India

નાસિક TCS કાંડ

25 દિવસથી ફરાર નિદા ખાન આખરે ઝડપાઈ, SITની તપાસમાં મોટા ખુલાસાની શક્યતા:યૌન શોષણ અને ધર્માંતરણના આરોપોમાં પોલીસની મોટી કાર્યવાહી, છત્રપતિ સંભાજીનગરથી ધરપકડ

મહારાષ્ટ્રના નાસિકમાં ચર્ચાસ્પદ બનેલા TCS BPO કાંડમાં મુખ્ય આરોપી નિદા ખાનની આખરે ધરપકડ કરવામાં આવી છે. લગભગ 25 દિવસથી પોલીસને ચકમો આપતી નિદા ખાનને છત્રપતિ સંભાજીનગરમાંથી ઝડપી લેવામાં આવી હતી. નાસિક પોલીસ અને SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) લાંબા સમયથી તેની શોધખોળ કરી રહી હતી.આ સમગ્ર મામલો નાસિક સ્થિત TCS સાથે જોડાયેલા BPO યુનિટમાં મહિલાઓ સાથે થયેલા યૌન શોષણ, માનસિક હેરાનગતિ ,કથિત ધર્માંતરણના આરોપો સાથે સંકળાયેલો છે. પીડિત મહિલાઓએ ફરિયાદમાં આરોપ મૂક્યો હતો કે કેટલાક સિનિયર કર્મચારીઓ દ્વારા ધાર્મિક દબાણ કરવામાં આવતું અને મહિલાઓને ખાસ ધાર્મિક રીતરિવાજો અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવતી હતી.

પોલીસ તપાસ અનુસાર નિદા ખાન પર આરોપ છે કે તેણે પીડિત મહિલાઓને ફરિયાદ નોંધાવવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો અને કેટલાક આરોપીઓને મદદ કરી હતી. SITએ કોર્ટમાં દલીલ કરી હતી કે નિદા ખાન દ્વારા પીડિતાને હિજાબ અને બુરખો પહેરવા માટે પ્રેરિત કરવામાં આવી હતી તેમજ મોબાઇલમાં ધાર્મિક કન્ટેન્ટ અને એપ્લિકેશન્સ મોકલવામાં આવ્યા હતા.આ પહેલા નિદા ખાને નાસિક કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. તપાસ એજન્સીઓએ કોર્ટને જણાવ્યું હતું કે કેસમાં ડિજિટલ પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને અન્ય મહત્વપૂર્ણ માહિતી મળી આવી છે, જેના આધારે આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.

નાસિક પોલીસ દ્વારા નિદા ખાનને પકડવા માટે ત્રણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે તેના પતિ સહિત નજીકના લોકોની પૂછપરછ પણ કરી હતી. અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, પરંતુ તે સતત સ્થળ બદલી રહી હોવાનું સામે આવ્યું હતું.આ કેસમાં અત્યાર સુધી અનેક આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં દાનિશ શેખ, તૌસિફ અત્તર, રજા મેમણ, શાહરુખ કુરેશી અને POSH કમિટીના ઓપરેશન મેનેજર અશ્વિન ચૈનાની સહિતના નામો સામેલ છે. પોલીસે અત્યાર સુધી કુલ 9 FIR નોંધેલી હોવાનું પણ સામે આવ્યું છે.

નિદા ખાનની ધરપકડ બાદ હવે SIT દ્વારા વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે રાજ્યભરમાં ભારે ચર્ચા જાગી છે અને મહિલા સુરક્ષા તેમજ કોર્પોરેટ વર્કપ્લેસમાં સુરક્ષાના મુદ્દાઓ ફરી એકવાર કેન્દ્રમાં આવ્યા છે.

Most Popular

To Top