Gujarat

રાજ્યભરમાં 21 જૂને જનભાગીદારીથી 1.25 કરોડથી વધુ નાગરિકો યોગ કરશે

ગાંધીનગર: યોગ (Yoga) એ ભારતીય સંસ્કૃતિ અને આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ (Gift) છે. તા. ૨૧ મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. આ વર્ષની યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ’ નક્કી કરવામાં આવી છે. વિશ્વ યોગ દિવસ (World Yoga Day) નિમિત્તે તા.૨૧ મી જૂને સવારે ૬ વાગ્યે રાજ્યભરમાં શૈક્ષણિક સંસ્થાઓ- સરકારી કચેરીઓ સહિત જનભાગીદારીથી ૧.૨૫ કરોડથી વધુ નાગરિકો યોગ કરશે, તેવું કેબીનેટ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે છેલ્લા બે વર્ષની કોવિડ મહામારી બાદ સમગ્ર દેશમાં વિશાળ જનભાગીદારી સાથે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આ વર્ષે નક્કી કરાયું છે. ગુજરાત પણ દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, મહાનગપાલિકા, મહાનગપાલિકાના દરેક વોર્ડ, સાથો સાથ દરેક શાળા, કોલેજો, યુનિવર્સિટી, આઈ.ટી.આઈ., તમામ આરોગ્ય કેન્દ્રો, પોલીસ હેડક્વાર્ટર, પોલીસ સ્ટેશનો, જેલ અને શક્ય તેટલા જાહેર સ્થળોએ અંદાજે ૧.૨૫ કરોડ સવા કરોડથી વધુની જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.

હાલ દેશમાં આઝાદીનો અમ્રુત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેના ભાગરૂપે રાજ્યમાં ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક સ્થળો, શૈક્ષણિક તેમજ કુદરતી સૌંદર્ય ધરાવતાં ૭૫ આઈકોનિક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. ‘માનવતા માટે યોગ’ને સાર્થક કરવા મોટી સંખ્યામાં લોકોને જોડાવા જીતુ વાઘાણીએ અનુરોધ કર્યો હતો.

Most Popular

To Top