાણીથી થતી હજારો હેક્ટર જમીનની સિંચાઈનાં ભોગે આ યોજના બનશે. અંદાજે ૧૯૦૦૦ એકર જંગલ ડૂબમાં જવાથી પર્યાવણને વ્યાપક નુકસાન થશે. આ યોજના માટે બનનાર બંધો થકી ૭૫ ગામના ૩૫૦૦૦ જેટલા લોકો વિસ્થાપિત સહિત અસરગ્રસ્ત થશે.

નદીઓ પર ડેમ બાંધવાથી માછીમારોની રોજીરોટી છીનવાઈ જશે
વ્યારા: પાણીના કુદરતી વહેણને રોકીને મોટી નહેર બનશે. ડેમ બાંધવાથી દરિયામાં જતા મીઠા પાણીના જથ્થામાં ઘટાડો થવાથી કુદરતી રીતે માછલીનું ઉત્પાદન ઓછું થશે અને માછીમારોની રોજીરોટી છીનવાઈ જશે. નદીમાં પાણી ઓછું થવાથી દરિયાની ભરતીને કારણે દરિયાનું પાણી નદીઓમાં આગળ વધશે (જે રીતે નર્મદા નદીમાં ડેમ બન્યા પછી દરિયાનું પાણી ભરૂચ સુધી અને તાપી નદીમાં દરિયાનું પાણી સુરત કોઝવે સુધી ભરતીનું પાણી આવી જાય છે) તે વિસ્તારના બોર અને કૂવાના પાણી ખારા થઇ જશે.

Most Popular

To Top