Madhya Gujarat

પેટલાદમાં ભાજપ અને કોંગ્રેસની ‘નો રિપિટ’ થિયરી

પેટલાદ : પેટલાદ વિધાનસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રથમ વખત આ ચૂંટણી લડી રહ્યા છે. આ બન્ને ઉમેદવારો શિક્ષીત છે. એક ઉમેદવારો શિક્ષણ સાથે અને બીજા ઉમેદવારો આરોગ્ય સાથે જોડાયેલા છે. તેમાય સમગ્ર જીલ્લામાં સૌથી વધુ ભણેલા બન્ને ઉમેદવારો પેટલાદથી જ છે. છેલ્લા ઘણા વર્ષોથી વિકાસથી વંચિત પેટલાદ માટે મતદારોમાં એક નવી આશા છે. આ બન્ને આશાસ્પદ ઉમેદવારો હાલ તો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જોવાનું એ રહેશે કે મતદારો કોના શીરે જીતનો શહેરો બાંધે છે ?

પેટલાદ શહેર ગાયકવાડ સ્ટેટ વખતે જીલ્લાનું મથક ગણાતુ હતુ. એક સમયે પેટલાદના તાબામાં 280 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. રાજ્યમાં સૌથી વધુ મહેસૂલ ઉઘરાવતું નગર પેટલાદ બીજા નંબરે હતું. આવી જાહોજલાલી ધરાવનાર પેટલાદમાં કાપડની મીલો, હાથશાળના કારખાના, ખાંડ ઉદ્યોગ, એસીડ ફેક્ટરીઓ, પડિયા પતરાળાનુ ઉત્પાદન, અનાજ કરિયાણાના જથ્થાબંધ વેપાર સહિત અનેક નાના મોટા ઉદ્યોગો ધમધમતા હોવાથી ચરોતરના માન્ચેસ્ટર તરીકે ઉપમા મળી હતી. આ ઉદ્યોગોને કારણે તાલુકાભરના અંદાજીત ત્રણ હજારથી વધુ પરિવારોને પેટલાદમાંથી જ રોજીરોટી મળતી હતી.

રોજગાર સાથે અતિ પ્રાચિન અને પૌરાણિક 12મા થી 17મા સૈકા સુધીના નિર્માણ પામેલા ધાર્મિક સ્થળો પેટલાદમાં જોવા મળે છે. જેમાં મંદિરો, તળાવો, વાવો, મસ્જિદો વગેરેનો સમાવેશ થાય છે. નગરમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે રેલ્વે સ્ટેશન પાર્સલ ઓફિસ સાથે કાર્યરત હતુ. જંકશનનો દરજ્જો ધરાવતા આ નગર ખાતે એક જમાનામાં પાર્સલના વેગનો ઉતરતા હતા. તેવી જ રીતે એસટીની સુવિધા પણ સંતોષકારક હતી. સર્વાંગી વિકાસ ધરાવતા પેટલાદ શહેરની આર્થિક સ્થિતી પણ ખુબ સધ્ધર રહી હતી. જેથી જ અહિયા સહકારી બેંકો, મંડળીઓ, શરાફની પેઢીઓ વગેરે ધમધમતા હતા.

આવા વિકાસલક્ષી નગરની છેલ્લા પચાસેક વર્ષ દરમિયાન અત્યંત દયનીય સ્થિતી થઈ ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બે મીલો બંધ થઈ ગઈ છે. જ્યારે પાળજના ખાંડ ઉદ્યોગ સહિત સહકારી બેંકોને ખંભાતી તાળા લાગી ગયા છે. નાના મોટા તમામ વેપાર ડચકા ખાઈ રહ્યા છે. જીઆઈડીસીનો વિકાસ ફક્ત નામ પુરતો છે. રેલ્વે અને એસટીની સુવિધાઓ મર્યાદિત થઈ ગઈ છે. શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રની સેવાઓ લેવા લોકોને આણંદ, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં જવુ પડે છે. રોજગારી માટે આજે પણ હજારો યુવાનો અને યુવતીઓ અપડાઉન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પેટલાદ શહેરના વિકાસ માટે ઘણા વર્ષોથી કોઈએ પણ ચિંતા કરી નથી. પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માટે પણ નગરપાલિકા દ્વારા ઉપેક્ષા રાખવામાં આવે છે. આવી અત્યંત વિકટ પરિસ્થિતીમાંથી પસાર થતા પેટલાદને બહાર લાવી વિકાસની હરણફાળ ભરવાની આશા મતદારોમાં આ બન્ને આશાસ્પદ ઉમેદવારો પાસેથી છે.

પેટલાદમાં કોંગ્રેસનો એસીડ ટેસ્ટ કેટલો કારગત રહેશે ?
કોંગ્રેસે છ ટર્મથી વિજેતા કોંગ્રેસના નિરંજન પટેલને ટીકીટ નહી મળતા તેઓએ તમામ હોદ્દા ઉપરથી રાજીનામુ ધરી દીધુ છે. બાદમાં કોંગ્રેસના કેટલાક આગેવાનો અને સંગઠનના કેટલાક હોદ્દેદારોએ પણ રાજીનામા ધરી દીધા છે. જોકે, હજી સુધી તેઓ કયા ઉમેદવારને સીધો કે આડકતરો ફાયદો કરાવે છે ? તે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. બીજી તરફ નિરંજન પટેલની કાર્ય પદ્ધતી અને નિતિરીતીને કારણે મુસ્લિમ વોટ બેન્ક ડેમેજ થઈ હોવાની વાત જગ જાહેર છે. કારણ કે, પેટલાદ નગરપાલિકાની ગત ચૂંટણીમાં કોંગ્રેસના મુસ્લિમ આગેવાનોએ આમ આદમી પાર્ટીના મેન્ડેટ સાથે ઝંપલાવ્યું હતુ. જેમા પાંચ બેઠક આપને ફાળે ગઈ હતી. હવે જ્યારે કોંગ્રેસમાંથી નિરંજન પટેલનુ પત્તુ કપાયુ છે ત્યારે પાલિકાના આ પાચેય આપ સમર્થિત કાઉન્સિલરોએ રાજીનામા ધરી દઈ ફરીથી કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. એટલે હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસની મુસ્લિમ વોટ બેન્ક ફરીથી યથાવત થઈ જતા તેની સામે ભાજપ શુ રણનિતી બનાવે છે ? અત્રે ઉલ્લેખનીય છે કે હાલ તો બન્ને પક્ષના નેતાઓની નજર નિરંજન પટેલની રણનિતી ઉપર છે.

પેટલાદમાં સરદાર પટેલે અભ્યાસ કર્યો
શૈક્ષણિક ક્ષેત્રે જીલ્લામાં સૌથી પહેલી માધ્યમિક શાળા અને કોલેજ પેટલાદ ખાતે શરૂ થઈ હતી. પેટલાદની માધ્યમિક શાળામાં સરદાર વલ્લભભાઈ પટેલે પણ અભ્યાસ કર્યો હતો. ગુજરાતના કાશી ગણાતા પેટલાદમાં પ્રસિદ્ધ બે સંસ્કૃત પાઠશાળાઓ છે. જ્યા પ્રમુખ સ્વામી મહારાજ સહિત અનેક વિભૂતિઓએ અભ્યાસ કર્યો હતો. ઐતિહાસિક આ નગરમાં જીલ્લાની સૌથી પહેલી સિવિલ હોસ્પિટલ પેટલાદ ખાતે જ શરૂ થઈ હતી. મહારાજા સયાજીરાવ ગાયકવાડના નામ સાથે જાેડાયેલ આ સયાજી રૂગ્ણાલયનો વહિવટ સમય જતા સરકાર પાસે ગયો હતો.

ત્રણ વખત ત્રીજુ પરિબળ
સન 1962 થી 2017 સુધી 13 વખત પેટલાદ વિધાનસભા બેઠક માટે ચૂંટણીઓ યોજાઈ છે. જે પૈકી વર્ષ 1975માં કોંગ્રેસના પ્રભુદાસ એસ.પટેલે કોંગ્રેસ છોડી કિશાન મજદુર લોકપક્ષ (કેએલપી) માંથી ઉમેદવારી કરી હતી. જે સમયે તેઓએ 4328 મત કાઢતા કોંગ્રેસની બાજી બગાડી હતી. તેવી જ રીતે વર્ષ 1990માં પણ સુર્યકાંત શાસ્ત્રીએ અપક્ષ ઉભા રહી 19,559 મત કાઢ્યા હતા. જેને કારણે કોંગ્રેસના ગોવિંદભાઈ ચૌહાણનો પરાજય થયો હતો. બાદ સન 1995માં ફરીથી અપક્ષ તરીકે સુર્યકાંત શાસ્ત્રીએ ઝંપલાવ્યું હતુ. પરંતુ તે વખતે તેઓએ 18,674 મત કાઢી ભાજપના સી.ડી. પટેલ માટે અપસેટ સર્જ્યો હતો. હવે આ વખતે 2022ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઝંપલાવ્યું છે ત્યારે કયા ઉમેદવારનો ખેલ બગડે છે ? એતો તા.૮ ડિસેમ્બરે જ ખબર પડે !

રોમાંચક મુકાબલો
પેટલાદ વિધાનસભા બેઠકમાં 2.39 લાખ જેટલા મતદારો છે. જે 53 ગામડા અને પેટલાદ શહેરમાં વહેચાયેલા છે. પેટલાદ મત વિસ્તારમાં નગરપાલિકાની 36 બેઠકો છે. જેમાંથી હાલ ભાજપ પાસે 22 બેઠકો સાથે સત્તા છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 3 બેઠકો હતી, પરંતુ આપ અને અપક્ષના 9 સભ્યો જોડાતા હવે સભ્ય સંખ્યા 12ની થઈ છે. આ વિધાનસભા મત વિસ્તારમાં પેટલાદ અને બોરસદ તાલુકા પંચાયતની બેઠકોનો સમાવેશ થાય છે. જે પૈકી ભાજપ પાસે 18 બેઠકો છે. જેમા આશી, બાંધણી – ૧, બાંધણી – ર, ચાંગા – ર, જાેગણ, મહેળાવ – ૧, મહેળાવ – ર, પાળજ, રૂપિયાપુરા, સુણાવ, વિરોલ (સી), વિશ્નોલી, બોચાસણ, દહેમી, દેદરડા, કાવિઠા, નાપા વાંટા અને વ્હેરાનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસ હસ્તક બામરોલી, બોરીયા, ચાંગા – ૧, રંગાઈપુરા, રાવલી, સિંહોલ અને નાપા તળપદ મળી 7 બેઠકો છે. આ મતવિસ્તારમાં જીલ્લા પંચાયતની 6 બેઠકો પૈકી માત્ર એક સિંહોલ બેઠક કોંગ્રેસ પાસે છે. જ્યારે બાંધણી, બોચાસણ, મહેળાવ, નાપા તળપદ અને પાળજ બેઠક ભાજપ પાસે છે. આમ આ વિધાનસભા બેઠક ઉપર ભાજપનું રાજકીય પ્રભુત્વ ચોક્કસપણે જોવાય છે. જો આ બેઠક ઉપર એન્ટી ઈન્કમ્બન્સી ઉભી ના થાય તો ભાજપ માટે મોકળુ મેદાન છે. બાકી તો પરિણામની રાહ જાેવી જ રહી !

Most Popular

To Top