India

વિસ્ફોટમાં 2 નિર્દોષના મોત બાદ મણિપુર સળગી ઉઠ્યું

રાત્રે હજારો લોકો રસ્તા પર ઉતર્યા

મણિપુરના બિશ્નુપુર જિલ્લામાં થયેલા ભયાનક વિસ્ફોટમાં બે માસૂમ બાળકોના મોત થયા બાદ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાના વિરોધમાં હજારો લોકો રાત્રિના સમયે રસ્તા પર ઉતરી આવ્યા અને આરોપીઓ વિરુધ ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મશાલ રેલી યોજી.આ ઘટનાએ પહેલેથી જ તણાવગ્રસ્ત મણિપુરની સ્થિતિને વધુ સંવેદનશીલ બનાવી દીધી છે.

માહિતી મુજબ, બિશ્નુપુર જિલ્લાના મોઈરાંગ નજીક આવેલા ટ્રોંગલાઓબી વિસ્તારમાં 7 એપ્રિલે મધરાતના સમયે એક રહેણાંક મકાન પર બોમ્બ જેવા વિસ્ફોટક હુમલો થયો હતો. આ હુમલામાં એક પાંચ વર્ષના બાળક અને એક નવજાત બાળકીનું મૃત્યુ થયું, જ્યારે તેમની માતા ગંભીર રીતે ઘાયલ થયા હતા.આ દુર્ઘટનાની ખબર ફેલાતા જ ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમ સહિત મણિપુરના અનેક વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા. લોકો દ્વારા કર્ફ્યુના આદેશોની અવગણના કરીને મશાલ રેલી કાઢવામાં આવી અને જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ ઉઠાવવામાં આવી.

પરિસ્થિતિ તંગ બનતા સુરક્ષા દળોએ ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો.પ્રદર્શનકારીઓએ આ ઘટનાને ગંભીર સુરક્ષા ચૂક ગણાવી અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર પાસેથી સ્પષ્ટ જવાબદારી નક્કી કરવાની માંગ કરી. અનેક વિસ્તારોમાં લોકો દ્વારા રસ્તા બંધ, વિરોધ રેલીઓ અને પ્રતિકાત્મક મશાલ માર્ચ યોજાઈ હતી. આંદોલન દરમિયાન કેટલાક સ્થળોએ સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાને લઈને સમગ્ર ઉત્તર-પૂર્વ ભારતમાં પણ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. બાળકોના મોતને લઈને ખાસ કરીને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને અત્યાર સુધીમાં પાંચ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. મણિપુરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા જાતીય તણાવ વચ્ચે આ ઘટના વધુ એક ગંભીર ઝટકો સાબિત થઈ છે. હાલ રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનો આક્રોશ હજુ યથાવત છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી ના થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top