Vadodara

વાઘોડિયામાં એન્ટ્રી ગેટનો પાલખ તૂટીપડતા એકને ઇજા : કોન્ટ્રાકટરની બેદરકારી

વડોદરા: વાઘોડિયામાં મોડી રાત્રે બની રહેલા સ્વાગત ગેટની પાલખ રાહદારી ઉપર તૂટી પડી હતી. ઇજાગ્રસ્તને તુરંતજ 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના પાછળ ઇજારદાર સાથે સત્તાવાળાઓ પણ જવાબદાર હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ મૂકી રોષ વ્યક્ત કર્યો હતો. વાઘોડિયા ખાતે સ્વાગત ગેટ બનાવવા માટે ઉભા લોખંડનો પાલખ બાંધવામાં આવ્યો છે. મોડી રાત્રે લોખંડનો પાલખ તૂટી પડતા પસાર થઇ રહેલા રાહદારીને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને તુરતજ 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગેટ બનાવવા માટે ઉભા કરવામાં આવેલા પાલખના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે. મળેલી માહિતી પ્રમાણે વડોદરાના વાઘોડિયા વિકાસપથ સાથે લાખો રુપીયાના ખર્ચે છેલ્લા છ માસથી સ્વાગત ગેટ બનાવવામાં આવી રહ્યો છે.

ગેટની ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરીના પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ કામગીરીના કારણે અવાર-નવાર ટ્રાફિક સમસ્યા પણ સર્જાઇ રહી છે. સ્વાગત ગેટ બનાવવા માટે લોખંડનું પાલખનું સ્ટ્રકચર તૈયાર કરવામાં આવ્યું છે. પાલખનું સ્ટ્રકચર ઉભું કરવાના કારણે રોડ સાંકડો થઇ ગયો છે. પરિણામે મોટા વાહન પસાર થવા મુશ્કેલ થઇ ગયા છે. મોડી રાત્રે પસાર થઇ રહેલા કોઈ વાહનમા આ સ્ટ્રક્ચરનો ભાગ ભરાઈ જવાથી લોખંડનુ સ્ટ્રક્ચર તુટી પડતા પસાર થઇ રહેલા પંચર રીપેર કરનાર નાયરના માથાપર પડતા યુવક ગંભીર રીતે ઘવાયો હતો.

આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ થઇ ગયેલા યુવાનને 108માં હોસ્પીટલ ખસેડાયો હતો. માથામાં વજનદાર લોખંડની એંગલ વાગવાના કારણે યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. પરિણામે તેને આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. મોડી રાત્રે બનેલા આ બનાવને પગલે નગરમાં ચકચાર મચી ગઇ હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે એક તરફનો ટ્રાફિક વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. તે સાથે ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ગેટ પાસે પોલીસ જવાન ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ નમી પડેલુ સ્ટ્રક્ચર હજુ કોઈ પણ વાહન ચાલકો પર પડે તેવી દહેશત લોકોમાં છે. સ્થાનિક લોકો દ્વારા સુરક્ષાના ભાગરૂપે આડસ મૂકી દેવામાં આવી છે. ગેટ બનાવનાર ઇજારદાર કંપની દ્વારા વાહન ચાલકોની સુરક્ષાને લઇ કોઈ ચેતવણી બોર્ડ મારવામાં આવ્યા નથી. ગેટ ઊભો કરનાર એજન્સીએ રાત્રી દરમ્યાન સ્ટ્રક્ચર માટે ઊભી કરાએલ પાલખ (સેન્ટીંગ) વાહન ચાલકો જોઈ શકે તે પ્રકારે રેડિયમ કે રિપ્ફ્લેક્ટેડલાઈટ કે ઈન્ડીગેટર લાઈટ પણ મુકવામાં આવી ન હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટના પાછળ ઇજારદાર સાથે સત્તાવાળાઓ પણ જવાબદાર હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ મૂકી રોષ વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top