Comments

તે મોટીવેશનલ સ્પીકર નથી, પણ તેની પાસે સુખનું સરનામું છે

આપણી આસપાસ સુખની જિંદગી જીવતાં લોકો તરફ આપણી નજર ભાગ્યે જ જાય છે, કારણ આપણે સુખની ખોટી વ્યાખ્યા કરીએ છીએ અને આપણી સુખની વ્યાખ્યા પ્રમાણે સુખની શોધ કરીએ છીએ, એટલે મોટી કારમાં ફરતાં લોકો અને વિશાળ બંગલાઓમાં રહેતાં લોકો આપણને સુખી લાગે છે. મારા અને તમારા સહિત લગભગ બધા જ એવી અપેક્ષા રાખીએ છીએ કે આ પ્રકારનું સુખ આપણા નસીબમાં કયારે આવશે અને તેના માટે આપણે જિંદગીભર મહેનત કરીએ છીએ. ઘણાં બધાંના નસીબમાં કાર અને બંગલો આવી પણ જાય છે પણ પછી ખબર પડે છે કે આપણે ખોટા સરનામે સુખ શોધી રહ્યા હતા. આપણને સુખનું જે સરનામું મળ્યું તે સાચું નથી. હું પૈસો શું કરવો છે અને પૈસો હાથનો મેલ છે તેવું પણ કહેતો નથી અને માનતો પણ નથી, પરંતુ જેમ લક્ષ્મી અને સંપત્તિમાં અંતર છે તેમ સમૃધ્ધિ અને સુખમાં પણ ખાસ્સું અંતર છે. આપણે સમૃધ્ધિને સુખ માની લઈએ છીએ, જયારે સમૃધ્ધિ આવી જાય છે ત્યારે સુખની શોધમાં આપણે મોટીવેશનલ સ્પીકર પાસે જઈએ છીએ. ઘણા મારા મિત્રો પણ સારા મોટીવેશનલ સ્પીકરો છે,પરંતુ મને ખબર છે કે બહુ ઓછા સ્પીકરો બોલે છે તેવું જીવવાની પોતે પણ મઝા લે છે. ઘણા બધા મોટીવેશનલ સ્પીકરો બીજા કારણથી દુ:ખી છે.

પણ બહુ વર્ષો પછી મારા એક અંગત મિત્રના જીવનમાં કેટલું સુખ તેનો અનુભવ કર્યો. તેનું નામ દીપક છે. હું તેને અને તેના પરિવારને વર્ષોથી ઓળખું છું. એકબીજાના સારા માઠા પ્રસંગે અમે સાથે રહ્યા છીએ, પણ સુખ કોને કહેવાય તેનો અહેસાસ મને હમણાં જ દીપક અને દીપકના પરિવારને મળીને થયો. દીપક એક સામાન્ય માણસ છે તમારા અને મારા જેવો. જો કે તે લગભગ એકાદ વર્ષનો હશે ત્યારે તેના પિતાનું અવસાન થયું. પિતાના અવસાનની માઠી અસર દીપકની મમ્મીના મન ઉપર થઈ, છતાં તેની મમ્મીએ તેને એકલા હાથે મોટો કર્યો અને ગ્રેજયુએશન સુધી ભણાવ્યો. આ દરમિયાન અનેક મુશ્કેલીઓ અને વેદનાનો દીપક અને દીપકની મમ્મીએ સામનો કર્યો, પણ જિંદગીમાં કેટલી તકલીફો આવે છે તેવી ફરિયાદ કરવાને બદલે જિંદગીના તમામ પડકારો સાથે જીવતા દીપકે શીખી લીધું. પિતાની છાયા નહીં હોવાને કારણે અસુરક્ષિતતાનો ભાવ પણ હોય, છતાં તેમાં તે વધારે બહાદુર બની બહાર આવ્યો. થોડાં વર્ષ પહેલાં દીપકની મમ્મી પણ ગુજરી ગયાં.

દીપકના જીવનમાં જાનકી પત્ની બની આવી અને લગ્નના ફળ સ્વરૂપે પહેલાં શૌર્ય અને પછી જીયા આવ્યાં. શૌર્ય 13 વર્ષનો છે અને જીયા આઠ વર્ષની છે. જાનકી પણ સામાન્ય પરિવારમાંથી આવે છે. આમ ચાર માણસનો પરિવાર છે. માતા દ્વારા મળેલું એક નાનું પણ સરસ ઘર છે. વાહનમાં એક મોટર સાયકલ છે. દીપક એક સામાન્ય નોકરી કરે છે. દીપકના પગારમાં ચાર માણસોની જિંદગી આરામથી પસાર થાય છે. અહિંયા સુધીની કથા તો લગભગ બધાની સરખી હોય છે,પરંતુ કોરોના પછી માણસોની જિંદગી બદલાઈ છે. લાખોને આર્થિક સંકડામણ છે અને જેમની પાસે લાખો છે તેમને ઘરની બહાર જવા મળતું નથી તેનો કંટાળો છે. આમ પૈસા નથી તેમને જીવવાની જદ્દોજહદ કરવી પડે છે, અને જેમની પાસે પુષ્કળ છે તેમને માનસિક સમસ્યા છે. હમણાં જ મારી પત્ની શિવાનીએ કહ્યું, ચાલો ને દીપકના ઘરે જઈએ. ઘણા દિવસથી જાનકીને મળ્યા નથી. આમ તો કોરોનાને કારણે દીપકના ઘરે વર્ષ દોઢ વર્ષથી ગયા જ ન્હોતા, એટલે અમે તેના ઘરે પહોંચ્યા.

આમ તો કાયમ મુજબની ઠઠ્ઠા-મશ્કરી અને ગમ્મતની વાતો થઈ રહી હતી. અમારી વાતોમાં નાનકડો શૌર્ય અને જીયા પણ જોડાઈ મઝા લઈ રહ્યાં હતાં. પરંતુ ઘણી બધી વાતો મને બીટવીન ધી લાઈન્સ સમજાઈ રહી હતી. છેલ્લાં સવા વર્ષથી શૌર્ય અને જીયા ઘરની બહાર રમવા ગયાં નથી, કારણ જાનકી અને દીપકને સંતાનોને કોરાના થઈ જશે તેનો ડર લાગે છે, પણ શૌર્ય અને જીયાને તેની કોઈ ફરિયાદ નથી. 13 વર્ષનો શૌર્ય બપોરે મમ્મીને કચરા-પોતું કરી આપે છે અને નાનકડી જીયા રસોડાની સફાઈમાં મદદ કરે છે. આ કામ પેટે જાનકી પોતાના દીકરા શૌર્યને એક કલાક વીડિયો ગેઈમ રમવાની રજા આપે છે. દીપક તો નોકરીના કામે બહાર જાય છે પણ જાનકી, શૌર્ય અને જીયાના મોંઢામાં અને ચહેરા ઉપર કંટાળો નામનો શબ્દ નથી. ઘરમાં કાર નથી અને એસી પણ નથી છતાં તેનો રંજ નથી અથવા ફલાણા મિત્રના જીવનમાં કેટલું બધું છે તેવી ફરિયાદ દીપકને પરિવારનો કોઈ સભ્ય કરતો નથી. કયારેક ઈચ્છા થાય તો એક મોટર સાયકલ ઉપર પરિવારના ચારે સભ્યોની દીપકની શાહી સવારી ચક્કર મારવા નીકળે છે. એક મોટર સાયકલ ઉપર ચાર વ્યકિત બેસે તો અગવડ તો પડતી હશે, પણ આ અગવડ છે તેવી હજી દીપક અને તેના પરિવારને ખબર પડી નથી, કારણ ઘણી બધી અગવડ તો માનસિક હોય છે.

દીપકની નોકરીના કલાકો અસામાન્ય છે. દીપકને નોકરી ઉપર સવાર-સાંજ જવું પડે છે. રાત્રે ઘરે આવતાં લગભગ 11-12 થઈ જાય છે. ઘણી વખત શૌર્ય અને જીયા પપ્પાના આવવાની રાહ જોઈ બેસે છે પછી રાત્રે બધા સાથે જમે છે. દીપકનું જમવાનું પૂરું થાય પછી દીપક, જાનકી, શૌર્ય અને જીયા પત્તાં રમવા બેસે છે, તેમની રમત લગભગ સવારના ચાર-પાંચ વાગ્યા સુધી ચાલે છે. હમણાં શૌર્ય અને જીયાની સ્કૂલ બંધ છે એટલે વહેલાં ઊઠવાની ચિંતા નથી. પાંચ વાગે સૂઈ જાય છે અને બીજા દિવસે સવારે જિંદગી સામે કોઈ ફરિયાદ વગર આનંદથી નવા જીવનની શરૂઆત કરે છે. દીપકના પરિવારને સુખને શોધવા કોઈ હિલ સ્ટેશન ઉપર જવાની ઈચ્છા નથી. મોટી રેસ્ટોરન્ટમાં અને કાર અને એસીની જરૂર પડી નથી. તેમને કંટાળો આવતો નથી કારણ મનથી બધા એકબીજાની સાથે છે. જાનકી હાઉસ વાઈફ છે અને શૌર્ય હવે જિંદગીને સમજી શકે એટલો સમજદાર થયો છે. સંભવ છે કે તેમની પણ અપેક્ષા હશે, પરંતુ તેમને પોતાની અપેક્ષાઓનો ખ્યાલ આવે છે ત્યારે દીપકની મર્યાદાઓ સમજાય છે. તેઓ પોતાની અપેક્ષાને પોતાના મન ઉપર હાવી થવા દેતા નથી. જે નથી તેનો રંજ નથી કરતા, જે છે તેનો આનંદ લેતાં તેમને આવડે છે. દીપકના ઘરેથી નીકળતી વખતે શિવાનીએ મને કહ્યું, ખરેખર કેટલો સુખી પરિવાર છે, હું મનોમન બબડયો, તેમના સુખને કોઈની નજર લાગે નહીં.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top