SURAT

તાપી નદીમાં પાણીની સપાટી વધતા સુરતનો કોઝવે બંધ કરાયો, 24 કલાક ભારે વરસાદની આગાહી

સુરત(Surat): ઓગસ્ટ (August) મહિનો કોરોધાકોર રહ્યા બાદ આઠમના રોજથી ગુજરાતમાં (GujartRain) વરસાદનું ફરી આગમન થયું છે. વીતેલા ત્રણ દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં (SouthGujarat) સૌથી વધુ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગ (WeatherDepartment) દ્વારા આગામી બેથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આગામી 24 કલાક ગુજરાત માટે ભારે હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વીતેલા 24 કલાકમાં રાજ્યના 151 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ કપરાડામાં 5.5 ઈંચ તેમજ સુબીરમાં 5 અને આહવામાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

સુરતની તાપી નદીના જળસ્તરમાં વધારો થયો
સુરત શહેર જલ્લામાં શુક્રવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં સતત વરસાદના લીધે સુરતની તાપી (Tapi) નદીના જળસ્તરમાં વધારો થયો છે, તેના પગલે એક મહિના બાદ ફરી એકવાર સુરતના વિયર કમ કોઝવેને (Causeway ) બંધ કરવો પડ્યો છે. હાલ કોઝવેની સપાટી 6.4 મીટર છે, જે ભયજનક હોઈ વાહનવ્યવહાર બંધ કરાયો છે.

સુરત શહેરમાં 23થી વધુ વૃક્ષો ધરાશાયી થયા
શુક્રવારે રાત્રે સુરત શહેરમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના લીધે ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. પૂરઝડપે પવન ફૂંકાવાના લીધે શહેરમાં 23 જેટલાં વૃક્ષો ધરાશાયી થયા હતા. મોડી રાત્રે ફાયરના ફોન રણકતા રહ્યાં હતાં. રાંદેર અને અઠવામાં સૌથી વધુ વૃક્ષો પડ્યા હતા.

આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, તાપીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. વલસાડ, સુરત, ડાંગ, દાહોદ, અરવલ્લી, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે.

ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈમાં નવા નીરની આશા
મધ્યપ્રદેશમાં લોપ્રેશર સિસ્ટમ સર્જાતા તેની વ્યાપક અસર મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી છે. જેને કારણે હથનુર અને ઉકાઈ ડેમમાં આવેલા કેચમેન્ટ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ મહિનો કોરોકટ રહ્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ફરી ડેમમાં પાણીના નવા નીર આવે તેવી આશા જગાવી છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા ટેસ્કામાં 42, ગોપાલખેડામાં 10, દેડતલાઈમાં 38, વાનખેડમાં 24, લુહારામાં 15, યરલીમાં 23, નવથામાં 37, હથનુરમાં 18, ભુસાવળમાં 20, સાવખેડામાં 39, દહીગાવમાં 63, ગીધાડેમાં 41, શીરપુરમાં 21, ચાંદપુરમાં 22, દૂસખેડામાં 59, બામ્બારૂમાં 77, ઉકાઈમાં 60 અને ચોપડવાવમાં 48 મીલીમીટર વરસાદ નોંધાયો છે.

આ વરસાદના નીર આગામી ૨૪ થી ૪૮ કલાકમાં હથનુર અને ઉકાઈ ડેમમાં આવશે અને ફરી ડેમની સપાટીમાં વધારો નોંધાશે. શુક્રવારે ઉકાઈ ડેમની સપાટી ૩૩૪.૬૭ ફુટ નોંધાઈ છે. ડેમમાં આવક 15 હજાર ક્યુસેક અને જાવક ૮૦૦ ક્યુસેક નોંધાઈ હતી. હથનુરની સપાટી ૨૧૩.૧૧૦ મીટર નોંધાવાની સાથે ૯૮૮૮ ક્યુસેક પાણી છોડાયું હતું.

Most Popular

To Top