Gujarat

અમદાવાદ સિવિલમાં એક વર્ષમાં 24 હજારથી વધુ દર્દીઓને મફત ઇન્સ્યુલિન ઈન્જેકશન અપાયા

અમદાવાદ,
રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે દર્દીલક્ષી નીતિઓના પરિણામે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને મોટી રાહત મળી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા છેલ્લા એક વર્ષમાં 24,727થી વધુ ડાયાબિટીસ દર્દીઓને અંદાજે ₹2.39 કરોડની કિંમતના ઇન્સ્યુલિન ઇન્જેક્શન મફતમાં આપવામાં આવ્યા છે.

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામ હેઠળ આ સેવા આપવામાં આવી રહી છે. ડાયાબિટીસના સારવારમાં ઇન્સ્યુલિન અનિવાર્ય હોવા છતાં તેની ઊંચી કિંમત ગરીબ પરિવારો માટે મુશ્કેલી ઉભી કરતી હતી, પરંતુ હવે મફત સુવિધાથી દર્દીઓને મોટો ફાયદો થયો છે.
રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ‘ટાઇપ-૧ ડાયાબિટીસ’થી પીડાતા બાળકો માટે વિશેષ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ બાળકોને ઇન્સ્યુલિન ઉપરાંત ગ્લુકોમીટર અને કીટોન ચકાસણી કીટ પણ નિ:શુલ્ક આપવામાં આવે છે. વર્ષ 2025 દરમિયાન 1,881 બાળદર્દીઓને આ યોજનાનો લાભ મળ્યો હતો, જ્યારે 2026ના પ્રથમ ત્રણ મહિનામાં જ વધુ 681 બાળકોને આ સુવિધા આપવામાં આવી છે.

રાજ્યમાં લાઇફસ્ટાઇલ ડિસીઝ જેમ કે બ્લડપ્રેશર અને ડાયાબિટીસનું વહેલું નિદાન થાય તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને મેડિકલ કોલેજ હોસ્પિટલ સુધી ચકાસણીની વ્યવસ્થા મજબૂત બનાવાઈ છે. આથી દર્દીઓને સમયસર સારવાર મળી રહી છે અને ગંભીર જટિલતાઓને અટકાવવામાં મદદ મળી રહી છે. ડૉ. જોષીએ કહયું હતું કે રાજ્ય સરકારની નીતિઓને કારણે મોંઘી ગણાતી ઇન્સ્યુલિન સારવાર હવે સામાન્ય નાગરિકો માટે સુલભ બની છે. સરકારનો મુખ્ય હેતુ એ છે કે કોઈપણ દર્દી આર્થિક અભાવના કારણે સારવારથી વંચિત ન રહે.

Most Popular

To Top