Columns

જાણો તમારા આભામંડળ વિષે,કઈ રીતની ઉર્જાશક્તિનું સંચાલન તમે કરો છો

પુણેના વર્લ્ડ પીસ સેન્ટરમાં મનુષ્યના શરીરની આસપાસ જોવા મળતા ઊર્જા ક્ષેત્રનું પરીક્ષણ કરવા માટે અદ્યતન વૈજ્ઞાનિક પ્રયોગશાળા ઊભી કરવામાં આવી છે. આ પ્રયોગશાળા સેન્ટર ફોર બાયોફિલ્ડ સાયન્સીઝ (CBS) તરીકે ઓળખાય છે. બાહ્ય રીતે તો આ સેન્ટર કોઇ ફોટો સ્ટુડિયો જેવું જ લાગે છે. અહીં એક સફેદ રંગથી આચ્છાદિત કમરામાં ટ્રિપોડ સ્ટેન્ડ ઉપર વીડિયો કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરાના વાયરો એક કોમ્પ્યુટર સાથે જોડવામાં આવ્યા છે. અહીં એક રૂમમાં મેઘધનુષના સાતેય રંગના સમન્વય જેવી પાવરફુલ ફ્લોરોસન્ટ લાઇટ ઝળહળતી હોય છે. ઉપરથી આ લાઇટ કોઇ સામાન્ય ટ્યુબલાઇટ જેવી જણાય છે પણ હકીકતમાં તેનો ઉજાસ દિવસના પ્રકાશ જેવો હોય છે. આ સફેદ પ્રકાશના સંપર્કમાં માનવીનું ઊર્જા ક્ષેત્ર આવે છે ત્યારે પ્રકાશના વિવિધ મિશ્રણો સર્જાય છે.

આ ફેરફાર વીડિયો કેમેરામાં ઝીલાય છે. વીડિયો કેમેરા દ્વારા જે વ્યક્તિના ઓરાનું પરીક્ષણ કરવાનું હોય તેની વિવિધ પોઝમાં તસવીરો લઇને કોમ્પ્યુટરમાં ફિટ કરવામાં આવે છે. કોમ્પ્યુટર એક ખાસ સોફ્ટવેર દ્વારા માણસના સમગ્ર તેજસ શરીરની તસવીર તૈયાર કરે છે, જેમાં 250 જાતના રંગોની પેટર્ન સ્ક્રિન ઉપર જોઇ શકાય છે. જો માણસનું એનર્જી ફિલ્ડ પોઝિટિવ અને તંદુરસ્ત હોય તો તેમાંથી આછા અને ઝળહળતા રંગો બહાર આવે છે. જો માણસનું એનર્જી ફિલ્ડ નબળું હોય તો તેમાંથી કાળા, ગ્રે અને ભૂરા રંગના કિરણો બહાર આવે છે. શરીરના વિવિધ ભાગોમાંથી બહાર આવતી ઊર્જા પણ અલગ અલગ રંગો દર્શાવે છે. દાખલા તરીકે કોઇ માણસને પેટનો દુખાવો હોય તો તેના પેટના ભાગમાં ઘેરા રંગની અસર જોવા મળે છે. આ પ્રકારની ફોટોગ્રાફી પરથી માણસના શરીરના ક્યા ભાગ ઉપર બીમારી ત્રાટકવાની છે, તેનો ખ્યાલ આવી શકે છે. આ પદ્ધતિનો ઉપયોગ રોગના નિદાન માટે થઇ શકે છે. આ નિદાનને આધારે દર્દીને યોગ્ય સારવાર સૂચવવામાં આવે છે, જેના પ્રતાપે તે ઝડપથી સાજો થઇ શકે છે.

બ્રિટનમાં 15 વર્ષ અગાઉ હેરી ઓલ્ડફિલ્ડ નામના વિજ્ઞાનીએ હ્યુમન બાયોફિલ્ડ તરીકે ઓળખાતા માનવીય ઊર્જાના સ્રોત વિશે સંશોધન કર્યું હતું. હેરી ઓલ્ડફિલ્ડે આશરે 350 વિજ્ઞાનીઓને આ ઊર્જાની પરીક્ષા બાબતમાં તાલીમ આપી છે. ડો. થોર્નટન સ્ટ્રિટર પણ તેમાંના એક છે. તેઓ પુણેમાં આવેલા સેન્ટર ફોર બાયોફિલ્ડ સાયન્સીઝનું સંચાલન કરી રહ્યા છે. હેરી ઓલ્ડફિલ્ડની ટેકનિકમાં આપણા શરીરમાંથી બહાર આવતા પ્રકાશના અદૃશ્ય મોજાંઓને દૃશ્ય સંકેતોમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ ટેકનિકને પોલિકોન્ટ્રાસ્ટ ઇન્ટરફિયરન્સ ફોટોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં શરીરના ક્યા ભાગમાંથી વધુ ઊર્જા નીકળે છે અને ક્યો ભાગ ઊર્જાની બાબતમાં અછત અનુભવી રહ્યો છે તેનો ખ્યાલ આવે છે. અદ્યતન સાધનો વડે માનવીના તેજસ શરીરની તસવીર ઝીલવામાં આવે છે અને તેના આધારે માણસના શરીરમાં કઇ જગ્યાએ કેટલા પ્રમાણમાં ગરબડ છે, તેનો ખ્યાલ આવે છે.

પુણેના સેન્ટર ફોર બાયોફિલ્ડ સાયન્સીઝના સ્ટુડિયોમાં માણસના શરીરના જે 7 ભાગોનું સ્કેનિંગ કરવામાં આવે છે તેનો સંબંધ યોગશાસ્ત્રમાં વર્ણવવામાં આવેલા 7 ચક્રો સાથે છે. આ બધા જ આપણા શરીરના ઊર્જા કેન્દ્રો છે, જેમાંથી પ્રાણની શક્તિ નાડીઓમાં વહેતી હોય છે. આધુનિક  તબીબી વિજ્ઞાને પણ શોધી કાઢ્યું છે કે આપણા શરીરમાં હોર્મોન્સ પેદા કરતી જે અંત:સ્રાવી ગ્રંથિઓ આવેલી છે તે આ 7 ચક્રોની જ આજુબાજુ આવેલી છે. ચીનની પ્રાચીન તબીબી વિદ્યામાં પણ આ 7 ચક્રોની ચિકિત્સાને જ વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં પણ આ 7 ચક્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેના આધારે જ રોગોની ચિકિત્સા કરવાનું જણાવવામાં આવ્યું છે.

બ્રિટનમાં હેરી ઓલ્ડફિલ્ડે જે રીતે બાયોફિલ્ડની ફોટોગ્રાફી શોધી કાઢી તેવી જ રીતે છેક ઇ.સ. 1939માં સેમ્યોન કિરલિયન નામના એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરે અકસ્માત જ શરીરના એનર્જી ફિલ્ડની ફોટોગ્રાફી કરી હતી. એક વખત તેને હોસ્પિટલમાં ઇલેક્ટ્રિકથી ચાલતા એક  મશીનનું સમારકામ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. તેણે જોયું કે આ યંત્રને દર્દીના શરીરની નજીક લઇ જવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોડ્સની વચ્ચે નાના તણખા પેદા થતા અને તડતડ અવાજ આવતો હતો. કિરલિયનના મગજમાં વિચાર આવ્યો કે આ તણખા માણસના શરીરમાંથી બહાર આવતા વિદ્યુતતરંગોને કારણે જ થતા હોવા જોઇએ. આ વિચાર ઉપરથી તેણે નાનકડો પ્રયોગ કર્યો. તેણે પોતાના હાથ અને ઇલેક્ટ્રોડ વચ્ચે એક  ફોટોગ્રાફિક પ્લેટ મૂકી અને કરન્ટ ચાલુ કર્યો. હાથને ઝટકો લાગ્યો પણ તેમાંથી જે વિદ્યુતતરંગો પેદા થયા તેનો ફોટો પડી ગયો. આ પ્રયોગથી પ્રોત્સાહિત થઇ કિરલિયને પોતાની પત્ની વેલેન્ટીનાની સહાયથી શરીરના એનર્જી ફિલ્ડની તસવીર ઝડપી શકાય એવો કેમેરા બનાવ્યો. ફોટોગ્રાફીની આ ટેક્નિક કિરલિયન ફોટોગ્રાફી તરીકે ઓળખાય છે અને આજે પણ દુનિયાની અનેક હોસ્પિટલોમાં તેનો ઉપયોગ રોગોના નિદાન માટે થાય છે.

ન્યૂયોર્કની રોચેસ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. થેલ્મા મોશે કિરલિયન કંપનીની મુલાકાત લીધી અને તેમના સહકારથી ન્યૂયોર્કમાં કિરલિયન ફોટોગ્રાફી ઉપર સંશોધન શરૂ કર્યું. આ પ્રયોગશાળામાં તેમને જાણવા મળ્યું કે બે માણસો જ્યારે પ્રેમ અને સદભાવપૂર્વક એકબીજાને મળતા હોય છે ત્યારે તેમના ઊર્જા ક્ષેત્રો વિસ્તરણ પામે છે, જ્યારે માણસના હૃદયમાં ધિક્કાર હોય ત્યારે ઊર્જા ક્ષેત્ર સંકોચાઇ જાય છે. કેટલાક લોકો પ્રથમ નજરે જ એકબીજાને ગમવા લાગે છે તેનું કારણ પણ ઊર્જા ક્ષેત્રોનું ટ્યૂનિંગ હોય છે. જો મનુષ્યની ઓરાનો વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવે તો ચિકિત્સામાં ઉપયોગી બની શકે છે.

Most Popular

To Top