Charchapatra

મોબાઇલ ફોન

સાંપ્રત સમયમાં મોટા ભાગનાં લોકોના હાથમાં, એટલે સુધી કે જાહેર રસ્તાઓ ઉપર રીતસર હાથ ફેલાવીને ભીખ માંગીને પેટના ખાડા પૂરતા અને લોકોના ઘરે વાસણ સાફ કરવા, કચરા પોતા કરીને ઘરકામ કરી આપતા કામવાળા ભાઇબેનોના હાથમાં પણ આજે મોબાઇલ ફોન લઇને હરતા ફરતા જોવા મળે છે. મોબાઇલ એ આજના સમયે જરૂરિયાત સાથે મનોરંજન પણ પૂરું પાડતું વીજળીક ઉપકરણ છે. લોકો સંપર્ક માટે શહેરમાં કે ગામડે રહેતાં અંગત અને દૂરનાં સગાં સંબંધીઓને મળવાનું કે, એમના સારા નરસા સંજોગો વખતે રૂબરૂ મળવા પાછળ સમયની બચત થાય છે એ સૌથી મોટો આધુનિક યુગનો આશીર્વાદ  છે. સંકટ સમયે પોલીસ અથવા ફાયર બ્રિગેડ કે સરકારની 108 ઇમરજન્સી સેવાનો પણ મોબાઇલ ફોનથી તરતજ સંપર્ક કરી શકાય છે. સ્માર્ટ (ચતુર) મોબાઇલ ફોનમાં સમાવેશ કરવામાં આવતી વિવિધ એપના ઇસ્ટોલેશન દ્વારા આપણે મનપસંદ તૈયાર ભોજન પાણીની અને ઘર બેઠા ઓલા/ઉબર જેવાં ખાનગી વાહનોની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જો કે સારું નરસું ઘણું બધું મોબાઇલ ફોનમાં છે. એવા સમયે આપણી સમજશક્તિ અને આંતરિક સૂઝબૂઝ થકી ઘરનાં બાળકોને અને આપણી રસ રુચિ હોય એ પ્રમાણે મોબાઇલ ફોનનો ઉપયોગ અને અપડેટ્સ કરવાની રહે છે.
સુરત       – પંકજ શાં. મહેતા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શાકાહાર – માંસાહાર: માનસિક પ્રકૃતિ….
રવિવારીય – પૂર્તિમાં ‘જીવનસરિતાના તીરે’ કોલમમાંથી દિનેશ પાંચાલે એક પ્રસંગ વર્ણવ્યો, અન્ન તેવા ઓડકાર, ખોરાક તેવા સંસ્કારની વાતો દોહરાવી છે. ‘શરતો-લાગુ’ ફિલ્મની હિરોઇન સંપૂર્ણ શાકાહારી હોવાથી માંસાહારીઓ પ્રત્યે સખત નફરત ધરાવે છે. તેણીને એક મુરતિયો જોવા માટે આવે છે. તેણીએ તેની સામે શરત મૂકી કે હું બે મહિના તારી સાથે રહું, પરંતુ મને અનુકૂળ આવે તો જ લગ્ન કરીશ. આ બાબતે વધુ લખવા પ્રેરાયો છું. શાકાહારી – માંસાહાર એ, માણસની માનસિક પ્રકૃતિનું પરિણામ છે. કેમકે શાકાહારી વ્યકિત સાત્ત્વિક ઉચ્ચ વિચાર ધારાવાળો હોય છે, જયારે માંસાહારી વ્યકિત ઝનૂની, તામસી – સ્વભાવવાળો હોય છે, શાકાહારી -માંસાહારી કરતાં આજના ભ્રષ્ટાચારી યુગમાં કોઇ કામ પતાવી આપવા માટે પૈસા ખાનારો લાંચાહારી વધુ ખતરનાક હોય છે.

હિંસક પ્રાણીઓની તો શિકાર કરવાની વૃત્તિ હોય છે. જયારે માણસ જાત વધુ હિંસક છે, કેમકે મરઘી – બકરી, માછલી જેવા નાના જીવોની કતલ કરીને પોતાના પેટને હરતી – ફરતી કબર બનાવી દીધી છે. વન્ય પ્રાણીઓ જેવાં કે વાઘ, સિંહ, દીપડા, હાથી જો માણસને જીવતો ફાડી નાંખે તો ગુનો નથી બનતો. પરંતુ માણસ જો હિંસક પ્રાણીનો શિકાર કરે તો ગુનો બને છે. ખીચડી ખાનારો પાંચ ખૂન કરી શકે. માંસ ખાનારો મહાત્મા ગાંધી પણ બની શકે છે. માણસે પોતાની લુચ્ચાઇ ટકાવી રાખવા કદી શિયાળનું માંસ ખાવાની જરૂર પડતી નથી. અંતમાં જેવો આહાર તેવો વિચાર તે વાત સનાતન સત્ય છે.
તરસાડા  – પ્રવીણસિંહ મહીડા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top