India

​તમિલનાડુમાં રાજકીય ભૂકંપ

તમિલનાડુની રાજનીતિમાં અત્યારે અભૂતપૂર્વ ગરમાવો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર ‘થલાપતિ’ વિજયની નવી પાર્ટી ‘તમિલગા વેટ્ટરી કઝગમ’ (TVK) એ પ્રથમ ચૂંટણીમાં જ જોરદાર પ્રદર્શન કરીને સ્થાપિત પક્ષોના પાયા હચમચાવી દીધા છે. જોકે, સરકાર રચવાના આંકડાકીય જંગમાં પેચ ફસાતા વિજયના ધારાસભ્યોએ આરપારની લડાઈના સંકેત આપ્યા છે. TVKના તમામ 108 ધારાસભ્યોએ ચીમકી આપી છે કે જો ડીએમકે (DMK) અને એઆઈએડીએમકે (AIADMK) અનૈતિક રીતે હાથ મિલાવી સરકાર બનાવશે, તો તેઓ સામૂહિક રાજીનામું આપી દેશે.

શું છે આંકડાકીય માથાકૂટ?
​તાજેતરની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. ખાસ કરીને 234 બેઠકો ધરાવતી વિધાનસભામાં જાદુઈ આંકડો 118 છે. વિજયની પાર્ટી TVK 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. તેમને કોંગ્રેસના 5 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હોવાથી તેમનો આંકડો 113 પર પહોંચ્યો છે, પરંતુ સત્તા મેળવવા માટે હજુ પણ તેમને 5 ધારાસભ્યોની જરૂર છે. બીજી તરફ, રાજ્યપાલ આર.એન. રવિએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી 118 ધારાસભ્યોની સહીવાળી યાદી રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ સરકાર બનાવવાનું આમંત્રણ આપશે નહીં.

કટ્ટર હરીફોના ગઠબંધનની ચર્ચાએ જગાવ્યો વિવાદ
​રાજકીય વર્તુળોમાં વહેતી થયેલી અટકળો મુજબ, વિજયને સત્તાથી દૂર રાખવા માટે તમિલનાડુના બે પરંપરાગત પ્રતિસ્પર્ધીઓ DMK અને AIADMK ગુપ્ત સમજૂતી કરી શકે છે. જો આ બંને પક્ષો ટેકો જાહેર કરે તો વિજયનો મુખ્યમંત્રી બનવાનો રસ્તો રોકાઈ શકે છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ TVK છાવણીમાં રોષ ફાટી નીકળ્યો છે. વિજયના ધારાસભ્યોનું કહેવું છે કે, “આ જનતાના જનાદેશ સાથે ગંભીર છેતરપિંડી છે. લોકોએ પરિવર્તન માટે વિજયને મત આપ્યા છે, નહીં કે જૂના ભ્રષ્ટ પક્ષોને ફરી સત્તામાં લાવવા.”

થલાપતિ’ વિજયની રણનીતિ
​વિજયે પોતાની પાર્ટી TVK (તમિલગા વેટ્ટરી કઝગમ) ની સ્થાપના જ દ્રવિડિયન રાજનીતિના વિકલ્પ તરીકે કરી હતી. તેમણે ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને તમિલ રાષ્ટ્રવાદના મુદ્દે ચૂંટણી લડી હતી. અત્યારે વિજય પોતે મેદાનમાં છે અને VCK (વિડુથલાઈ ચિરુથાઈગલ કાચી) તથા અન્ય ડાબેરી પક્ષોના નાના જૂથો સાથે સતત સંપર્કમાં છે. વિજયે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સત્તા માટે કોઈ પણ પ્રકારની ખોટી બાંધછોડ કરશે નહીં.

સામૂહિક રાજીનામાની ચીમકી પાછળનું કારણ
​જો 108 ધારાસભ્યો સામૂહિક રાજીનામું આપે તો રાજ્યમાં બંધારણીય કટોકટી સર્જાઈ શકે છે. આ પગલાથી વિધાનસભાનું અસ્તિત્વ જોખમમાં મુકાશે અને ચૂંટણી પંચે ફરીથી પેટાચૂંટણી અથવા સામાન્ય ચૂંટણીઓ યોજવાની ફરજ પડી શકે છે. વિજયના સમર્થકો માને છે કે જો ફરી ચૂંટણી થાય તો વિજયને ‘વિકટિમ કાર્ડ’ (અન્યાય થયો હોવાની લાગણી) નો લાભ મળશે અને તેઓ પૂર્ણ બહુમતી સાથે પાછા ફરશે.


તમિલનાડુમાં હવે પછીની થોડી કલાકો અત્યંત નિર્ણાયક છે. : એક તરફ રાજ્યપાલનો નિર્ણય અને બીજી તરફ વિરોધ પક્ષોની ગોઠવણ વચ્ચે વિજયના 108 સૈનિકોએ રાજીનામાનું હથિયાર ઉગામ્યું છે. જો DMK-AIADMK ગઠબંધન સાકાર થાય છે, તો તમિલનાડુમાં લોકશાહીનો મોટો સંઘર્ષ જોવા મળશે, જેની સીધી અસર આવનારી રાષ્ટ્રીય રાજનીતિ પર પણ પડી શકે છે. અત્યારે તો આખા તમિલનાડુની નજર ચેન્નાઈના રાજભવન અને વિજયના નિવાસસ્થાન પર ટકેલી છે.

Most Popular

To Top