SURAT

જ્યારે અંગ્રેજોએ સુરતના 16 વર્ષના છોકરાની છાતીમાં ગોળીઓ ધરબી

સુરત: આજે 30 જાન્યુઆરી એટલે મહાત્મા ગાંધીનો નિર્વાણ (Mahatama Gandhi Nirvan Day) દિવસ. આ દિવસને સમગ્ર દેશમાં ‘શહીદ દિવસ’ (Martyrs Day) તરીકે મનાવવામાં આવે છે, ત્યારે દેશમાં સૌથી નાની ઉંમરમાં શહીદ થનારા દેશભક્ત અને ગાંધીજીના વિચારોને અનુસરતાં સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ યાદ કરવું જરૂરી છે. આ વાત બહુ ઓછા લોકોને ખબર હશે કે, અંગ્રેજો સામે ચળવળ ચલાવીને શહિદ થયેલા લોકોમાં સૌથી નાની ઉંમરના શહિદ મૂળ સુરતી હતા. મૂળ સુરતના મહિધરાપુરાના રહેવાસી અને બ્રહ્મ સમાજના શિરીષકુમાર પુષ્પેન્દ્રરાય મહેતાએ 9 સપ્ટેમ્બર 1942ના રોજ નિડરતાથી અંગ્રેજોની ગોળીઓનો સામનો કરતાં કરતાં તેઓ શહિદ થઇ ગયા તે સમયે તેમની ઉંમર માત્ર 16 વર્ષની હતી.

  • આજે દેશના ‘રાષ્ટ્રપિતા’ મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ સાથે જ શહીદ દિવસ
  • દેશમાં સૌથી નાની ઉંમરે અંગ્રેજોના હાથે શહિદ થનાર મૂળ સુરતી કિશોર હતો
  • જ્યારે અંગ્રેજોએ ચોકમાં શિરિષકુમાર મહેતાની છાતીમાં ગોળી ધરબી ત્યારે તેમની ઉંમર માત્ર 16 વર્ષ હતી
  • મૂળ મહિધરપુરાના શિરિષકુમાર મહેતાને ગોળીએ દેવાયા ત્યારે તેમના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો

દેશના સો ચાઈલ્ડ વન્ડર્સમાં સમાવિષ્ટ શિરીષ કુમાર જે દિવસે તે શહીદ થયા એ દિવસે પણ તેમને નાનીમાને લાડુ બનાવવામાં મદદ કરી હતી. 28 ડિસેમ્બર 1926ના રોજ જન્મેલા શિરીષ કુમારના પિતા પુષ્પેન્દ્રરાય મહેતા અને માતા સવિતાગૌરી મહેતાની સહિત સમગ્ર મહેતા વાડો સ્વાતંત્ર્યની ચળવળમાં ઉત્સાહપુર્વક ભાગ લેતો હતો.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા શિરીષ કુમારના ભત્રીજા નિતીનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, શહિદ શિરીષકુમારના પિતા પુષ્પેન્દ્રરાય મહેતા સુરતના મહિધરાપુરામાં રહેતા હતા જરીના પાવઠાનો વ્યવસાય કરતા હતા. ત્યાર બાદ તેમણે વર્ષ 1902માં સુરત છોડી મહારાષ્ટ્રના નંદુરબારને તેમની કર્મભૂમિ બનાવી હતી ‘પુષ્પેન્દ્રરાય નંદુરબારમાં મહેતા એન્ડ સન્સ નામનો ફોટો સ્ટુડિયો અને ગવર્નમેન્ટના કોન્ટ્રાક્ટ લઈને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ‘ભારત છોડો ચળવળ’ દરમિયાન જ મારા કાકાને એક હાથમાં ગોળી વાગી ત્યારે તેમના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો. જેને તેમણે વંદે માતરમ અને ભારત માતા કી જયનો નારો લગાવીને બીજા હાથમાં લીધો. ત્યારે જ તેમના બીજા હાથ પર પણ ગોળી મારવામાં આવી અને સૌથી છેલ્લી એક ગોળી છાતી પર મારવામાં આવી હતી.’

કેવી રીતે શહીદ થયા?
9 સપ્ટેમ્બર 1942ના રોજ ધો.8માં ભણતા શિરીષ કુમાર શાળાના વિદ્યાર્થી મિત્રો સાથે પ્રભાત ફેરીમાં હાથમાં ઝંડો લઈને ભારત માતાનો જયઘોષ કરતા હતા. તે સમયે ચોકમાં ઉપસ્થિત અંગ્રેજોએ લોકોને છૂટા પાડવાના પ્રયત્નો કર્યા, પણ જ્યારે તેઓ અસફળ રહ્યા ત્યારે મહિલાઓ સાથે ખરાબ વર્તન કર્યુ. તેનો શિરીષ કુમારે વિરોધ કર્યો અને ત્યારે જ એક અંગ્રેજ અધિકારીએ શિરીષ કુમાર પર ગોળીઓ વરસાવી હતી.

Most Popular

To Top