અમેરિકા અને ઇરાન વચ્ચેની ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ઈરાન યુદ્ધ ખતમ કરવા માટે રાજદ્વારી રસ્તો અપનાવવા તૈયાર છે, પરંતુ તેના માટે એક કેટલીક શરત છે. બુધવારે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે થયેલી ફોન પરની વાતચીત દરમિયાન પેઝેશ્કિયને આ મુદ્દે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે અમેરિકા પર વિશ્વાસ ન હોવાનું પણ ખુલ્લેઆમ જણાવ્યું. તેમના જણાવ્યા મુજબ, એક તરફ અમેરિકા સાથે વાતચીત ચાલી રહી હતી, તો બીજી તરફ ઈરાન પર હુમલાઓ કરવામાં આવ્યા. આ ઘટનાને તેમણે પીઠમાં છરો ઘોંપવા જેવી ગણાવી હતી. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેનો વિશ્વાસ હજુ પણ ખૂબ નબળો છે. ઈરાનનું કહેવું છે કે તે શાંતિ માટે તૈયાર છે, પરંતુ તે પોતાની સાર્વભૌમતા, સુરક્ષા અને રાષ્ટ્રીય હિત સાથે કોઈ પણ પ્રકારનો સમજૂતી નહીં કરે. પેઝેશ્કિયને ભારપૂર્વક જણાવ્યું કે કોઈ પણ શાંતિ કરાર ત્યારે જ શક્ય છે, જ્યારે ઈરાનના અધિકારોને સંપૂર્ણ રીતે માન્યતા આપવામાં આવે.
આ વચ્ચે એવા અહેવાલો સામે આવ્યા છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે એક નવી ડીલ માટે ચર્ચાઓ ચાલી રહી છે. આ ડીલ એક પેજના મેમોરેન્ડમના રૂપમાં હોઈ શકે છે. જો આ સમજૂતી થાય, તો તેના હેઠળ ઈરાન પોતાના ન્યુક્લિયર પ્રોગ્રામમાં યુરેનિયમ સંવર્ધન પર નિયંત્રણ લાવવાનું સ્વીકારી શકે છે. તેના બદલે અમેરિકા ઈરાન પર લાગેલા આર્થિક પ્રતિબંધોમાં રાહત આપી શકે છે. આ ઉપરાંત, હોર્મુઝ સ્ટ્રેટથી થતા વેપાર અને તેલ પરિવહન પર લાગેલા પ્રતિબંધો દૂર કરવા અંગે પણ ચર્ચા થઈ રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઓઇલ રૂટમાંનું એક છે, અને અહીંના તણાવનો સીધો અસર વૈશ્વિક તેલ બજાર પર પડે છે. તેથી, આ માર્ગ પર સ્થિરતા લાવવી બંને દેશો માટે જરૂરી માનવામાં આવે છે.
અગાઉ, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલી લગભગ 40 દિવસની લડાઈ બાદ 8 એપ્રિલે બે અઠવાડિયાનો સીઝફાયર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શાંતિ માટેની વાતચીત પણ યોજાઈ હતી, પરંતુ તેમાંથી કોઈ ખાસ પરિણામ આવ્યું નહોતું. હવે ફરી એકવાર નવી સમજૂતીની ચર્ચાઓ તેજ બની છે. જોકે, ઈરાનની કેટલીક મીડિયા એજન્સીઓએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે. તેમના કહેવા મુજબ અમેરિકા સાથે કોઈ નવો લેખિત પ્રસ્તાવ અથવા મેસેજ એક્સચેન્જ થયો નથી. ઈરાનનું માનવું છે કે આ પ્રકારના સમાચાર કદાચ ગ્લોબલ ઓઇલ માર્કેટને અસર કરવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે, જેથી તેલની કિંમતો નીચે આવી શકે.
આ સમગ્ર પરિસ્થિતિમાં એક વાત સ્પષ્ટ છે કે ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા ઈચ્છે છે, પરંતુ તે પોતાના હિતોને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા તૈયાર નથી. બીજી તરફ અમેરિકા સાથે વિશ્વાસનો અભાવ હજુ પણ એક મોટી અડચણ છે. આગામી દિવસોમાં બંને દેશો વચ્ચેની વાતચીત કઈ દિશામાં આગળ વધે છે, તે મહત્વપૂર્ણ રહેશે. જો બંને પક્ષો સમજૂતી પર પહોંચે, તો માત્ર પશ્ચિમ એશિયામાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ શાંતિ અને આર્થિક સ્થિરતા માટે સકારાત્મક અસર જોવા મળી શકે છે.