મો. રફીના ગીતો ગાતા વૃદ્ધની કોરોના બાદ ગયેલી યાદશક્તિ રફીના ગીતો સાંભળીને પરત આવી!

રાજકોટ: (Rajkot) અહીં સંગીત પ્રત્યેના પ્રેમનો ખૂબજ સરસ કિસ્સો સામે આવ્યો છે. કહેવાય છે કે સંગીત અનેક દર્દની દવા છે. આવું જ કઈંક રાજકોટમાં પણ એક વૃદ્ધ (Oldage) સાથે બન્યું. ૮૦ વર્ષના તુલસીદાસ સોની ૬૦ વર્ષ સુધી અજમેર સહિત અનેક સ્થળોએ સ્ટેજ પર મો. રફીના (Mo.Rafi) ગીતો (Songs) ગાતા હતાં. રફી પ્રત્યે તેમને ખૂબજ પ્રેમ હતો. પરંતુ કોરોનાકાળમાં તેઓ પણ આ રોગથી બાકાત ન રહ્યાં અને તેમને પણ કોરોના થયો. યાદશક્તિ (Memory) જતી રહી. પરંતુ પરિવારના સભ્યોએ જે અદ્ભભૂત પ્રયત્નો કર્યા તેનાંથી તેમની યાદશક્તિ પાછી આવી ગઈ. ખરેખર ભાવુક કરી દે તેવો આ રાજકોટનો કિસ્સો છે.

અજમેરના મહોમદ રફી તરીકે જાણીતા ૮૦ વર્ષના તુલસીદાસ સોની ૬૦ વર્ષ સુધી અજમેર સહિત અનેક સ્થળોએ સ્ટેજ પર રફીના ગીત ગાઈ લોકોને મનોરંજન પૂરું પાડતા હતા. હાલ રાજકોટ રહેતા તુલસીદાસને તા. ૧૫ એપ્રિલના કોરોનાની (Corona) ગંભીર અસર થઈ, ફેફસા ૫૦ ટકા ડેમેજ થઈ ગયેલા. આ દરમ્યાન એક દિવસ તેઓ બેભાન થઈ ગયેલા. તેઓ જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તેઓની સ્મૃતિ જતી રહી હતી. પરિવારજનોને પણ ઓળખી શકતા નહીં. આ સંજોગોમાં તેમની સ્મૃતિ પરત લાવવા તેમની પુત્રી ભાનુબેન જોગિયાએ તેમના ગીત પ્રત્યેના લગાવનો ઉપયોગ કર્યો.

તેઓને યુ-ટ્યુબમાંથી રફીનું ગીત સંભળાવી પૂછતાં કે આ ગીત યાદ છે, અને તેઓ એ ગીત ઓળખી બતાવે, માત્ર એટલું જ નહીં ગીત ગાઈ પણ સંભળાવે. બસ પછી તો તેમના પરિવારજનોને સમજાઈ ગયું કે તેમને સંગીતના માધ્યમથી સાજા કરી શકાય તેમ છે. પુત્રી ભાવનાબેન રોજ રફીના ગીત સંભળાવે અને ગીત તેમની પાસે ગવડાવે. ધીરે ધીરે તેમના પપ્પા તુલસીદાસ પરિવારજનોને ઓળખતા થયા. હાલ તેમની તમામ સ્મૃતિ પાછી આવી ગયાનું ભાવનાબેન જણાવે છે.

તુલસીદાસની સ્મૃતિ મ્યુઝિકના કારણે પાછી આવી તેવું તેમના પરિવારજનો માને છે. જેનું એક અન્ય ઉદાહરણ આપતા ભાવનાબેન કહે છે કે, મારો પુત્ર ધ્રુવ જ્યારે ત્રણ વર્ષનો હતો ત્યારે મગજમાં તાવ ચડી જવાના કારણે તેની બોલવાની શક્તિ જતી રહેલી. ત્યારે તેમના દાદા તુલસીદાસે મ્યુઝિક થેરાપી આપી હતી. ત્રણ વર્ષ સુધીની મહેનત બાદ ધ્રુવ બોલતા અને ગાતા શીખી ગયેલો. પરિવારના મોટાભાગના સભ્યો મ્યુઝિક સાથેનો નાતો ધરાવે છે.

Related Posts