ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ ગુજરાતની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ રાજ્ય માટે આધ્યાત્મિક અને સામાજિક બંને દ્રષ્ટિએ ખાસ મહત્વ ધરાવે છે.પ્રવાસ દરમિયાન પીએમ મોદી સૌપ્રથમ સોમનાથ મંદિર ખાતે યોજાનાર ‘સ્વાભિમાન પર્વ’માં હાજરી આપશે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થતાં આ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે વડાપ્રધાન મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરશે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે તેમની હાજરી આ પર્વને વિશેષ ગૌરવ આપશે. આ કાર્યક્રમ દ્વારા ભારતની સાંસ્કૃતિક વારસાની ગૌરવગાથા વિશ્વ સમક્ષ રજૂ થશે.
સોમનાથ બાદ વડાપ્રધાન વડોદરાની મુલાકાત લેશે, જ્યાં તેઓ સરદારધામનું લોકાર્પણ કરશે. આ સંકુલ યુવાનોના શિક્ષણ અને રોજગાર માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે અને સામાજિક ઉત્થાનમાં મોટી ભૂમિકા ભજવશે.વડોદરામાં વડાપ્રધાનના આગમનને પગલે ભવ્ય સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને પાટીદાર સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અભિવાદન કરશે તેવી શક્યતા છે.
આ સમગ્ર પ્રવાસને ધ્યાનમાં રાખીને સોમનાથ અને વડોદરા બંને સ્થળોએ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને આયોજનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.વડાપ્રધાનનો આ પ્રવાસ ‘શ્રદ્ધા અને વિકાસ’ના સમન્વય તરીકે જોવામાં આવી રહ્યો છે, જેમાં એક તરફ સોમનાથની આધ્યાત્મિક મહત્તા છે તો બીજી તરફ વડોદરામાં સામાજિક અને શૈક્ષણિક વિકાસને વેગ આપતા પ્રોજેક્ટ્સ છે.