વન અધિકાર અધિનિયમ – એટલે કે જંગલ જમીન પરના અધિકારનો કાયદો છેક ૨૦૦૬ થી અમલમાં આવ્યો. આ કાયદાને ભારતભરના આદિવાસી અને જંગલ આધારિત સમુદાયો સામે થયેલા ઐતિહાસિક અન્યાયને સુધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. કારણ કે, આ કાયદો આદિવાસી સમુદાયો અને જંગલના પર્યાવરણ વચ્ચેના સહઅસ્તિત્વના સંબંધને સ્વીકારે છે અને તેમને જંગલની જમીન ખેડવાનો અધિકાર આપે છે. પણ, વીસ વર્ષનાં વહાણાં વીત્યા પછી પણ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓએ કરેલા દાવાઓનો નિકાલ આવ્યો નથી. એટલે કે આદિવાસી ખેડૂતને જમીન ખેડવાના અધિકાર મળ્યા નથી.
ગુજરાતમાં વન અધિકાર અધિનિયમ હેઠળ દાખલ થયેલા કુલ દાવાના લગભગ ૪૪ ટકા અનિર્ણીત હાલતમાં છે. આવા અનિર્ણીત દાવાઓ ઘણી વાર પર્યાવરણ, રાજ્ય પ્રશાસન અને આદિવાસીઓને આપવામાં આવેલા કાનૂની અધિકારોના અમલ વચ્ચે ઊભી થતી ગંભીર વિસંગતિઓનું ઉદાહરણ બનીને સામે આવ્યા છે તેમ જ જંગલ ખાતા અને સ્થાનિક આદિવાસી વચ્ચે સંઘર્ષનું કારણ બનતાં રહ્યાં છે. આવો જ એક કિસ્સો બનાસકાંઠાના પાડલિયા ગામ ખાતે ડિસેમ્બરમાં બન્યો હતો જેમાં સ્થાનિક આદિવાસીઓ, જંગલ ખાતાના અધિકારી અને પોલીસ વચ્ચે અથડામણ થઇ. ઘટનાના કેન્દ્રમાં છે શકરીબહેન વાલાભાઈ નામની એક વિધવા બહેન.
વર્ષોથી તેઓ જે જમીન પર ખેતી અને વસવાટ કરતાં હતાં અને તેમનો દાવો ગ્રામસભા સ્તરે વન અધિકાર અધિનિયમ હેઠળ ઓળખવામાં આવ્યો હતો, તે જમીન પર રોપા વાવવાના કામના બહાને જંગલ ખાતાના અધિકારીઓ ભારે મશીનરી સાથે આવ્યા, તેમનું મકાન તોડી નાખ્યું, કૂવો અને પાકને નુકસાન પહોંચાડ્યું. જ્યારે તેમણે વિરોધ કર્યો ત્યારે તેમને ધકેલી દેવામાં આવ્યા અને પોતાના દાવા સંબંધિત દસ્તાવેજ રજૂ કરવાની તક પણ આપવામાં આવી નહીં. શકરીબહેન અને તેમનાં બે નાનાં બાળકો રાતોરાત બેઘર થઇ ગયાં. તેમણે પોલીસમાં ગેરકાયદેસર બેદખલી અને મારપીટ અંગે અરજી કરી હોવા છતાં, તેની એફઆઈઆર નોંધાઈ નહીં.
શકરીબહેનની પડખે ગામનાં લોકો ઊભાં થઇ ગયાં અને જમીન સાફ કરવાની કામગીરીનો વિરોધ કર્યો ત્યારે પોલીસે એકઠાં થયેલાં ગામલોકો સામે લાઠીચાર્જ અને આંસુ ગેસનો ઉપયોગ કર્યો. લોકોએ પણ સામો પ્રતિકાર કર્યો અને ઘર્ષણ થયું. પરિણામે ઘટના પછી જે એફ.આઈ.આર. નોંધવામાં આવી એમાં 26 લોકોનાં નામ છે અને આશરે 500 “અજાણ્યાં લોકો”નો ઉલ્લેખ છે. ગામના બે વરિષ્ઠ વ્યક્તિને પોલીસે કસ્ટડીમાં પણ લીધા. ગામનાં લોકોમાં ડર ઊભો કરવા માટે આ પૂરતું છે. બીજી તરફ શકરીબહેનની ફરિયાદ પર કોઈ કાર્યવાહી થઇ નહીં!
જંગલ ખાતું વનીકરણના લક્ષ્ય હાંસલ કરવા માટે વૃક્ષારોપણ કરવા માંગતું હતું. કાયદો કહે છે કે જ્યાં સુધી કોઈ જમીન પરના દાવાઓનો નિકાલ ના આવે ત્યાં સુધી કોઈને જમીન પરથી હટાવી શકાય નહીં કે જમીનમાં ફેરફાર કરી શકાય નહીં. પણ આ કિસ્સામાં દાવાઓ બાકી હોવા છતાં, અધિકારીઓને વનીકરણનો કાર્યક્રમ પૂરો કરવો હતો એટલે જમીન સાફ કરવાની અને વાવેતર કરવાની કામગીરી શરૂ થઇ. પરિણામે વૃક્ષારોપણ કરી પર્યાવરણને સાચવવાનું ધ્યેય અને સ્થાનિક લોકોને આજીવિકાનું ધ્યેય આમનેસામને આવી ગયાં. વન વિભાગે પર્યાવરણીય લક્ષ્યોને પાર પાડવામાં એટલી ઉતાવળ કરી કે તેમણે જિલ્લા કલેકટરની મંજૂરી – જે કાયદા પ્રમાણે આવશ્યક છે – પણ ના લીધી. કલેકટરે આ સંદર્ભે કોર્ટમાં નિવેદન આપ્યું છે. પરિણામે ભોગ લેવાયો શકરીબહેનના મૂળભૂત અધિકારોનો.
સ્થાનિક સમુદાયના જમીન ખેડવાના અધિકારનો. આપણી વ્યવસ્થાની એક મોટી વિસંગતિ છે પર્યાવરણના સંરક્ષણના નામે તે જ સમુદાયોના અધિકારોને નુકસાન થાય છે, જે પરંપરાગત રીતે જંગલ સાથે જોડાયેલા છે! ઘણા અભ્યાસ બતાવે છે કે વન-જમીનનો અધિકાર જંગલોના સંરક્ષણ માટે એક અસરકારક સાધન છે. અનેક ઉદાહરણ છે, જે જ્યાં સ્થાનિક સમુદાયોએ વન-જમીન પર હકની માન્યતા મળ્યા બાદ લોકોએ એ જંગલોને પુનઃજીવિત કર્યા હોય તેમજ જંગલમાં ટકી શકે એવી ટકાઉ ખેતીની વ્યવસ્થા અપનાવી છે. બાકી, જંગલોનું નિકંદન માટે શહેરી વિકાસની માંગને પહોંચી વળવા ઊભા થઇ રહેલા બજાર જવાબદાર છે, નહીં કે આદિવાસી.
આદિવાસીઓએ જંગલ-જમીન પર કરેલા દાવાઓને વર્ષો સુધી મંજૂરી નહીં આપવાની વહીવટી નિષ્ક્રિયતા વ્યાપક છે. પાડલિયાના કિસ્સામાં 2023માં જ ગ્રામસભાએ 173 દાવેદારોની ઓળખ કરી હતી, છતાં પ્રક્રિયા આગળ વધતી નથી. તો બીજી તરફ જંગલ ખાતું પર્યાવરણ સંરક્ષણના નામે વૃક્ષારોપણની ઉતાવળ કરે છે! એટલે આ ઘટના માત્ર “કાયદો અને વ્યવસ્થા”ના પ્રશ્ન પૂરતી માર્યાદિત ન રહેતાં, વન અધિકાર કાયદાના અમલમાં થયેલી ઢીલાશ, સામાજિક ન્યાયના અમલ પ્રત્યેની ઉદાસીનતા અને સાથે માનવ અધિકાર ભંગની પણ બની જાય છે.
આ કેસ જ્યારે ગયા મહિને ગુજરાત હાઈકોર્ટમાં આવ્યો ત્યારે ન્યાયમૂર્તિ કરિયેલે સરકારી વકીલને ઠપકો આપતાં અણિયાળા પ્રશ્નો કર્યા – “વન અધિકારીઓએ બળપ્રયોગ કરવાનો પ્રયાસ શા માટે કર્યો? અને દાવાઓ બાકી હોવા છતાં વાવેતર કરવા માટે આટલી ઉતાવળ શા માટે બતાવવામાં આવી? શું આ કાર્યવાહીનો હેતુ આદિવાસીઓને હટાવવાનો હતો?” હાઈકોર્ટ પ્રશાસન અને પોલીસને તેમના બળપ્રદર્શન સંબંધે કહ્યું કે “આ કોઈ સરહદ નથી; આ તમારાં પોતાનાં નાગરિકો છે.” કોર્ટની આ ટીપ્પણી છેવાડાનાં નાગરિકોના અધિકારો પ્રત્યે સરકારી તંત્રના અભિગમ અને તેમની સામે લેવાતાં દમનકારી પગલાં અંગે ઘણું બધું કહી જાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે