Columns

કામની નિષ્ફળતા જીવનની નિષ્ફળતા નથી

થોડા દિવસ પહેલાં, દેશની જાણીતી ન્યૂઝ ચેનલ NDTVને ખરીદવાના પ્રયાસના સમાચાર આવ્યા હતા. આ ચેનલના એક સ્ટાર એન્કર છે રવીશ કુમાર. તેમના જેટલા ચાહકો છે, એટલા જ તેમના ટીકાકારો પણ છે. ચેનલને લઈને સમાચાર વહેતા થયા ત્યારે ઘણા લોકોને એવી ‘હાશ’ થવા લાગી હતી કે હવે રવીશ કુમારની નોકરી જશે. કોઈ ચેનલના એન્કરની નોકરી જાય તો લોકોને તેનાથી આનંદ થતો હોય તો વિચાર કરો કે એ એન્કર કેટલો બધો મોટો થઇ ગયો હશે કે લોકો તેના પતનની અપેક્ષા કરે છે!

બહરહાલ, ચેનલના સમાચાર પર સોશ્યલ મીડિયા પર ચર્ચાઓ ચાલતી હતી, તે દરમિયાન જ રવીશ કુમારનો એક જૂનો વીડિયો વાઇરલ પણ થયો હતો. એ વીડિયોને તાજેતરના સમાચાર સાથે કોઈ સંબંધ નહોતો પરંતુ દેખીતી રીતે જ એ જે પણ કાર્યક્રમનો વીડિયો હતો, તેમાં રવીશ કુમારના પત્રકારત્વને લઈને તેમની નોકરીનો પ્રશ્ન કોઈએ પૂછ્યો હશે અને તેના જવાબમાં તેઓ એવું કહેતાં સંભળાતા હતા કે, ‘‘પત્રકારે સમાચાર સ્ટુડિયોમાં જ વાંચવા એવું બંધારણમાં લખ્યું છે? ક્યાંય પણ વાંચી લેશે…રસ્તા પર ઊભો રહીને વાંચી લેશે, પાર્કમાં વાંચી લેશે, ગાડીમાં વાંચી લેશે…એ નહિ થાય તો બાથરૂમ બંધ કરીને ગીત ગાય છે તેમ વાંચી લેશે.’’

આ વાત ભલે તેમણે ખુદના સંદર્ભમાં જ કરી હોય પરંતુ તેમાં એક વિસ્તૃત દ્રષ્ટિકોણ પણ છે, જે કોઈ પણ વ્યક્તિ માટે, અંગત કે બિનઅંગત, જીવનના કોઈ પણ ક્ષેત્રમાં ઉપયોગી છે. તે બોધપાઠ એ છે કે વ્યક્તિએ પોતાની મેન્ટલ હેલ્થ અને અંગત સુખને સલામત રાખવું હોય તો પોતાને કે પોતે જે કામ કરે છે તેને એટલું બધું મહાન કે અનિવાર્ય ન ગણી લેવું કે બીજી વ્યક્તિના વ્યવહાર કે પરિસ્થિતિથી બહુ આસાનીથી વિચલિત થઈ જવાય.

મોટાભાગની માનસિક પીડાઓ આપણે ફુલાવી રાખેલા ઈગોના ફુગ્ગાના કારણે આવે છે. ફુગ્ગો જેટલો મોટો, તેમાં ટાંકણી ભોંકાવાની સંભાવના વધુ. ‘‘તમને ખબર છે હું કોણ છું? અને તમને ભાન છે મારું કામ કેટલું મહત્ત્વનું છે?’’ એવો જ્યારે ભ્રમ થઈ જાય ત્યારે આપણને દુઃખ થવાની સંભાવનાઓ પણ વધી જાય કારણ કે એક હદથી આગળ, આપણે કોણ છીએ તેની સાચે જ કોઈને કોઈ પડી નથી હોતી અને આપણું કામ વાસ્તવમાં તેમના માટે વ્યર્થ હોય છે એટલે બધાએ મને માન આપવું જ જોઈએ એવા ભ્રમમાંથી બહાર આવી જવું જોઈએ જેથી લોકો તમને ભૂલી જાય ત્યારે સંતાપ ન થાય.

એડિટર અને વાજપેયી સરકારમાં મંત્રી રહેલા અરુણ શૌરીને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે લોકો તમને કઈ રીતે યાદ રાખે તે ગમે, તમે તો મંત્રી પણ બન્યા હતા? ત્યારે શૌરીએ કહ્યું હતું, “માત્ર (પુત્ર) આદિત્યના પિતા તરીકે. મને કશું હોવાનું ગૌરવ નથી. સંસદના સિક્યુરીટી ગેટ પાસે સુપરવાઇઝર મને તલાશી વગર જવા દેતો અને કહેતો, ‘શૌરી સાબ, તમારી ઓળખ મંત્રી તરીકેની નથી, અમે કોલેજમાં તમારા લેખો વાંચતા હતા.’ એમાં એક મહત્ત્વની વાત શીખવા જેવી હતી કે આપણી ઓળખાણ આપણું કામ નથી-વ્યવસાય એ વ્યક્તિત્વ નથી.”

આને “કામ કેન્દ્રિત માનસિકતા” કહે છે. એનો અર્થ એ કે માણસોની તેમની હોવાની ભાવનામાં કામ એટલી કેન્દ્રિય ભૂમિકા ભજવે છે કે તેઓ જે કામ કરે છે તેનાથી જ તેઓ, પોતાને અને દુનિયામાં ઓળખાય છે અને એ કામ બંધ થઇ જાય કે નોકરી જતી રહે તો તેમને પૈસા આવતા બંધ થઇ ગયા તે કરતાં તેમની આઇડેન્ટિટી ગાયબ થઇ ગઈ તેની પીડા વધુ હોય છે. તેઓ હતાશાનો ભોગ બંને છે અને તેમને એવું લાગે જાણે જીવનનો અર્થ રહ્યો નથી. નોકરી હતી ત્યારે જે જીવન તેમને હેતુપૂર્ણ લાગતું હતું, નોકરી જતી રહે ત્યારે તે વ્યર્થ નજર આવવા લાગે છે. આવી માનસિકતામાં કામ માત્ર અર્થોપાર્જનનું સાધન માત્ર રહેતું નથી પણ તે જીવનની આઇડેન્ટિટી અને પ્રયોજનનું કેન્દ્ર બની જાય છે. આપણે અને આપણું કામ બે અલગ બાબત છે. આપણે ન હોઈએ તો કામનો અંત જરૂરથી આવે છે પણ કામ ન હોય તો ‘આપણો’ અંત નથી આવતો.

આ જ કારણસર, કામમાં નિષ્ફળતા મળે તો ઘણા લોકોને પોતાની નિષ્ફળતા લાગે છે. નોકરીમાં બોસ તમને એવું કહી દે કે તને કામ કરતાં આવડતું નથી, તો આપણને એવું લાગે જાણે આખું જીવન વ્યર્થ છે. મશહૂર તાતા એન્ડ સન્સ કંપનીમાં એક નિયમ હતો કે કોઈ કર્મચારીને ક્યારેય નોકરીમાંથી કાઢી મૂકવાનો નહીં. એ એક કામ માટે લાયક ન હોય તો બીજા કોઈક કામ માટે ચોક્કસ લાયક હશે એટલે તેને એ કામમાં મૂકી દેવામાં આવતો.

આપણે જે કરવા માંગીએ છીએ તે કરવાના 1000 રસ્તાઓ હોય છે. આપણા માટે એક દરવાજો બંધ થઈ જાય, તો બીજા 10ના વિકલ્પ હોય જ છે. નોકરી જતી રહે, ધંધો બંધ થઈ જાય અથવા એક સંબંધ તૂટી જાય તો જીવનનો અંત નથી આવતો. જીવનમાં આપણી પાસે વિકલ્પોની કમી ક્યારેય નથી હોતી. આપણે ચાન્સ મુજબ નહીં, ચોઇસ મુજબ જીવીએ છીએ અને તે આપણી પાસે હંમેશાં હોય છે.

આપણું કામ આપણી આઇડેન્ટિટી કેમ ના બનવી જોઈએ તેનાં 5 કારણો છે: 1. સફળતાનો માપદંડ આપણું કામ નથી, તે તેનો એક હિસ્સો છે. સફળતા એ છે કે તમે જે કરો છો તેને કેટલો પ્રેમ કરો છો અને તે બીજા માટે કેટલું ઉપયોગી છે. 2. આપણે કોણ છીએ તે આપણા મૂલ્યો અને વિચારોથી નક્કી થાય છે. 3. દરેક કામ કે નોકરી કાયમી નથી હોતી. સંજોગો બદલાય તો કામ પણ બદલાઈ જાય. 4. આપણે ભલે ક્લાર્કનું કામ કરતા હોઈએ પણ આપણી ઓળખમાં આપણું પુત્ર, પિતા, પતિ, ભાઈ કે ભાઈબંધ હોવું વધુ અગત્યનું હોય છે. 5. લોકો તમને તમારા કામથી નહીં, તમે તેમને કેવા અહેસાસનો અનુભવ કરાવ્યો હતો તેના આધારે યાદ રાખશે.

ફિલ્મ એક્ટર ‘જાની’ રાજ કુમાર તેમની કાતિલ સેન્સ ઓફ હ્યુમર અને વનલાઈનર્સ માટે મશહૂર હતા. એક વાર એક ઈન્ટરવ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમની ફિલ્મો આજકાલ ચાલતી નથી ત્યારે તેમણે તેમની અનઅનુકરણીય શૈલીમાં એક અગત્યની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “મારી ફિલ્મ નિષ્ફળ જતી હતી અને મારી ફી એક લાખ વધતી હતી. મારો સેક્રેટરી મને પૂછતો કે રાજસાબ ફિલ્મ તો ચલી નહીં ઔર આપ એક લાખ બઢા રહે હૈ! મૈને કહાં ફિલ્મ ચલે ના ચલે, મૈં ફેલ નહીં હુઆ, ઈસ લીયે એક લાખ બઢેગા!” આપણે આપણા જીવન અને કામ પ્રત્યે સંનિષ્ઠ રહેવાનું છે, તેના મોહતાજ નહીં.

Most Popular

To Top