Dakshin Gujarat

ધરમપુરમાં કેરીએ મચાવી એવી બબાલ કે ભાઈએ ભાઈના કર્યા આવા હાલ..

ધરમપુર : ધરમપુર (Dharampur) તાલુકાના નાનીવહીયાળ ગામે નાનોભાઈ કેરી (Mango) પાડવા જતાં તેણે મોટા ભાઈને કેરી તમારા મકાનના (House) પતરાં ઉપર પડશે, તો પતરાં તુટી જશે એવું કહેતાં નાનાભાઈ અને મોટાભાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા નાનાભાઈએ મોટાભાઈને લાકડાનો સપાટો મારતાં તેને લોહી લુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલમાં (Hospital) સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ધરમપુરના નાની વહિયાળ ગામે જલારામ ફળીયામાં રહેતા જેસિંગ કુંવરીયા પટેલ બપોરે ખેતીકામ કરવા ઘરેથી બહાર નીકળ્યા હતા. ત્યારે તેના નાનાભાઈ ગુલાબ કુવરીયા પટેલ તેના રૂમની આગળ પેજારી ઉપર સિમેન્ટના પતરા મુકતા હતા. ત્યારે ગુલાબ બાજુમાં આવેલા આંબાની કલમ ઉપરથી કેરી પાડતો હતો. જો કેરી તમારા પતરા પર પડશે તો પતરા તૂટી જશે તો મારી કોઈ જવાબદારી નહીં રહે એમ તેણે કહ્યું હતું. જેથી ગુલાબ અને જેસિંગ વચ્ચે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા ગુલાબે લાકડા વડે જેસિંગના માથામાં એક સપાટો મારી દીધો હતો. બુમાબુમને લઈ દોડી આવેલી તેમની પત્ની તથા પુત્રીએ જેસિંગને બચાવ્યા હતા. ત્યારબાદ સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ બનાવ અંગે જેસિંગ પટેલે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ આપી છે.

કડોદરાના અંત્રોલીમાં બુકાનીધારી લુંટારુ ત્રાટક્યા, ગ્રામજનો જાગી જતાં પથ્થરમારો કર્યો
પલસાણા: કડોદરા GIDC પોલીસમથક વિસ્તારના અંત્રોલી ગામમાં રવિવારે મધ્ય રાત્રિ બાદ બુકાનીધારી લુંટારુ ત્રાટકતાં ગામમાં ચકચાર મચી ગઈ હતી. ગ્રામજનો જાગી જતાં લુંટારુઓ પથ્થરમારો કરી નાસી છૂટ્યા હતા. નસીબજોગ લુંટારુઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં કોઈને ઇજા પહોંચી ન હતી.

સુરત-કડોદરા મુખ્ય રોડ પર આવેલા અંત્રોલી ગામમાં રવિવારે મધ્ય રાત્રિ બાદ અંદાજિત 1થી 2 વાગ્યાના સમયે 6 જેટલા લુંટારુ હાથમાં દંડા અને અન્ય સાધનો લઈને ઘૂસી આવ્યા હતા. લુંટારુઓ લૂંટ કરવા માટે લાગ શોધી રહ્યા હતા, ત્યારે જ ગામમાં આવેલી એક બેન્કના વોચમેનને જોતાં તેણે સિસોટી મારતાં તેઓ અંત્રોલી ઓવિયાણ રોડ પર વડ તરફ ભાગી છૂટ્યા હતા. ત્યાં પણ એક યુવકની નજર લુંટારુઓ પર પડતાં તેણે બૂમાબૂમ કરી હતી. આથી ગામના લોકો જાગી જતાં લુંટારુઓ એક ઘર પર પથ્થરમારો કરી નાસી છૂટ્યા હતા. જેને કારણે ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ નાઈટ રાઉન્ડમાં નીકળેલા પોલીસકર્મી અને હોમગાર્ડ પણ તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને લુંટારુ જે દિશામાં ગયા તે દિશામાં તપાસ કરી હતી. જો કે, તેઓની કોઈ કડી મળી શકી ન હતી. લુંટારુઓ ગામના સીસીટીવીમાં કેદ થઈ જતાં હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ કબજે લઈ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top