Columns

એકડે એક… એ એકલો પ્રોઝિટિવ, ભોળો અને નેક

1એ પ્રથમ અને એકલો પોઝિટિવ અને ભોળો અંક છે. તેની આગળ 0ને ઢાલ બનાવીએ તો તેની કિંમત 1 જ રહે છે પણ જો પાછળ 1 શૂન્યને છોડી દઈએ તો તે છાતી ફુલાવીને 10 ગણો કીમતી થઈ જાય છે. જેટલા શૂન્ય પાછળ છોડીએ તેટલો તે વધુ પહોળો થાય છે. 2 મીંડાં છોડો તો કેજરીવાલ જેમ 100 ગણો અને 7 શૂન્ય છોડો તો મોદીજીની જેમ 1 કરોડ જેવો બની જાય છે. એકડો એ એક બહુરૂપિયો છે અને પરિસ્થિતિ પ્રમાણે સગવડિયો પણ છે. 1માંથી 1ની બાદબાકી કરો કે 1નો 1 વડે ભાગાકાર કરો તો તે શરમાઈને અદ્રશ્ય બનીને 0 થઈ જાય છે.

હવે આ એકડાને બીજા એકડા સાથે લડાવીએ (ગુણાકાર) તો નફફટ બનીને 1નો 1 જ રહે છે. જો 1ના બીજા 1 સાથે લગ્ન કરાવીએ તો (સરવાળો) તે સંખ્યામાં ડબલ થઇ જાય છે, જો 1ને બીજા 1 સાથે રીસેપ્શનની જેમ ઊભો રાખીએ તો શક્તિશાળી 11ની ક્રિકેટ ટીમ બને છે, 1ની સાથે ઘણા એકડા લાઈનસર ગોઠવીએ તો તે ચાંલ્લાની કે શુકનની 111 થી 1111111 સુધીની શુભ રકમ બની જાય છે. આજના કોમ્પીટીટીવ કાળમાં બધાને No.1 થવું છે. તેની શરૂઆત સ્પર્મ્સ લેવલે થઇ જાય છે.

લગ્ન પછી બે જુદા જુદા એકલા કુંવારા એક થાય છે. તેમના થતા શારીરિક સંબંધોમાં એક બાળકની પૂર્વભૂમિકા બંધાય છે. વીર્યવીરોને એક પ્રકારની ‘રેટ રેસ’ને મોકળું મેદાન મળે છે. સમાગમની ચરમસીમાએ પુરુષની સ્પર્મ સેના તેના શિશ્ન ટનલને પસાર કરીને અને તરત જ રીલે રેસની જેમ સ્ત્રી ગર્ભ ગુફા અને ફેલોપી ટ્યુબમાં પ્રવેશે છે. મહિનામાં એક જ વાર દર્શન દેતી ઓવમ આ જ સમયે સ્ત્રીના અંડાશયમાંથી એકલી ભૂલી પડેલી જાણે લીઝર વોકમાં નીકળી હોય તેમ વિચરતી હોય છે, બીજી બાજુ સ્પર્મ સેનાના વીર્યધોધમાં જ લાંબી તરણ સ્પર્ધા શરૂ થાય છે. આ સ્વીમાથોનથી અજાણ ઓવમ આવી અચાનક થતી આસપાસની હલચલથી અચંબિત થઈને સ્થંભિત થઇ જાય છે. સ્પર્મ્સની સ્વીમ મેરેથોન તેના છેલ્લા ચરણમાં હોય છે. બધા સ્પર્મ્સ પોતપોતાનું જોર લગાવીને ફૂલ સ્પીડમાં તરતા હોય છે.

અચાનક એક બળિયો સ્પર્મ સ્વીમર ફાસ્ટ સ્પીડમાં તેની સ્પીડ કંટ્રોલ નહિ કરી શકવાથી સહુ પ્રથમ ‘સ્ટેચ્યુ’ ઓવમ સાથે ‘હેડ ઓન’ કોલાઈડ થાય છે, આ સુખદ અકસ્માતમાં તેનું માથું ઓવમમાં ઘૂસી જાય છે અને પૂંછડી ખરી જાય છે, આ પૂંછડી અનેક બીજા સ્વીમાથોનમાં હારેલા અને હતાશ લાખો સ્પર્મ્સ સાથે ‘જણ-મેદાન’માં જ દફન થાય છે. એક સ્પર્મ અને એક ઓવમના થયેલા અનાયાસ ગાઢ આલિંગન બાદ એક ઝાયગોટ (શિશુબીજ) બને છે. સમય જતા 9 મહિને એક તંદુરસ્ત નવજાત છોડ (માનવ બચ્ચું) બને છે. નવજાતના જન્મ પછી હવે જીવનમાં પ્રથમ રહેવાની તેની રેસ શરૂ થાય છે. No.1 બાળમંદિરમાં એડમિશન કરાવાય છે. હરીફાઈના પ્રતાપે No.1 સ્કૂલ અને ‘ડે કેર’માં બાળકનું શિશુત્વ ઘડાય પણ છે અને ખોવાય પણ છે. તે પછી એક નંબરની સ્કૂલમાં તેનું ટીનત્વ ટીપાય છે. એક નંબરની કરીઅર કોલેજમાં પ્રવેશ કરીને તેનું યૌવન હોમાય છે. ક્લાસ 50નો હોય પહેલો નંબર તો કોઈ એક જ રહેતો હોય છે. દેશ 140 કરોડનો હોય પણ લોકપ્રિય તો એક મોદીજી જ રહે છે.

આપણને બધાને સ્પોર્ટસ, સિનેમા અને રાજકારણમાં પહેલો કોણ છે તે હંમેશાં યાદ રહે છે પણ બીજો કોણ તો તે ભાગ્યે જ યાદ હશે. અત્યાર સુધીમાં અવકાશમાં કેટલા બધા ગયા હશે પણ પહેલું કોણ? તો મોટાભાગનાને અવકાશમાં પ્રથમ જનાર રશિયન કોસ્મોનોટ યુરી ગેંગરીન યાદ હશે પણ બીજું કોણ? શોધવા તમારે ગુગલ કરવું પડશે. ડેટા ના બગાડતા, ચાલો કહી દઉં, બીજો માનવ હતો USAનો એલન શેફર્ડ, અત્યાર સુધીમાં ક્રિકેટ ટીમની જેમ 12 જણા ચંદ્ર પર પહેલો પગ મૂકવામાં સફળ થયા છે પણ દરેકને પહેલો પગ મૂકનાર અમેરિકાનો નીલ આર્મસ્ટ્રોંગ અને ભારતનો રાકેશ શર્મા જ યાદ હશે. બીજું કોણ હતું એ જાણવા ગુગલબાબાના શરણે જવું પડે છે. ખ્રિસ્તીઓમાં ઇસુ, મુસ્લિમમાં પયગંબર અને હિંદુઓમાં વિષ્ણુ પ્રથમ છે. 1 નંબરનું મહત્ત્વ સ્પોર્ટસમાં પણ અવ્વલ છે.

અત્યારે ક્રિકેટમાં 1 નંબરની જર્સી પુરુષોમાં બે જણા શેર કરે છે. કે એલ રાહુલ અને હાસીમ આમલા. વુમન ક્રિકેટમાં 1 નંબરની જર્સી સ્લો લેફ્ટ આર્મ બોલર રાજેશ્વરી ગાયકવાડ પહેરે છે. ફૂટબોલમાં અને હોકીમાં મોટાભાગે ગોલકીપર જ 1 નંબરની જર્સી પહેરે છે. દરેક સ્પર્ધામાં નંબર 1 નું મહત્ત્વ સોના જેટલું છે એટલે પ્રથમ નંબરે આવેલા સ્પર્ધકને ‘ગોલ્ડ મેડાલીસ્ટ’ કહેવાય છે. એકના અર્થ જો કે અનેક છે. આમજનતા માટે 1 એટલે એકડો, ઇકાઈ, વન, સિંગલ, ફર્સ્ટ કે ઉનો છે, ખાસ જનતા જે ભગવદ્ ગોમંડલના આશિક છે તેમને માટે તો તે વિષ્ણુનું એક નામ છે જ પણ દેવરાજ, પરમેશ્વર, યમ, અગ્નિ, એકમ, અજોડ, અલખે, પ્રથમ, અચલ, મુખ્ય, સત્ય તરીકે પણ ઓળખાય છે. તો આખરે આ ‘1’ શું છે?

અંકશાસ્ત્રમાં ‘1’ એકમ છે, એકાઉન્ટ્સમાં ‘1’ રકમ છે. માનવ યોનિમાં ‘1’ જનમ છે. સાચા પ્રેમમાં ‘1’ સનમ છે. ખેલકૂદમાં ‘1’ સર્વોચ્ચ વિજય છે. બોલિવૂડ, ટેલિવૂડ અને હોલિવૂડમાં સ્ટાર્સ માટે ‘1’ એ દર શુક્રવારે બદલાતો ચંચળ નંબર છે, પોલિટિક્સમાં ‘1’ સત્તા છે, ઘમંડ છે, એડીકશન કે ઓવર કોન્ફિડન્સ છે. ‘1’ શરૂઆત છે. 1 અંત છે, ‘1’ અનંત છે. ‘1’ શૂન્યાવકાશ છે. ખાદ્યપદાર્થોમાં ‘1’ સ્વાદ, સુગંધ અને નયનસુખ પણ છે. ‘1’આજનો સમય છે, જે ગઈ કાલે હતો અને આવતીકાલે હશે. જીવન માટે ‘1’ ક્ષણભંગુરતા છે. મૃત્યુ માટે ‘1’અનિવાર્ય હકીકત છે. સુખની ‘1’ પળ હોય છે. દુ:ખનો ‘એક’ પહાડ હોય છે, માનસિક સંબંધોમાં ‘1’વિશ્વાસ છે.

શારીરિક સંબંધોમાં ‘1’ ચરમસીમા છે. આધ્યાત્મ જગમાં ‘1’એ યોગ છે. વાધ્યાત્મ જગમાં ‘1’ સૂર, સ્વર અને તાલ છે. KBCમાં હોટસીટ ‘1’ લાઈફટાઈમ મોકો છે. સ્કૂલની ABCમાં ‘1’આજીવન શિક્ષણ છે, બાળપણમાં ‘1’ માસૂમિયત છે. યુવાનીમાં ‘1’ શક્તિ છે, ઘડપણમાં ‘1’ લાચારી છે. એકલતામાં ‘1’ડીપ્રેશન છે. મિત્રસમૂહમાં ‘1’યુફોરિયા છે. ‘1’ દીકરો તમારું અમરત્વ છે. ‘1’ દીકરી તમારું વિશ્વત્વ છે અને છેલ્લે ‘1’ પત્ની મિત્ર છે, આધાર છે, કોન્ફિડન્સ બુસ્ટર છે, આજીવન કમ્પેનિયન છે, તમારા આડાઅવળા પ્રવાસ માટે વોચડોગ છે અને CCTV કેમેરા પણ છે. ‘1’ પતિ સધવા માટે ગુરુ છે, ઓળખ છે, સપોર્ટ છે, રક્ષક છે. ‘1’ સ્વ. પતિ વિધવા માટે ‘યાદોકી બારાત’ છે.

Most Popular

To Top