SURAT

સુરતમાં તેર જ દિવસમાં 220થી વધુ દફન, 25 કબર એડવાન્સમાં ખોદાઈ

SURAT : કોરોના ( CORONA ) સંક્રમણને જાણે નાત-જાત ધર્મ સાથે કોઇ લેવાદેવા ન હોય તેમ એક પછી એક જુદા જુદા ધર્મોના લોકોને મોતની આગોશમાં લઇ રહ્યો છે. જેમ શહેરની સ્મશાન ભૂમિઓમાં સતત ગેસની ભઠ્ઠીઓ ચાલુ રહેતા ચીમનીઓ ઓગળી રહી છે તેવી જ સ્થિતિ શહેરના કબ્રસ્તાનોમાં ( Cemetery) પણ જોવા મળી રહી છે. સામાન્ય રીતે એક વ્યકિત માટે એક કબર ખોદવા પાછળ 2 થી 3 કલાકનો સમય લાગે છે પરંતુ કોરોનાને કારણે મુસ્લિમ સમાજમાં પણ સરેરાશ રોજ 22 થી 25 મોત કોરોનાને કારણે થતાં હવે કબ્રસ્તાનમાં કબર ખોદતા મજૂરોને આરામ આપવા માટે કબર ખોદવા જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

એક્તા ટ્રસ્ટના અબ્દુલ મલબારીએ જણાવ્યું હતું કે 1 થી 13 એપ્રિલ સુધી શહેરના જુદા જુદા કબ્રસ્તાનોમાં કોવિડ-19 (COVID 19) ની ગાઇડલાઇન પ્રમાણે રોજ સરેરાશ 22 થી 24 લોકોને દફન કરવામાં આવ્યા છે. સરેરાશ 220 થી 240 જેટલા લોકોને મોરાભાગળ સહિત શહેરના જુદા જુદા કબ્રસ્તાનોમાં દફન કરવામાં આવ્યા છે. અને મૃત્યુઆંક કોરોનાને કારણે સતત વધી રહ્યો છે. પાલિકાએ જે ગાઇડલાઇન આપી છે તે મુજબ દફનવિધિ કરવામાં આવે છે. નવી સિવિલ હોસ્પિટલ ( CIVIL HOSPITAL ) અને સ્મીમેર હોસ્પિટલમાં ( SMMIMER HOSPITAL ) મુસ્લિમ સમાજના જે વ્યકિતના કોરોનાથી મોત થાય છે તેને ચુનારવાડ મસ્જિદ ટ્રસ્ટ સંચાલિત મોરાભાગળના મજાર નંબર 8 માં કબ્રસ્તાનમાં દફનાવવામાં આવે છે અહીં દફનવિધિની કામગીરી એક્તા ટ્રસ્ટને સોંપવામાં આવી છે.

મૃત્યુ આંક અચાનક વધી જતા મોરાભાગળ કબ્રસ્તાનમાં સંચાલક ઇબ્રાહિમ યુસુફ અસરફે કબર ખોદતા કામદારોને આરામ આપવા જેસીબી મશીનનો ઉપયોગ કર્યો હતો. એવી જ રીતે રાંદેરના ગોરેગરીબા કબ્રસ્તાનમાં પણ આજે જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોવિડ-19ની ગ્રાઇડલાઇન પ્રમાણે મોરાભાગળના કબ્રસ્તાનમાં 10 ફૂટ ઊંડી અને 7 ફૂટ પહોળી કબરો ખોદવામાં આવી હતી. 25 કબરો એડવાન્સમાં ખોદીને રાખવામાં આવી હતી. જે પુરી થતાં થાકેલા મજૂરોને આરામ આપવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રાંદેરના કબ્રસ્તાન સાથે સંકળાયેલા અયુબ યાકુબઅલીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે કબ્રસ્તાનમાં કબરો ખોદવા માટે 1 કે 2 વ્યકિત હોઇ છે. એક કબર ખોદવા માટે ખાસ્સો સમય લાગે છે. કુદરતી મોત ઉપરાંત કોરોનાને કારણે દફન માટે આવતી મૈયતની સંખ્યા વધતા ના છૂટકે કબર ખોદવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના 10 પૈકી હરીપુરા, રાંદેર અને મોરાભાગળનું કબ્રસ્તાન મોટુ છે જયારે કેટલાક નાના કબ્રસ્તાનમાં જગ્યા ઓછી પડતા એક જ કબરમાં જરૂર પડે ત્યારે વધુ મૃતદેહો દફન કરવાનું પણ આયોજન કરાયું છે.

Most Popular

To Top