Surat Main

સુરતમાં 11 વર્ષની બાળકી અને તેની માતાના હત્યારાને ફાંસીની સજા કરવા માંગ, 7મીએ ચુકાદાની શક્યતા

સુરત: (Surat) પાંડેસરામાં માતા-પુત્રીની હત્યા (Murder) કરવામાં તેમજ પુત્રીની સાથે બળાત્કાર (Rap) કરવાના ચકચારીત કેસમાં બંને આરોપીઓની સામેના કેસને રેરેસ્ટ ઓફ ધી રેર ગણીને ફાંસીની સજાની માંગણી કરાઇ હતી. પબ્લીક પ્રોસીક્યુટર પ્રફુલ્લસિંહ પરમારે દલીલ કરી હતી કે, બંને માતા-પુત્રી ગુજરાત બહારથી આવી હતી અને આરોપી સિવાય બંનેનું બીજુ કોઇ વારસ ન હતુ તેમ છતાં આરોપીએ બળાત્કાર અને હત્યાને અંજામ આપ્યો છે. આવા સંજોગોમાં આરોપી સામે ફાંસી સિવાય બીજી કોઇ સજા હોઇ શકે નહીં.

આ કેસની વિગત મુજબ તા. 06-04-2018ના રોજ ભેસ્તાન, સાઇ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક બાવળની જાળીમાં 11 વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. આ બાળકીનું ગળુ દબાવ્યાના કારણે મોત થયું હતું. આ ઉપરાંત બાળકી સાથે રેપ થયો હોવાનું પણ પીએમમાં બહાર આવ્યું હતું. પોલીસે બળાત્કાર અને મર્ડરનો ગુનો નોંધ્યો હતો. આ દરમિયાન પાંડેસરા પોલીસને એક અજાણી મહિલાની લાશ પણ મળી આવી હતી. જે અંગે પણ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ચકચારીત આ કેસમાં પોલીસે 10 દિવસની તપાસ બાદ હર્ષસહાય રામરાજ ગુર્જર તેમજ હરીઓમ હીરાલાલ ગુર્જરની ધરપકડ કરી હતી. આ બંનેએ જ માતા-પુત્રીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. બંનેની સામે સુરતની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. કોર્ટે આ બંને આરોપીઓને બળાત્કાર અને હત્યાના ગુનામાં તકસીરવાર ઠેરવ્યા હતા.

દરમિયાન આ કેસમાં સરકાર તરફે નિયુક્ત થયેલા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીક્યુટર પ્રફુલ્લસિંહ પરમારે આજે વધારાની દલીલો કરી હતી કે, આરોપીઓ સામેનો આ કેસ રેરેસ્ટ ઓફ ધી રેર છે. બંને આરોપીઓએ માતા-પુત્રીની હત્યા કરી છે અને માસૂમ બાળકીને ખુબ જ તડપાવીને બળાત્કાર બાદ હત્યા કરી છે. દિવસે દિવસે સમાજમાં બળાત્કારના ગુનાઓ વધે છે, અને આવા સંજોગોમાં આરોપી સામે દયા બતાવવી જોઇએ નહીં. આવા ગંભીર ગુનામાં આરોપીને ફાંસીની સજા સિવાય બીજી કોઇ સજા હોઇ શકે નહીં. તેમ કહીને ફાંસીની સજાની માંગણી કરાઇ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આ કેસનો ચૂકાદો તા. 7મી માર્ચ ઉપર મુલતવી રાખ્યો હતો. આગામી તા. 7મી માર્ચે એટલે કે સોમવારે આ કેસમાં સંભવત: ચૂકાદો આવે તેવી શક્યતા છે.

શા માટે આ કેસને રેરેસ્ટ ઓફ ધી રેર ગણી શકાય..?
સ્પેશ્યલ પબ્લીક પ્રોસીક્યુટરે વધુ દલીલો કરતા કહ્યું હતું કે, માતા-પુત્રીને રોજગારી મળી રહે તે માટે આરોપી હર્ષસહાય બંનેને રાજસ્થાનથી સુરત લાવ્યો હતો. બંનેને કામ ઉપર રાખ્યા બાદ તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવતું હતું. પુત્રીની નજર સામે જ આરોપીએ માતાની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ હર્ષસહાયએ બીજા આરોપીના ઘરે 11 વર્ષની બાળકીને રાખીને તેણીની સાથે માનસિક ત્રાસ આપ્યો હતો. શરીરે 78 જેટલી ગંભીર ઇજાઓ કરી હતી. બળાત્કાર ગુજાર્યો હતો અને આખરે તેની હત્યા કરી નાંખી હતી. ડોક્ટરોએ જ્યારે બાળકીનું પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે ડેડબોડી ઉપર બાળકીની આંખમાંથી નીકળેલા આંસુ પણ સુકાઇ ગયા હતા. બાળકીના કોઇપણ વાંકગુના વગર તેની બર્બરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. જો આરોપીને ફાંસીની સજા કરવામાં નહીં આવે તો સમાજમાં ખોટો મેસેજ જશે અને આરોપીઓને છૂટોદોર મળશે તેમજ બળાત્કારના ગુનામાં પણ વધારો થશે. આ તમામ સંજોગો જોતા આરોપીઓ સામેના કેસને રેરેસ્ટ ઓફ ધી રેર ગણીને ફાંસીની સજા કરવા માંગ કરાઇ હતી.

Most Popular

To Top