Madhya Gujarat

નડિયાદના કાઉન્સિલર બાલા ભરવાડે કોવિડ ગાઇડલાઇન ભંગ કરી પાર્ટી યોજી

નડિયાદ: નડિયાદ શહેરના કાઉન્સિલર દ્વારા પોતાના પાર્ટી પ્લોટના ઉદ્દઘાટન અને નવઘણ ભરવાડના જન્મદિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કરવામાં આવતાં, તેમના વિરૂધ્ધમાં નડિયાદ શહેર પોલીસ દ્વારા જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નડિયાદમાં હેલીપેડ ગ્રાઉન્ડની સામે બંસરી પાર્ટીપ્લોટ આવેલ છે. નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર બાલાભાઈ નાગજીભાઈ ભરવાડે ગત સોમવારના રોજ આ પાર્ટીપ્લોટના ઉદ્દઘાટન તેમજ નવઘણભાઈ ભાનુભાઈ ભરવાડના જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજ્યો હતો.

જેમાં મોટી સંખ્યામાં લોકોને એકઠા કરી, ઉજવણી કરવામાં આવી હતી. લક્ઝરી બસ અને કારમાં આવેલા લોકોની ભીડને જોઇને નગરજનો પણ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. આ મામલે શહેર પોલીસને માહિતી મળતાં તેમણે સ્થળ ઉપર જઇને કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરી મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કરનાર બાલાભાઈ નાગજીભાઈ ભરવાડ (રહે.વિજયલક્ષ્મી સોસાયટી, જલારામ મંદિર પાછળ, નડિયાદ) સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે બાલા ભરવાડ બે મહિના પહેલાં જ પાલિકાના સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નં. 4માં ભાજપમાંથી ઉમેદવારી કરી વિજેતા બન્યા હતા.

Most Popular

To Top