Dakshin Gujarat Main

વેક્સિનના બંને ડોઝ મુકાવ્યા છતાં કોરોનાથી વૃદ્ધનું મોત થયું: ઓમિક્રોનની દહેશત વચ્ચે ભરૂચમાંથી આવ્યા આઘાતજનક સમાચાર

અંકલેશ્વર: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના (Corona) વાયરસનો (Virus) કહેર હજુ પણ યથાવત છે. દેશમાં પ્રથમ અને બીજી લહેરના તાંડવમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. કોરોના સામે લડત આપતી વેક્સિન (Vaccine) આવ્યા બાદ કોરોનાનો કહેર ઠંડો પડ્યો હતો. પરંતુ હજુ પણ ત્રીજી લહેરની (Third Wave) આશંકાઓ વચ્ચે કોરોનાના કેસો થમવાનું નામ નથી લઇ રહ્યા. તેવામાં સોમવારે વધુ એક દર્દીએ (Patient) ખાનગી હોસ્પિટલમાં (Hospital) સારવાર દરમિયાન દમ (Death) તોડતાં તેમને કોવિડ પ્રોટોકોલ (Protocol) આધીન અગ્નિદાહ અપાયા હતા.

અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આવેલા કોવિડ સ્મશાન ખાતે સોમવારે ૪૫ દિવસ બાદ વધુ એક મૃતકને અગ્નિદાહ આપવામાં આવ્યા હતા. ભરૂચના રેવાબા ટાઉનશિપમાં રહેતા ૭૩ વર્ષીય વૃદ્ધનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેમના મૃતદેહને આજે સવારે કોવિડ પ્રોટોકોલ આધીન કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ આપવામાં આવ્યા હતા. મહત્ત્વની બાબત છે કે, ૭૩ વર્ષીય વૃદ્ધે કોરોના વેક્સિનના બંને ડોઝ મુકાવ્યા હતા. છતાં કોરોનામાં તેઓનું મોત નીપજ્યાં હોવાની આ ઘટના પ્રકાશમાં આવતાં તેમના પરિવારજનોમાં શોકનું મોજું પ્રવર્તી ગયું હતું.

નોંધનીય છે કે, હાલમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. દક્ષિણ આફ્રિકામાં શોધાયેલો આ વેરિએન્ટ ખૂબ જ ચેપી છે. ઓમિક્રોનનો એક દર્દી 35 લોકોને સંક્રમિત કરી શકે છે. કોરોનાનો આ વેરિએન્ટ વધુ પ્રસરે નહીં તે માટે વિશ્વભરમાં અનેક પ્રતિબંધો લગાડવામાં આવી રહ્યાં છે. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પણ વિદેશી પ્રવાસીઓના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવી રહ્યાં છે. કોરોન્ટાઈનના નિયમોનું પણ કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top