World

એટલાન્ટિક મહાસાગરમાં હંતાવાયરસનો ખતરો

3 લોકોના મોત થયેલા ક્રૂઝ શિપમાં 2 ભારતીય ક્રૂ મેમ્બર પણ સવાર

MV Hondius ક્રૂઝમાં ફેલાયો દુર્લભ વાયરસ, WHO એલર્ટ મોડમાં; 8 લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું
અટલાન્ટિક મહાસાગરમાં ડચ કંપની દ્વારા સંચાલિત લક્ઝરી ક્રૂઝ શિપ ‘MV Hondius’ પર ફેલાયેલા દુર્લભ અને જીવલેણ હંતાવાયરસને લઈને સમગ્ર વિશ્વમાં ચિંતા વધી રહી છે. આ ક્રૂઝ શિપ પર અત્યાર સુધી ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે કુલ 8 લોકોમાં વાયરસના સંક્રમણની પુષ્ટિ અથવા શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે આ જહાજ પર બે ભારતીય ક્રૂ મેમ્બર પણ સવાર હોવાનું સામે આવ્યું છે.

ડચ પોલર ટ્રાવેલ કંપની ‘ઓશનવાઇડ એક્સપેડિશન્સ’ દ્વારા સંચાલિત આ ક્રૂઝ 1 એપ્રિલે આર્જેન્ટિનાના દક્ષિણ છેડેથી રવાના થયું હતું. જહાજમાં કુલ 149 લોકો સવાર હતા, જેમાં પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સ બંનેનો સમાવેશ થાય છે. કંપનીએ જાહેર કરેલી માહિતી મુજબ, ક્રૂમાં ફિલિપાઇન્સ, યુક્રેન, નેધરલેન્ડ, પોલેન્ડ સહિત અનેક દેશોના લોકો હતા અને તેમાં બે ભારતીય નાગરિકો પણ સામેલ હતા. જોકે તેમની હાલત કે તેઓ સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા હતા કે નહીં તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

રિપોર્ટ અનુસાર, હંતાવાયરસનો આ પ્રકોપ શક્યતઃ આર્જેન્ટિનામાં યોજાયેલા બર્ડ વોચિંગ ટૂર દરમિયાન શરૂ થયો હતો. તપાસ એજન્સીઓનું માનવું છે કે એક ડચ દંપતી દ્વારા વાયરસ જહાજ સુધી પહોંચ્યો હોઈ શકે છે. શરૂઆતમાં બંનેમાં કોઈ ગંભીર લક્ષણો નહોતા, પરંતુ 11 એપ્રિલે એક મુસાફરનું જહાજ પર જ મોત થયું હતું. ત્યારબાદ તેની પત્નીની પણ તબિયત ખરાબ થતા દક્ષિણ આફ્રિકામાં સારવાર દરમિયાન મોત થયું હતું. 2 મેના રોજ એક જર્મન મુસાફરનું પણ મૃત્યુ થયું હતું.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જણાવ્યું છે કે જહાજમાં જોવા મળેલો Andes strainનો હંતાવાયરસ અત્યંત દુર્લભ છે અને કેટલાક કેસોમાં માણસથી માણસમાં પણ ફેલાઈ શકે છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે આ વાયરસ હવામાંથી સહેલાઈથી ફેલાતો નથી, પરંતુ ખૂબ નજીકના સંપર્કમાં આવવાથી સંક્રમણ થઈ શકે છે.હંતાવાયરસ મુખ્યત્વે ઉંદરના મૂત્ર, લાળ અથવા મળના સંપર્કથી ફેલાય છે. શરૂઆતમાં તેના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા હોય છે, જેમ કે તાવ, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો. પરંતુ બાદમાં ફેફસાં પર ગંભીર અસર થતાં સ્થિતિ જીવલેણ બની શકે છે. કેટલાક પ્રકારોમાં મૃત્યુદર 40 ટકા સુધી નોંધાયો છે.

હાલમાં ક્રૂઝ શિપને કેપ વર્ડેથી સ્પેનના કેનેરી આઇલેન્ડ તરફ લઈ જવામાં આવી રહ્યું છે. WHO અને વિવિધ દેશોની આરોગ્ય એજન્સીઓ સમગ્ર મામલે નજર રાખી રહી છે સંક્રમિત મુસાફરોના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.

Most Popular

To Top