Sports

ન્યુઝીલેન્ડ સામે હાર બાદ ભારતીય ટીમનો દિગ્ગજ ક્રિકેટરે ઉડાવ્યો મજાક, કહ્યું…

નવી દિલ્હી: T-20 વર્લ્ડકપમાં (T20 WorldCup) ખરાબ પ્રદર્શન બાદ તા. 25મી નવેમ્બરે એડિલેડમાં રમાયેલી પહેલી વન-ડે મેચમાં 306નો વિશાળ સ્કોર બનાવ્યા બાદ પણ કંગાળ બોલિંગના લીધે હારી ગયેલી ભારતીય ક્રિકેટ ટીમનો (Indian Cricket Team) હવે મજાક ઉડવા લાગ્યો છે. ચારેતરફથી ટીકા ટીપ્પણીઓ થવા માંડી છે. ક્રિકેટ દિગ્ગજો ભારતીય ટીમને હવે જૂની પદ્ધતિથી રમતી ટીમ ગણાવી રહી છે. ભારતીય ટીમ સમય સાથે પોતાનું ક્રિકેટ બદલી નહીં શકી હોવાના મ્હેંણા પણ મારવામાં આવી રહ્યાં છે.

ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડે મેચમાં 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલી બેટિંગ કરતા 306 રનનો સ્કોર બનાવ્યો હતો, પરંતુ ભારતીય બોલરો યજમાન ટીમ ન્યુઝીલેન્ડના બેટ્સમેનો સામે લાચાર દેખાતા હતા. પરિણામ એ આવ્યું કે કેન વિલિયમસન અને ટોમ લાથમે અણનમ બેવડી સદીની ભાગીદારી નોંધાવીને કીવીઓને શાનદાર જીત અપાવી હતી. પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે (Wasim Jaffer) ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી. આ સાથે જ તેણે ભારતીય ટીમમાં માત્ર પાંચ બોલરોના રમવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

માત્ર પાંચ બોલર રમાડવા ભારતની ભૂલ હતી: વસીમ જાફર
વસીમ જાફરે ટ્વીટર પર લખ્યું, ‘ન્યૂઝીલેન્ડે સારું પ્રદર્શન કર્યું અને 300 રનનો ટાર્ગેટ 270નો જ હોય એવી સરળતાથી બનાવી લીધો. વિલિયમસન હંમેશની જેમ ક્લાસિક હતો પરંતુ લાથમે ભારતના હાથમાંથી મેચ છીનવી લીધી હતી. ઓપનિંગ બેટ્સમેન માટે ક્રમમાં નીચે આવવું અને તેમ છતાં સફળ થવું સરળ નથી. માત્ર 5 બોલર રમાડીને ભારતે ભૂલ કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે, પ્રથમ વનડેમાં ભારતે પ્લેઈંગ-11માં દીપક હુડાને તક આપી ન હતી, જે બોલિંગ કરવામાં સક્ષમ છે.

ભારતીય થિંક જૂના જમાનાની છે : માઈકલ વોન
વસીમ જાફરના ટ્વિટ બાદ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનને (Michael Vaughan) ભારતીય ટીમ પર હુમલો કરવાની તક મળી ગઈ. વોને ભારતીય થિંક ટેન્કને જૂના જમાનાની ગણાવી હતી. વોને જાફરને જવાબ આપતા કહ્યું, ‘ન્યૂઝીલેન્ડ એક આધુનિક ODI ટીમ છે. જો 7 નથી, તો તમારે બોલિંગ માટે ઓછામાં ઓછા 6 વિકલ્પોની જરૂર છે.

વર્લ્ડ કપમાં ભારત હાર્યું ત્યાર બાદ પણ વોને મજાક ઉડાવી હતી
તાજેતરના T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ હાર્યા બાદ પણ વોને મેન ઇન બ્લુની મજાક ઉડાવી હતી. વોને ભારતને ઈતિહાસની સૌથી ખરાબ પ્રદર્શન કરનારી સફેદ બોલ ટીમ ગણાવી હતી. વોને કહ્યું હતું કે, ‘ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા જનાર દરેક ખેલાડી કહે છે કે તેનાથી તેમની રમતમાં કેટલો સુધારો થયો છે, પરંતુ ભારતે તેનાથી શું મેળવ્યું છે? 2011માં ઘરની ધરતી પર 50 ઓવરનો વર્લ્ડ કપ જીત્યા પછી તેણે શું કર્યું? કશું જ નહીં! ભારત એ જ જૂની સ્ટાઈલની ક્રિકેટ સફેદ બોલમાં રમી રહ્યું છે જે તે વર્ષોથી રમે છે.

Most Popular

To Top