Dakshin Gujarat

ચીખલીમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદથી વીજળી ડૂલ

સાપુતારા, નવસારી, ઘેજ : ડાંગ(Dang) અને નવસારી(Navsari) જિલ્લામાં ધીમે ધીમે ચોમાસા(Monsoon)ની ઋતુનો માહોલ જામી રહ્યો છે. શુક્રવારે ડાંગ જિલ્લાનાં સુબિર સહિત આહવા પંથકનાં ગામડાઓમાં વીજળીનાં કડાકા ભડાકામાં ધમાકેદાર વરસાદ(Rain)ની એન્ટ્રી થતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી. જ્યારે નવસારીના ચીખલી પંથકમાં મોડી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે સતત એકાદ કલાક ધોધમાર વરસાદથી સર્વત્ર પાણી પાણી થઇ ગયુ હતુ. સાથે વીજળી પણ ડૂલ થતા અંધારપટ છવાઇ ગયો હતો અને તેજ વીજળીના ચમકારા અને ગાજવીજને પગલે એક સમયે ભયાવહ સ્થિતિ સર્જાઈ હતી. જો કે બાદમાં વરસાદનું જોર ધીમુ પડ્યું હતુ. બે કલાકમાં 104 મીમી એટલે કે 4 ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો.

  • ચીખલીમાં બે કલાકમાં 4 ઇંચ, ડાંગમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી
  • સુબિર પંથકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબકતા પૂર્ણા નદી ધસમસતી બની
  • સાપુતારામાં ધૂમ્મસમાં લપેટાયું, ચાલકોને વાહનોની હેડલાઈટ ચાલુ રાખી હંકારવાની નોબત આવી- વાંસદા તાલુકામાં અડધો ઇંચ નોંધાયો

ચીખલી મામલતદાર કચેરીના ફ્લડ કંટ્રોલનો લેન્ડ લાઈન ફોનનો આઉટ ઓફ સર્વિસ આવતા ચોમાસાની શરૂઆતમાં જ ડિઝાસ્ટર મેનેજમેન્ટની પોલ ખુલી જવા પામી હતી. ચીખલી પંથકમાં બે કલાકમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. શુક્રવારે સુબિર પંથકમાં સાડા ત્રણ ઈંચ અને આહવા પંથકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સીઝનમાં બીજી વખત પૂર્ણા નદી ધસમસતી જોવા મળી હતી. જ્યારે વઘઇ સહિત સાપુતારા પંથકનાં ગામડાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો.

ડાંગ જિલ્લાનો 24 કલાકનો વરસાદ

ચીખલી4 ઇંચ
સુબિર3.24 ઈંચ
આહવા1.6 ઇંચ
વઘઈ20 મી.મી.
સાપુતારા09 મી.મી.

સાપુતારા ઘાટમાર્ગમાં પણ શુક્રવારે સમયાંતરે ગાઢ ધૂમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા વાહનચાલકોને વાહનોની હેડલાઈટ ચાલુ રાખી હંકારવાની નોબત ઉઠી હતી. જ્યારે નવસારી જિલ્લામાં હળવો વરસાદ પડ્યો હતો. જેમાં વાંસદા તાલુકામાં 12 મી.મી., નવસારી તાલુકામાં 9 મી.મી., ખેરગામ અને જલાલપોર તાલુકામાં 2-2 મી.મી વરસાદ પડ્યો હતો. પરંતુ ગણદેવી તાલુકો સૂકો રહ્યો હતો.

Most Popular

To Top