SURAT

સુરત: મીશોની સાઇટ પરથી મંગાવેલો આ ડ્રેસ 80000માં પડ્યો

સુરત: મીશોની (Meesho) ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પરથી પુત્રી માટે ખરીદેલા ડ્રેસના (Dress) રૂપિયા રિટર્ન મેળવવા જતાં ભેજાબાજે પ્લે સ્ટોર (Play Store) પરથી એપ્લિકેશન (Application) ડાઉનલોડ કરાવી મોબાઇલ હેક કરી રૂ.80,520 ઉપાડી લીધાની ફરિયાદ સચિન જીઆઇડીસી પોલીસમાં (Police) નોંધાઈ છે. ઉનના વેપારી સાથે આ છેતરપિંડીની ઘટના બનતાં પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ઉન પાટિયા પાસે રહેતા શબ્બીર અહમદ સૈયદે ઓગસ્ટ મહિનામાં મીશોની ઓન લાઇન શોપિંગ વેબસાઇટ પરથી ડ્રેસ મંગાવ્યો હતો. પોતાની દીકરી માટે આ ડ્રેસ મંગાવ્યો હતો પરંતુ તે ટૂંકો પડ્યો હતો, તેથી તેઓએ ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો હતો. કોલ રિસીવ કરનારે જણાવ્યું કે, તેઓ રિટર્ન માલ સ્વીકારતા નથી. પરંતુ જો તેઓ ગૂગલ પ્લે પર એપ્લિકેશન ડાઉનલોડ કરશે તો તેઓને કદાચ નાણાં પરત મળી શકે છે. આ વાતમાં આવીને શબ્બીરે ગૂગલમાંથી એપ્લિકેશન ડાઉન લોડ કરી તેની લિંક સામે બેસેલા ચીટરને મોકલી હતી. આ એપ્લિકેશનમાં બેંકની તમામ વિગતો હોવાને કારણે ગણતરીની મીનિટોમાં 80520 રૂપિયા ઊંચકાઇ ગયા હતા. દરમિયાન શબ્બીરે રૂપિયા ઉપાડી લેનારને ફરીથી ફોન કર્યો હતો પરંતુ તેણે પોતાનું એકાઉન્ટ સીઝ થયું છે અને તે ખોલવા બદલ અવેજમાં 15000ની માંગણી કરી હતી. તે પણ શબ્બીર દ્વારા ચૂકવવામાં આવ્યા હતા. બાદ સામે બેસેલા ચીટરે ફોન નહીં ઊંચકતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હોવાની વિગત જાણવા મળી છે.

હવે ઓટીપી નહી, એની ડેસ્ક જેવી એપ્લિકેશનથી થઇ રહ્યા છે ફ્રોડ
વલસાડ : વલસાડમાં સાઇબર ફ્રોડના અનેક બનવો બનતા રહ્યા છે. જેમાં સાઇબર ફ્રોડ વિવિધ પ્રકારની વેબસાઇટ થકી પોતાના નંબર હેલ્પલાઇન તરીકે મુકી દેતાં હોય છે. આવી જ રીતે કપડાની વેબસાઇટ મન્ત્રાના હેલ્પ લાઇન નંબર તરીકે પોતાનો નંબર મુકી દેતાં વલસાડનો યુવાન તેની જાળમાં ફસાયો અને છેતરાઇ ગયો હતો. વલસાડના યુવાને મન્ત્રા વેબસાઇટ પરથી પર્ફ્યુમનો ઓર્ડર આપ્યો હતો. જેમાં કોઇ ભૂલ થતાં તેણે તેમના હેલ્પ લાઇન નંબર માટે ગુગલ સર્ચ કર્યું. જેમાં પ્રથમ તો મન્ત્રાનો ઓફિસિયલ નંબર આવ્યો હતો, પરંતુ એ નહીં લાગતા તેની સાથે આવેલા અન્ય નંબર પર તેણે ફોન લગાવ્યો હતો. જે સીધો સાઇબર ફ્રોડને લાગ્યો હતો. ત્યારે સાઇબર ફ્રોડે તેમને એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવ્યું અને તેની બેંક ડિટેઇલ લઇ તેના ખાતામાંથી રૂ. 2900 ઉપાડી લીધા હતા. સદનસીબે તેના ખાતામાં ઓછું બેલેન્સ હતુ, જેના કારણે તેને મોટું નુકશાન થતું રહી ગયું હતુ. આ બનાવ બાદ તેને તુરંત છેતરાવાની જાણ થતાં તેણે સાઇબર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

છેતરપિંડી થાય તો તુરંત 1930 પર ફોન કરો
સાઇબર ફ્રોડના ગુનામાં છેતરપિંડીના ગણતરીના કલાકોમાં છેતરપિંડી થાય તો સાઇબર હેલ્પલાઇન 1930 પર તુરંત કોલ કરવો જોઇએ. તો ગુમાવેલા પૈસા પરત મેળવવાની શક્યતા રહેતી હોય છે. જેના માટે વલસાડ પોલીસ પણ સતત જાહેરાત કરતી રહે છે.

Most Popular

To Top