શૂન્યાવકાશ ક્યારેય ભરાયા વિના રહેતો નથી

ચૂંટણીઓ માટે રણનીતિ ઘડનારા પ્રશાંત કિશોર આજકાલ તેમની દરેક મુલાકાતોમાં વારંવાર કહે છે કે રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પક્ષને પરાજીત કરવો હોય કે પછી BJPને અન્ય પક્ષોનો ટેકો લઈને સરકાર રચવી પડે એ હદે લોકસભામાં લઘુમતીમાં ધકેલી દેવો હોય તો વિપક્ષી એકતા કામમાં આવવાની નથી. વિપક્ષી એકતાનાં ગણિતની એક મર્યાદા હોય છે. જેતે પ્રદેશમાં જેતે પક્ષોના મતોના સરવાળાઓ કરવાથી રાજકીય ચિત્ર નિર્ણાયક પ્રમાણમાં બદલી શકાતું નથી.

પ્રશાંત કિશોરની વાત સાચી છે અને એનાં મુખ્ય ત્રણ કારણ છે. એક તો એ કે જેતે રાજ્યમાં સૌથી પ્રભાવી વિરોધ પક્ષ હોય એની તરફેણમાં બીજા નાના પક્ષો પોતાનો રાજકીય સ્વાર્થ છોડીને કહેવાતા રાષ્ટ્રીય હિત માટે પોતાની દુકાન સંકેલી લે એમ બનવાનું નથી. આવી અપેક્ષા રાખવી એ ભોળપણ છે. બીજું કારણ એ છે કે સંસદીય લોકતંત્રમાં જેતે પક્ષના રાજકીય નેતાઓ પોતાના સંસદીય ક્ષેત્ર (કે વિધાનસભા ક્ષેત્ર)ને કેળવતા હોય છે, જે રીતે ખેડૂત પોતાના ભાગમાં આવેલી જમીનને કેળવતો હોય છે. વિપક્ષી એકતાના નામે પક્ષનો નેતા પોતે કેળવેલી જમીન કોઈ બીજા પક્ષના ઉમેદવારને ખેડવા માટે આપી દે તો એ સ્થાનિક દાવેદાર તેને દિલથી સ્વીકારવાનો નથી. પક્ષનું હિત અને દાવેદાર નેતાઓનું અંગત હિત ટકરાય છે. ત્રીજું કારણ એ છે કે જેતે પક્ષનો મતદાતા પોતાનાં ક્ષેત્રમાં આવેલા અન્ય પક્ષના આગંતુક ઉમેદવારને રાજકીય સમજૂતીના નામે સ્વીકારતો નથી અને તેને મત આપતો નથી. ઘણા કિસ્સામાં એ મત એ પક્ષને જાય છે જેની વિરુદ્ધ રાજકીય સમજૂતી કરવામાં આવી હોય. આવું વખતોવખત જોવા મળ્યું છે.

પ્રશાંત કિશોર કહે છે કે રાષ્ટ્રીય સ્તરે જો નિર્ણાયક રાજકીય પરિવર્તન કરવું હોય તો એને માટે વિરોધ પક્ષોના મતદાતાઓ ઉપર ભરોસો રાખવાની જગ્યાએ BJPનો વિરોધ કરનારા મતદાતાઓ ઉપર સીધો ભરોસો રાખીને એને જેવું જોઈએ છે એવું રાજકારણ કરવું જોઈએ. એવા મતદાતાની સંખ્યા ઓછી નથી, લગભગ ૫૦ % છે. અડધોઅડધ. BJPનો વિરોધ કરનારા નાગરિકોના મત હિમાલય જેટલા અચલ છે અને એમાં એક મતનો પણ ઘટાડો થવાનો નથી, એમાં વધારો થઈ શકે છે. જે મતદાતા BJPનો વિરોધ કરે છે એ BJPની વિરુદ્ધ મત આપતો રહે છે, જ્યારે કે તેને ખબર હોય છે કે તેનો મત નિર્ણાયક પરિવર્તન કરી શકવાનો નથી અને વેડફાવાનો છે. વારંવાર ભારતના ૫૦ % મતદાતાઓ રૂઢ અર્થમાં પોતાનો મત વેડફે છે. તેને ખબર છે કે તે નિર્ણાયક પરિવર્તન કરી શકતો નથી અને તે વિરોધ પક્ષોથી નિરાશ અને નારાજ પણ છે પણ એ છતાંય તે BJPને મત આપતો નથી કારણ કે તેને BJPની કલ્પનાનું ભારત સ્વીકાર્ય નથી. એ વારંવાર BJPની કલ્પનાનું ભારત તેની વિરુદ્ધ મત આપીને નકારતો રહે છે, પછી ભલે એ વાંઝિયો પ્રયાસ હોય.

એને કંઈક જોઈએ છે. એવું કાંઈક જોઈએ છે જે BJP આપી શકે એમ નથી. ઊલટું તેને એમ લાગે છે કે BJPએ તેને જે જોઈએ છે એ ઝુંટવી લીધું છે. તેની પાસે અત્યાર સુધી જે હતું એ BJPએ ઝૂંટવી લીધું છે. એ એને પાછું જોઈએ છે. શું જોઈએ છે એને? સહિયારું ભારત. દરેક ધર્મોને સમાન આદર આપનારું સેક્યુલર ભારત. દરેક અવાજને વાચા આપનારું મુક્ત લોકતાંત્રિક ભારત. સ્ત્રીઓને અને શોષિત-વંચિતને ન્યાય તેમ જ માનવીય ગરિમા આપનારું સમાનતાયુક્ત ભારત. જ્યાં કાયદો અને વ્યવસ્થાનો લાભ દરેકને એક સરખો મળતો હોય એવું કાયદાના રાજવાળું બંધારણીય ભારત.

સંખ્યાના જોરે કોઈ કોમવિશેષની દાદાગીરી ચલાવી લેવામાં ન આવતી હોય એવું સભ્ય ભારત. જ્યાં ખોટો ઈતિહાસ ભણાવવામાં ન આવતો હોય, જ્યાં ખોટા ગૃહિતો સ્થાપિત કરવામાં ન આવતા હોય, જેમાં લોકોને ભાવનાઓના પૂરમાં વહાવવામાં ન આવતા હોય, જ્યાં લોકોને ડર બતાવવામાં ન આવતો હોય એવું બુદ્ધિપ્રધાન વિવેકી ભારત. જ્યાં વિજ્ઞાન અને વિકાસ કેન્દ્રમાં હોય એવું ઉર્ધ્વગામી ભારત. ભારતના ૫૦% મતદાતાઓને આવું ભારત જોઈએ છે. વિરોધ પક્ષોના મતદાતાઓને આવું ભારત અભિપ્રેત છે કે નહીં એ ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે પણ જેમને આવું ભારત જોઈએ છે એ BJPનો વિરોધ કરે છે. તેઓ BJPનો વિરોધ કરતા હતા, કરે છે અને કરવાના છે; કોઈ રાજકીય પક્ષ તેના મતને ઝીલવા સક્ષમ હોય કે ન હોય.

 ભારતનો પ્રત્યેક બીજો નાગરિક BJPનો વિરોધી છે અને એમાં એક મતનો પણ ઘટાડો થવાનો નથી. આવનારાં વરસોમાં એમાં વધારો થવાની શક્યતા ખરી પણ ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. ટકોરાબંધ પ્રતિબદ્ધ મતદાતાઓ ઉપલબ્ધ છે પણ તેના સુધી પહોંચવું કેમ અને પહોંચશે કોણ? આ લાખ રૂપિયાનો સવાલ છે. વિપક્ષી જોડાણની કસરત કરવા તૈયાર છે, તેમાં ઓછી બેઠકો મેળવીને અપમાનિત થવા તૈયાર છે, પણ સહેજે ઉપલબ્ધ પ્રતિબદ્ધ મતદાતા પાસે રાજકીય વિકલ્પ બનીને પહોંચવાની કોઈ કોશિશ કરતું નથી.

કારણ? ૧. ભારતમાં કોંગ્રેસને છોડીને અખિલ ભારતીય સ્તરે કોઈ પક્ષ હાજરી ધરાવતો નથી અને કોંગ્રેસ દિશાહીન તેમ જ પુરુષાર્થહિન છે. ૨. બે-ચાર પક્ષોને છોડીને બાકીના બધા જ પક્ષો પારિવારિક પક્ષો છે. ૩. આમ આદમી પાર્ટીનો એક ધૂમકેતુની માફક ઉદય થયો હતો પણ અત્યારે તેમાં તેના નેતા અરવિંદ કેજરીવાલ પોતે તાનાશાહ છે અને BJPના આકરા હિન્દુત્વ સામે સોફ્ટ હિન્દુત્વની નકલ કરે છે. જે હિંદુઓથી ડરીને હિંદુઓને રીઝવવાનું રાજકારણ કરશે તે ક્યારેય ફાવવાના નથી. આમ સ્થિતિ નિરાશાજનક છે પણ આશાનું કિરણ એ છે કે શૂન્યાવકાશ ક્યારેય ભરાયા વિના રહેતો નથી. જ્યારે જેની જરૂરિયાત હોય તેનો ઉદય થતો હોય છે. કુદરતનો આ નિયમ છે અને તે અટલ છે.

Most Popular

To Top