Surat Main

સુરતના પ્રખ્યાત ‘ટીનએજર્સ ટેલર્સ’ના માલિક નટુભાઈ ટેલરનું અકસ્માતમાં મોત, દુકાનની બહાર જ પાલિકાનું ડમ્પર કાળ બનીને ત્રાટક્યું

શહેરના ચોકબજાર સોનિફળિયા સ્થિત પ્રસિદ્ધ શૂટિંગ-શર્ટિંગની પેઢી ટીનએજર્સ ટેલરના માલિક નટુભાઈ ટેલરનું સોની ફળીયા ખાતે પાલિકાની ડ્રેનેજ ગાડીની અડફેટે નિધન થયું છે. આ અકસ્માતમાં તેમના ભત્રીજા ડેસ્ટિની ટેલર્સના મહેશ ભગવાગરને સામાન્ય ઇજાઓ થઈ છે.

ઘટના અંગે મળતી માહિતી મુજબ અલથાણ ખાતે આશીર્વાદ બંગ્લોઝમાં રહેતા આશરે ૭૦ વર્ષીય નટવરલાલ હરકિશનદાસ ટેલર વર્ષ 1964થી સોની ફળિયામાં ટેલરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ૧૯૬૪ બાદ તેમને સુરત શહેરમાં ટેલરિંગ શૃંખલા શરૂ કરી હતી. આ રીતનું સાહસ કરનાર સુરતમાં તેઓ પ્રથમ વ્યક્તિ હતા. શહેરના ધનિક વર્ગ નટુભાઈની ટીનએજર્સમાં તેમની પાસેથી જ કપડા બનાવવાનો આગ્રહ રાખતા હતા. આજે સવારે નટુભાઈ અને તેમના ભત્રીજા મહેશભાઈ નિત્યક્રમ મુજબ અંબાજી મંદિર જવા નીકળ્યા હતા. દુકાનની બહાર એકટીવા ચાલુ કરી એટલી ક્ષણમાં સુરત મહાનગરપાલિકાના ટેન્કરે તેમને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં નટુભાઈનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના ભત્રીજા મહેશભાઈને સામાન્ય ઈજાઓ થઈ છે. અઠવા પોલીસે આ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી વધારે તપાસ શરૂ કરી છે.

ટીન એજર્સ ટેલર્સ શહેરનું ખૂબ જ પ્રખ્યાત નામ છે. શોખીનો અહીં કપડાં સીવડાવવા આવતા હોય છે. આ દુકાનને પ્રગતિના પંથે લઈ જનાર નટુભાઈ ટેલરનું આજે તેમની દુકાનની બહાર જ અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેમની દુકાનની પાસેથી પસાર થતું પાલિકાનું ડમ્પર કાળ બનીને તેમની પર ત્રાટક્યું હતું. ડમ્પરના પૈંડા તેમના માથા પર ફરી વળ્યા હતા. અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. નટુભાઈ ટેલર અને તેમના ભત્રીજા મહેશ ભગવાગરને ઈજાઓ થઈ હોઈ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાના પ્રયત્નો શરૂ કરાયા હતા. પરંતુ આ ગમખ્વાર અકસ્માતમાં નટુભાઈનું મૃત્યુ નિપજ્યું હતું.

Most Popular

To Top