મેડિકલ સાયન્સ, એનિમલ ટેસ્ટિંગ, જિનેટિક્સ અને માણસના લોભનાં પેચીદાં સમીકરણો

યા અઠવાડિયે USAના ડેવિડ બેનેટની તસવીરો અને તેને લગતા સમાચાર પર લોકોએ  નજર રાખી. તેના શરીરમાં જીનેટિકલી મૉડિફાઇડ ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.  બેનેટના સ્વાસ્થ્યની અપડેટ અંગે મેડિકલ સાયન્સ ઉપરાંત આમ લોકોને પણ ઉત્સુકતા રહે તે સ્વાભાવિક છે. હાલમાં તેની સ્થિતિ પર USAના ડૉક્ટર્સ બહુ નજીકથી નજર રાખી રહ્યાં છે. આ તો ૨૦૨૨ની વાત છે. પણ ૧૯૯૭માં બે સર્જનને એક ભારતીય દર્દી પર આવો જ અખતરો કરવા બદલ જેલની સજા થઇ હતી. એ કિસ્સાની વિગતો ફરી ક્યારેક. જોકે અહીં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની વાત નહોતી છતાં ય એક સમયે જે અખતરો હતો તે આજે વિજ્ઞાનનો એક લગભગ સફળ પ્રયોગ બની ચૂક્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જો આ સર્જરીનું પરિણામ સ્થિર અને સફળ રહ્યું તો માનવ અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવાને મામલે જે અછત વેઠવી પડે છે તેમાં બહુ મોટો ફાયદો થશે.

મૂળે જે ડુક્કરને જોઇને આપણાં ભવાં ચઢે, સૂગ ચઢે તેમનાં અવયવો જો માણસના શરીરમાં યોગ્ય કામ આપશે તો માણસને તેનોય વાંધો નહીં હોય. આપણે પ્રાણીઓ પર થતાં પ્રયોગોની જાતભાતની વાતો સાંભળી છે. એક રિપોર્ટ અનુસાર  માણસોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટને મામલે ડુક્કરોની ઉમેદવારી મજબૂત બની રહી છે.  મનુષ્ય અને ડુક્કરનાં અંગોમાં ઘણી સમાનતા હોય છે અને ડુક્કરનાં અવયવો તથા જનીન જિનેટિક એન્જિનિયરિંગને વધારે સારો પ્રતિભાવ આપે છે.  છેલ્લાં ઘણાં વર્ષોથી મેડિકલ રિસર્ચને મામલે ડુક્કરોનો બહોળો ઉપયોગ થાય છે. આપણને ગમે કે ન ગમે વાસ્તવિકતા એ છે કે માણસ પોતાનો જીવ બચાવવા કોઇ પણ હદે જઇ શકે છે – હા આ વિજ્ઞાનના વિકાસની વાત પણ છે અને તેને કોઇ નકારતું પણ નથી.

પરંતુ પ્રાણીઓને ‘ગ્રાન્ટેડ’ લેવામાં માણસ જાતનું રૂંવાડું પણ ફરકે તેમ નથી. પ્રાણીઓના અંગોનો માણસના શરીર માટે ઉપયોગ કરવાના વિજ્ઞાનને ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન કહે છે. વિશેષજ્ઞો ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન તરફ વળ્યાં છે કારણે ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે માણસનાં જ અંગો મળવા મુશ્કેલ બને છે. જેમ કે ભારતમાં વર્ષે અંદાજે 30000 દર્દીઓને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની અનિવાર્યતા હોય છે પણ માંડ 1500 જેટલાને લીવર મળી શકે છે. વર્ષે 50000 હાર્ટ ફેલનો શિકાર બને છે પણ છતાંય વર્ષે માંડ 10-15 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પાર પડે છે. માણસના શરીરમાં કંઇ પણ બીજું જાય જેને અંગ્રેજીમાં ફોરેન બૉડી કહેવાય તો તેને અનુકૂલન સાધતાં સમય લાગે પણ ઝેનોટ્રાન્સપ્લાન્ટેશનમાં તબીબી વિશેષજ્ઞો પાસે જનીન તંત્રમાં ફેરફાર કરવાની શક્યતાઓ બચે છે.

માણસો પોતાની જાત બચાવવા માટે પ્રાણીઓ પર આધાર રાખતાં આવ્યાં છે. 80ના દાયકા સુધી ટાઇપ I ડાયાબિટીસના દર્દીઓના શરીરમાં બ્લડ ગ્લુકોઝ લેવલ પ્રમાણમાં રાખવા  પ્રાણીઓના ઇન્સ્યુલિનનો આધાર લેવાતો હતો. હાલમાં તો માણસનું ઇન્સ્યુલિન પણ બજારમાં મળે છે પણ તે ઉપરાંત ડુક્કર અને ગાયના પેનક્રિયાસમાંથી હોર્મોન લઇને માણસો માટે ઇન્સ્યુલિન બનતું આવ્યું છે. ડુક્કરમાં ઇન્સ્યુલિન બનાવતા ઇસ્લેટ સેલ્સને જો માણસમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય તો ઇન્સ્યુલિન શોટ્સની જરૂરિયાત ઘટે જેના પર વૈજ્ઞાનિકો કામ કરી રહ્યાં છે.

માણસોનો સ્વાર્થ સાધવા પ્રાણીઓ પર થતાં પ્રયોગો જૂની વાત છે પરંતુ તે માટે પ્રાણીઓ સાથે થતી ક્રૂરતા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. જેમ કે બીગલ બ્રીડના કૂતરા પર થતાં પ્રયોગો એવા આકરા હોય છે કે ઘરડા થયા પછી લેબમાંથી છૂટેલાં બીગલ્સમાં ડરની લાગણી વણાયેલી હોય છે. આજકાલ આવા છોડાવાયેલા બીગલ્સ જેને ફ્રીગલ્સ કહે છે તેને દત્તક લેનારાની સંખ્યા વધી છે પણ તેમને માણસો સાથે ગોઠવાતાં વાર લાગે છે કારણ કે તેમને એકલા રહેવાની ટેવ પડી ગઇ હોય છે. એનિમલ ટેસ્ટિંગનો ધંધો બહુ વિશાળ છે. ચીન, જાપાન અને USAમાં સૌથી વધુ એનિમલ ટેસ્ટિંગ થાય છે. USAમાં વર્ષે  અંદાજે 100 મિલિયન જેટલાં જુદાં જુદાં પ્રાણીઓ પર પ્રયોગો થાય છે અને તેનો કોઇ સ્પષ્ટ આંકડો તો છે જ નહીં. વિદેશમાં હાઇસ્કૂલ્સમાં શિક્ષણમાં પ્રાણીઓનો ઉપયોગ થાય છે. કોકેમિકલ હાઉસહોલ્ડ કોસ્મેટિક ટેસ્ટિંગમાં પણ પ્રાણીઓ વપરાય છે.

ડ્રગ અને વેક્સિન ડેવલપમેન્ટમાં પણ પ્રાણીઓનો ભોગ લેવાય છે તો થોડાં વર્ષો પહેલાંના ફેરફાર અનુસાર ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને હવે પોતાના ડ્રગ અને વેક્સિનનો બે અલગ અલગ પ્રજાતિઓ પર ઉપયોગ કરવો પડશે અને પછી માણસોના ઉપયોગ માટે તે લાયક છે કે નહીં તે નક્કી કરવાનું રહેશે. વળી એક રિપોર્ટ અનુસાર પ્રાણીઓ પર કારગત નિવડેલા વેક્સિન અને ડ્રગ્ઝ માણસો પર નિષ્ફળ જવાના કિસ્સા પણ ઘણા છે તો પછી શા માટે પ્રાણીઓ પરના આ અખતરા ચાલુ રાખવા જોઇએ?

આ તો હજી વાત માંડી છે પણ ખોરાક માટેથી લઇને દંતશૂળ અને ટાઇગર ટોનિક જેવા ફિતૂર માટે જાતભાતનાં પ્રાણીઓનો ભોગ લેવાયા કરે છે. સંતુલનની વાતો કરતી થયેલી ‘Woke’ (જાગૃત) જનતાને પ્રાણીઓના શોષણની પાતાળ લોક જેવી દુનિયાની સપાટી વિશે જ કલ્પના હશે.  પાળેલાં કે રસ્તે રખડતાં પ્રાણીઓ સાથેના અત્યાચારનો મુદ્દો એનિમલ ટેસ્ટિંગ કરતાં સાવ જુદો છે પણ અંતે વાત તો ક્રૂરતાની જ છે. અવયવ મેળવવાની રાહમાં ગુજરી જનારાઓની સંખ્યા પણ મોટી છે. પ્રાણીઓ પર થતા પ્રયોગો માણસ જાતને બચાવી શકે છે તે વિજ્ઞાન સાબિત કરી રહ્યું છે પણ આપણને એ સવાલ પણ થવો જોઇએ કે આપણે કેટલી હદો પાર કરવી જોઇએ?

બાય ધ વેઃ
આ તો પ્રાણીઓના શોષણની વાત થઇ પણ આપણા સમાજમાં જે આર્થિક ખાઇ છે તેને પગલે વંચિત માણસોને પૈસા આપી તેમની પર વેક્સિન અને ડ્રગ્ઝના પ્રયોગો પણ થતા આવ્યા છે. વળી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના ખેલમાં સાજા દર્દીઓની કિડની જેવાં અંગો ચોરાઇ જવાના કિસ્સાથી આપણે અજાણ નથી. એ નૈતિક ભ્રષ્ટતા કોઇ બીજા જ સ્તરની છે. જાણીતા લેખક મંજુલા પદ્મનાભનનું એક નાટક છે ‘હાર્વેસ્ટ’–જેમાં અમેરિકાના ધનિકો ભારતના–ત્રીજા વિશ્વના લોકોના મ્હોં પર પૈસા ફેંકી તેમના શરીરનાં અંગો ખરીદે છે. એમાં માણસની લાલચ, વરવા સંજોગો  તેને કઇ હદે લઇ જાય છે તેનું તેમાં બખૂબી વર્ણન છે. આ તમામ વાતો ડુંગળીનાં સ્તર જેવી છે, ઉતરતાં જશે પણ પૂરાં નહીં થાય.

Most Popular

To Top