શું કોરોના વાયરસનો રામબાણ ઈલાજ આવી ગયો છે?

ભારતની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ સ્વિસ ફાર્માસ્યુટિકલ કંપની રોશે દ્વારા બનાવાયેલી દવા એન્ટિબોડી કોકટેલને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આ દવા કોરોનાના દર્દીઓની સારવારમાં ખુબ જ ઉપયોગી સાબિત થઈ રહી હોવાનો દાવો કરાયો છે. એવું કહેવાય છે કે, તે એક ખાસ પ્રકારની એન્ટિબોડી કોકટેલ અથવા બે એન્ટિબોડીઝનું મિશ્રણ છે. અમેરિકામાં તેને રેજેનરન કોકટેલ કહેવાતું હતું, કારણ કે તે કંપની રેજેનરન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેને તપાસની દવા તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. મતલબ કે અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા આ ડ્રગનું કેમિકલ લેબમાં સુરક્ષિત મળી આવ્યું છે. જો કે, તેમની ક્લિનિકલ ટ્રાયલ્સ હજુ બાકી છે. આ દવા દ્વારા વિશેષ સારવારની ચર્ચા પ્રથમ ઓક્ટોબર ૨૦૨૦માં થઈ હતી, જ્યારે તત્કાલિન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ડોઝ લીધો હતો.

હવે આ દવાને ભારતમાં ઇમર્જન્સી યુઝ ઑથૉરાઇઝેશન માટેની મંજૂરી મળી છે અને તેને લૉન્ચ પણ કરી દેવાઈ છે. હરિયાણાના એક ૮૪ વર્ષીય દર્દી આ દવા લેનારી પ્રથમ વ્યક્તિ બન્યાં છે. તેમને ગુરુગ્રામમાં આવેલી મેદાંતા હૉસ્પિટલમાં આ દવા અપાઈ હતી. હવે તેમને હૉસ્પિટલમાંથી રજા પણ આપી દેવાઈ છે.

પહેલાં એ સમજીએ કે, આ કોકટેલ શું છે?

રોશે ઇન્ડિયાના સીઈઓ વી.સિમ્પસન ઇમેન્યુએલ અનુસાર આ દવાને એન્ટિબૉડી કોકટેલ કહેવામાં આવે છે. કોરોના વાઇરસ સામે આ એક નવી થેરપી ડ્રગ છે. તેમાં કેસિરીવિમેબ અને ઇમ્ડેવિમેબ એન્ટિબૉડીનું કોકટેલ હોય છે. એક પૅકેટમાં આ દવા ઇન્જેક્શનની વાયરલ સ્વરૂપે આવે છે.

તેને બજારમાં સિપ્લા દ્વારા વેચવામાં આવી રહી છે, જ્યારે તેને રોશે ઇન્ડિયા દ્વારા લાયસન્સ કરવામાં આવી છે. સિપ્લા અનુસાર તેમાં ૧૨૦-૧૨૦ એમજીના બે વાયરલ હોય છે, જેમાંથી માત્ર એક ડોઝ પૂરતો હોય છે, જેથી બીજો ડોઝ બીજા દર્દીને આપી શકાય છે. જો કે, તે ૪૮ કલાકની અંદર આપી દેવો પડે છે અને તેને સ્ટોરેજ કરવા માટે ખાસ વ્યવસ્થા કરવી પડે છે. મતલબ કે, એક પૅકેટમાંથી બે દર્દીની સારવાર થઈ શકે છે. જો કે, દવા માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનના આધારે જ મળશે. તેનો ઉપયોગ કોરોનાના ઓછા અને મધ્યમ લક્ષણોવાળા એવાં કોરોના દર્દીઓ માટે થાય છે, જે ઉચ્ચ જોખમ વર્ગમાં છે, વૃદ્ધ અથવા પહેલાથી જ કોઈ રોગથી ગ્રસ્ત છે.

આ એન્ટિબોડીઝ કોકટેલ કેવી રીતે કામ કરે છે?

જ્યારે આપણાં શરીરમાં કોઈ વાયરસ અથવા બેક્ટેરિયા આવે છે, ત્યારે તે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. તે સમય દરમિયાન કેટલાંક પ્રોટીન આપણાં શરીરની અંદર ઉત્પન્ન થાય છે, જે વાય આકારનું કદ ધરાવે છે. આ પ્રોટીન વાયરસ અને બેક્ટેરિયાના પ્રભાવોને ઘટાડવા લડે છે. આ પ્રોટીનને એન્ટિબોડી અથવા ઇમ્યુનોગ્લોબ્યુલિન (આઇજી) કહેવામાં આવે છે.

હવે આવાં જ એન્ટિબોડી સ્વિસ કંપની દ્વારા લેબમાં બનાવવામાં આવ્યાં છે. લેબમાં બનેલાં આ એન્ટિબોડીઝ શરીરની પ્રતિરક્ષાની નકલ કરે છે અને વાયરસ વિરુદ્ધ લડે છે. કેસિરીવિમેબ અને ઇમ્ડેવિમેબ નામના એન્ટિબૉડીનું આ કોકટેલ છે, જે ખાસ કરીને કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીન પર હુમલો કરે છે. તે જ સ્પાઇક પ્રોટીન જે કોરોના વાયરસ પર કાંટા જેવા દેખાય છે. આના દ્વારા જ વાયરસ માનવ કોષોને વળગી રહે છે. આ એન્ટિબોડી આ સ્પાઇકને ચોંટતાં અટકાવે છે.

રોશે કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, એન્ટિબોડીઝ ખાસ એન્જિનિયરિંગ દ્વારા એવી રીતે બનાવવામાં આવી છે કે તેઓ કોરોના વાયરસની સ્પાઇક્સને બાંધે છે. આ કોકટેલની મદદથી તે વાયરસની અસરને ઘટાડે છે અને ચેપને નિયંત્રિત કરે છે.

આ કોના માટે છે?

એન્ટિબોડીઝનું આ કોકટેલ બધા કોરોના દર્દીઓ માટે નથી. પ્રારંભિક લક્ષણો દેખાયાં હોય તેવાં કોરોનાના ઓછા અથવા મધ્યમ લક્ષણો ધરાવતાં કોરોના દર્દીઓને પહેલાં ૧૦ દિવસમાં આપી શકાય છે. આ કોકટેલ પુખ્ત વયના દર્દીઓ ઉપરાંત ૧૨ વર્ષ અથવા તેથી વધુ ઉંમરના બાળકોને પણ આપી શકાય છે. આ દવા એવાં દર્દીઓને આપવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં કોરોનાના ગંભીર ચેપનું જોખમ છે. આમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો અને જેઓ પહેલાથી ડાયાબિટીઝ, કિડની-ફેફસાના રોગ, બીપી અથવા હૃદય સંબંધિત રોગોથી પીડિત છે તેવાં દર્દીઓને આપી શકાય છે. હા, પણ હોસ્પિટલમાં દાખલ કોરોનાના ગંભીર દર્દીઓને આ દવા આપી શકાતી નથી.

તેની માત્રા કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે?

૧૨૦૦ મિલિગ્રામની માત્રા બંને કેસિરીવિમેબ અને ઇમ્ડેવિમેબેને ભેળવીને આપવામાં આવે છે. એટલે ૬૦૦ મિલિગ્રામ કેસિરિવીમેબ અને ૬૦૦ મિલિગ્રામ ઇમ્ડેવિમેબેન. ઈન્જેક્શન દ્વારા શરીરમાં પહોંચાડવામાં આવે છે.

આ કોકટેલનું રિઝલ્ટ કેવું આવ્યું છે? શું દાવો છે કંપનીનો?

કંપનીના સીઇઓ વી. સિમ્પસન ઇમેન્યુએલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, રસી જે રીતે શરીરમાં એન્ટિબૉડી બનાવે છે અને પછી તે વાઇરસ સામે લડે છે, તેવી જ રીતે આ દવા પણ એન્ટિબૉડી છે. લૅબમાં તૈયાર કરેલ બે એન્ટિબૉડી કેસિરીવિમેબ અને ઇમ્ડેવિમેબ વાઇરસને કોષ સાથે બાઇન્ડ થતો અટકાવે છે અને તેના સ્પાઇક પ્રોટિનને નિષ્ક્રિય કરી દે છે. તેનું સ્પાઇક પ્રોટિન કોષમાં વાઇરસને ટકવા માટે મદદ કરતું હોવાથી એન્ટિબૉડી આ સ્પાઇક પ્રોટીન સામે લડે છે, જેથી વાઇરસની વૃદ્ધિ પામવાની ક્ષમતા ઘટી જાય છે. પરિણામે સંક્રમણ વધતું નથી અને દર્દીના જીવને જોખમ ઊભું થતું નથી. ક્લિનિકલ ટ્રાયલમાં આ થેરપી ૭૦ ટકા અસરકારક પુરવાર થઈ છે.

વળી દવાના ઉપયોગ વિશે તેમણે કહ્યું હતું કે, ૧૨ વર્ષથી વયની ઉપરના તમામ લોકો માટે દવા વાપરી શકાય છે, પણ શરત એ છે કે એ વ્યક્તિને સંક્રમણ માઇલ્ડ અથવા મૉડરેટ કક્ષાનું હોય અને તેની સાથે કેટલાક રિસ્ક ફૅક્ટર જોડાયેલા હોવા જોઈએ. માત્ર સાધારણ સંક્રમણમાં દવા ન લેવી જોઈએ. કોવિડ દર્દી હાઇરિસ્ક પર હોય તેના માટે આ દવા છે. દિલ્હીમાં ખાનગી હૉસ્પિટલોમાં આ દવાનો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે. જો કે કંપનીનું કહેવું છે કે ખાનગી-સરકારી કોવિડ ડેઝિગ્નેટેડ હૉસ્પિટલમાં પણ આ દવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જ્યાં સૌ પ્રથમ આ દવાનો ઉપયોગ થયો છે એ હોસ્પિટલ શું કહે છે?

મેદાંતા હૉસ્પિટલના ચૅરમેન ડૉ. નરેશ ત્રેહાનનું કહેવું છે કે શરૂઆતના તબક્કામાં જો દર્દીના શરીરમાં એન્ટિબોડી દાખલ કરવામાં આવે તો તે વાઇરસને કોષમાં દાખલ થતો અટકાવી દે છે. તે કોવિડ સામે કારગત છે અને કોવિડના વૅરિયન્ટ ૧.૬૧૭ સામે પણ અસરકારક છે. આ એક નવું હથિયાર છે.

સૌથી મોટો સવાલ – આ દવાની માર્કેટ પ્રાઇસ કેટલી છે?

આ દરમિયાન સૌથી વધુ ચર્ચા આ દવાની કિંમતની પણ થઈ રહી છે. કારણ કે દવાની કિંમત ૧.૨૦ લાખ રૂપિયા છે. જે ઘણી મોંઘી છે. જો કે, કંપનીનું કહેવું છે કે આ દવાને લીધે વ્યક્તિને હૉસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ૭૦ ટકા ઘટી જાય છે અથવા મૃત્યુનું જોખમ ઘટી જાય છે. વળી જો હૉસ્પિટલમાં હોય તો રિકવરી પણ જલદી આવી જાય છે. આથી વ્યક્તિનો હૉસ્પિટલનો જે ખર્ચ થાય છે તેમાં ઘટાડો થશે, આથી આટલી કિંમત તેને અનુસંધાને પરવડી જશે. ઉપરાંત કંપનીનું એવું પણ કહેવું છે કે, જાે સરકાર જીએસટી અને કસ્ટમ ડ્યૂટી સહિતના કરમાં રાહત આપે તો કિંમત હજુ ઘટી શકે છે. જાેકે, હજુ સુધી ગુજરાતમાં કે અન્ય રાજ્યોમાં આ દવાનો ઉપયોગ નથી થયો. આગામી સમયમાં ઉપયોગ થઈ શકે છે.

Related Posts