Charchapatra

માતા તું જગત જનની

 ‘માતૃ દેવો ભવ.’ વેદ, શાસ્ત્ર, પુરાણો, શ્રૃતિ, સ્મૃતિ અને ઉપનિષદોએ પણ માતાના સ્નેહનું વર્ણન કર્યું છે. માતા બ્રહ્માંડની  મમતાળુ અને પ્રેમવર્ધક વ્યકિત છે. મા વગર કોઇ પણ આ જગતમાં આવી ન શકે. માતા જીવના પરાક્રમનું, નસીબનું, સૌભાગ્યનું મહાદ્વાર છે. અહીં જે પણ કોઇ દેખાય છે, એ ઋષિમુનિઓ, દેવદેવતા, રાજામહારાજાઓ, વિદ્વાન, પંડિતો કે સામાન્ય માણસ, અહીં પ્રકાશમાન છે તે મા ની અસીમ કૃપાનું ફળ છે. કોઇને મામા-કાકા ના હોય, માસી-ફોઈ ના હોય, ભાઇ-બહેન ના હોય, પણ જે છે એને મા તો હોય જ. બધા સગપણમાં માનું સગપણ સર્વશ્રેષ્ઠ, મંગલકારી, પવિત્ર, નિર્વ્યાજ, નિ:સ્વાર્થ અને દૈવી હોય છે. 

કેટકેટલી શારીરિક, માનસિક યાતનાઓ સહન કરીને માતા બાળકને જન્મ આપે છે. જગતમાં ચંદ્ર સૂર્યના પ્રકાશનું દર્શન, હવાની લહેરો, નદીનું પાણી અને એના શરીરનો ઉષ્માસભર સ્પર્શ બાળકને હસતું રાખે છે. બાળકનું પોષણ બા નું દૂધ કરે છે. મા નું જ્ઞાન, સહનશીલતા, સત્કર્મો, વાણી, વ્યવહાર માની સત્યતા, નિષ્ઠા, નિયમ, નીતિ અને કર્તવ્યપરાયણતા બાળકને મા ના ગર્ભમાં મળે છે અને એનું પુનરાવર્તન બાળકના જન્મ પછી સાકાર દેખાય છે. માતા જ પ્રત્યેકનો પ્રથમ ગુરુ છે. મા થી મળેલ સંસ્કાર બાળક કદી ભૂલતો નથી અને પોતાનું બાળક ઉચ્ચ સ્તરે પહોંચે માટે માતા સર્વ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરે છે. મા બાળકનો ઉછેર નિ:સ્વાર્થભાવે, નિર્લોભતાથી, નિરેચ્છ રહીને નિરંતર પોતાનું પરમ કર્તવ્ય સમજીને કરે છે ત્યારે અમારા દરેકનું કર્તવ્ય છે કે માને સર્વતોપરી સુખ આપવું. બાને હર ક્ષણે પ્રસન્ન રાખવું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં બા ‘હીરા બા’ સો વર્ષનાં થયાં, પણ વાર્ધકય પર જીત કરી છે. આજે પણ પ્રસન્ન અને સ્વકર્મનિષ્ઠ છે. આનંદી છે. પુત્ર નરેન્દ્ર માતૃત્વશકિતનું પૂજન કરે છે, મા ના ચરણ ધોઇને તીર્થનું શરીર પર પ્રોક્ષન કરે છે. આચમન કરે છે. આ એક દૈવી, ઐતિહાસિક અને સંસ્કાર સંસ્કૃતિના ગર્વની વાત છે.  વડા પ્રધાને ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને શ્રદ્ધાને પુન:સ્થાપિત કરીને બધાને માતાની મહત્તા બતાવી છે. હવે ઘરઘરમાં બાનું પૂજન થશે. માતૃદેવો ભવનો મંત્ર નિનાદશે. વન્દનીય માતાને વન્દન કરવાની પ્રથા શરૂ થશે. સંસ્કાર પુરુષ, સંસ્કૃતિવાન વડા પ્રધાનને વન્દન. પૂજય હીરાબાને પ્રણામ.
સુરત     – બાળકૃષ્ણ વડનેરે- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top