TMC સાંસદે કહ્યું- “આ હેરાનગતિ અને સુરક્ષાનો ભંગ”
મહુઆ મોઇત્રા ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવી ગયા છે. આ વખતે મામલો રાજકીય ભાષણનો નહીં પરંતુ હવાઈ મુસાફરી દરમિયાન થયેલી હેરાનગતિનો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની સાંસદ મહુઆ મોઇત્રાએ આરોપ લગાવ્યો છે કે IndiGoની ફ્લાઈટમાં તેમની સામે કેટલાક મુસાફરો દ્વારા ‘ચોર-ચોર, TMC ચોર’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે.

માહિતી મુજબ, આ ઘટના કોલકાતાથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઈટ 6E-719માં બની હતી. મહુઆ મોઇત્રા સંસદીય રક્ષા સમિતિની બેઠકમાં ભાગ લેવા દિલ્હી જઈ રહ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો શેર કરીને દાવો કર્યો કે ફ્લાઈટમાં બેઠેલા 4 થી 6 લોકો સતત તેમની તરફ જોઈ રહ્યા હતા, વીડિયો બનાવી રહ્યા હતા અને ઉશ્કેરણીજનક નારા લગાવી રહ્યા હતા. વીડિયોમાં ‘ચોર-ચોર’ અને ‘જય શ્રી રામ’ના નારા સાંભળવા મળી રહ્યા છે.
મહુઆ મોઇત્રાએ આ સમગ્ર ઘટનાને “હેરાનગતિ” અને “વિમાનમાં મુસાફરની સુરક્ષાનો ભંગ” ગણાવ્યો છે. તેમણે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિન્જરાપુ રામ મોહન નાયડુને ટેગ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ DGCAને પણ ફરિયાદ કરીને સંબંધિત મુસાફરોને “નો-ફ્લાય લિસ્ટ”માં મૂકવાની માંગણી કરી છે. મહુઆ મોઇત્રાએ આરોપ લગાવ્યો કે ઇન્ડિગોનું કેબિન ક્રૂ સમગ્ર ઘટનામાં નિષ્ક્રિય રહ્યું અને કોઈ કાર્યવાહી કરી નહોતી. તેમના જણાવ્યા મુજબ, મુસાફરોના વર્તનથી તેઓ અસુરક્ષિત અનુભવ કરી રહ્યા હતા છતાં એરલાઇન સ્ટાફે પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પ્રયાસ કર્યો નહોતો. તેમણે આ મુદ્દે એરલાઇન મેનેજમેન્ટ સામે પણ સવાલ ઉઠાવ્યા છે.
આ ઘટના બાદ રાજકીય પ્રતિક્રિયાઓ પણ શરૂ થઈ ગઈ છે. TMC નેતાઓએ આ ઘટનાની નિંદા કરતાં તેને રાજકીય પ્રેરિત હેરાનગતિ ગણાવી છે. બીજી તરફ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે મહુઆ મોઇત્રાના જૂના “કેશ ફોર ક્વેરી” વિવાદને લઈને તેમની ટીકા પણ કરી છે. નોંધનીય છે કે મહુઆ મોઇત્રા અગાઉ પણ અનેક રાજકીય વિવાદોને કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે.
હાલ સમગ્ર મામલો સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઇન્ડિગો અથવા DGCA તરફથી સત્તાવાર વિગતવાર નિવેદન હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ ઘટનાના વીડિયો વાયરલ થતાં હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરોની સુરક્ષા અને વર્તન અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.