Vadodara

વડોદરામાં મતદાનની ટકાવારી 6.54 ટકા ઘટી, પણ મતદારો 17,138 જ ઘટયા



*છેલ્લી ત્રણ ચૂંટણીની મતદાનની પેટર્ન જોતા ભાજપને 70 ટકાથી વધુ અને કૉંગ્રેસને 25 ટકાની આસપાસ મત મળતાં રહ્યાં છે, જો આ પેટર્નનું પુનરાવર્તન થાય તો ભાજપ આસાનીથી 5 લાખની લીડ મેળવી લેશે*


વડોદરા લોકસભા બેઠકની મતદાન પ્રક્રિયા મંગળવારે પૂરી થઈ. ચૂંટણી પંચે જે આંકડા જાહેર કર્યા છે તે મુજબ વડોદરા બેઠક ઉપર 61.33 ટકા મતદાન થયું છે. 2019માં થયેલા 67.87 ટકા મતદાનની સરખામણીએ આ વખતે મતદાન 6.54 ટકા જેટલું ઘટયું છે. પરંતુ આંકડાની દૃષ્ટિએ જોવામાં આવે તો ગઈ ચૂંટણીમાં કુલ 12,17,906 મત પડ્યા હતા, જેની સામે 2024ની ચૂંટણીમાં 12,00,768નું મતદાન થયું છે, આમ આ વખતે માત્ર 17138 મત જ ઓછા પડ્યા છે. આ મતદાનને જોતા ભાજપને આ વખતે પણ 5 લાખથી વધારેની લીડ આસાનીથી મળી જશે એવું લાગી રહ્યું છે.
ગઈ લોકસભાની ચૂંટણીમાં રંજનબેન ભટ્ટે કુલ મતદાનના 72.30 ટકા જ્યારે ત્યારના કોંગ્રેસના ઉમેદવાર અને હાલમાં ભાજપમાં જોડાઈ ગયેલા પ્રશાંત પટેલે 24.10 ટકા મત મેળવ્યા હતા. આમ ભાજપની લીડ 5.89 લાખ મતની હતી, જે દેશમાં સૌથી વધારે લીડ ધરાવતી બેઠકોમાં સ્થાન પામી હતી.
2014માં વડોદરાએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે મતદાન કર્યું હતું. એ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને કુલ મતદાનના 72.75 ટકા અને કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રીને 23.69 ટકા મત મળ્યા હતા. આ ચૂંટણીમાં મોદીએ 5.70 લાખ માટે વિજય મેળવ્યો હતો. મોદીએ વડોદરા છોડીને વારાણસી જવાનું પસંદ કર્યું. ભાજપે 2014ની લોકસભા પેટા ચૂંટણીમાં રંજનબેન ભટ્ટને મેદાનમાં ઉતાર્યા હતા. આ પેટા ચૂંટણીમાં માત્ર 45.57 ટકા મતદાન જ થયું હતું. જોકે એ ચૂંટણીમાં પણ રંજનબેનને 71.93 ટકા અને કોંગ્રેસના નરેન્દ્ર રાવતને 26.94 ટકા મત મળ્યા હતા અને ભાજપનો 3.29 લાખની લીડથી વિજય થયો હતો.
આમ વડોદરા બેઠક પણ મતદાનની પેટર્ન જોતા છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપને મળતા મતની ટકાવારી 70 ટકાથી ઉપર અને કૉંગ્રેસને મળતા મત 25 ટકાની આસપાસ રહ્યા છે. એક રીતે એવું કહી શકાય કે વડોદરામાં ભાજપના 70 ટકા અને કોંગ્રેસના 25 ટકાની આસપાસ કમિટેડ મતદારો છે. 2024ની ચૂંટણીમાં પણ આ પેટર્નનું પુનરાવર્તન થવાની પૂરી શક્યતા છે. આ જોતાં આ વખતે પણ ભાજપ 5 લાખથી વધારે લીડ આસાનીથી પ્રાપ્ત કરી લેશે એવી માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top