Business

રાજ્ય સરકાર ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ કાઢશે: 80 રથ તૈયાર

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોની માહિત લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર (Government) દ્વારા આગામી તા.૧ જુલાઇ થી ૧૫ જુલાઇ ૨૦૨૨ દરમિયાન સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા કક્ષાએ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા- ૨૦ વર્ષનો વિશ્વાસ -૨૦ વર્ષનો વિકાસ’નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના કેબીનેટ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યભરમાં યોજાનારી આ વંદે ગુજરાત વિકાસ યાત્રામાં ૮૦ જેટલા રથ તૈયાર કરાયા છે. આ તમામ રથ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રોજના ૧૦ ગામોમાં પરિભ્રમણ કરશે. દરેક જિલ્લામાં ૧૦ ગામોનું કલસ્ટર બનાવીને રૂટ પ્લાન જિલ્લા કક્ષાએથી કરવામાં આવશે.

  • ૧ થી ૧૫ જુલાઇ દરમિયાન તમામ રથ જિલ્લા- તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રોજના ૧૦ ગામોમાં પરિભ્રમણ કરશે
  • ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડવા

૧૫ દિવસ યોજાનારી આ યાત્રામાં ઝોન મુજબ વિવિધ થીમ આધારિત કાર્યક્રમો નિયત કરવામાં આવ્યા છે. આ યાત્રા દરમિયાન વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા વિવિધ યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરાશે. જિલ્લા કક્ષાએ આ યાત્રાનું નેતૃત્વ મંત્રીમંડળના સભ્યો, સાંસદ સભ્યો, ધારાસભ્ય સહિત પદાધિકારીઓ કરશે. જ્યારે સ્થાનિક કક્ષાએ સમગ્ર યાત્રાનું સંકલન જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવશે. પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યો તેમના મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામો હાથ ધરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. બે કરોડની ગ્રાંટ ફાળવવાનો નિર્ણય કરાયો છે તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા રૂ. ૮૬ કરોડની રકમ પણ ફાળવી દેવામાં આવી છે.

Most Popular

To Top